સાગબારાના ખેડૂતોને પુરાવાના આધારે જંગલની જમીન આપવાનો નિર્ણય:80 હજાર પેન્ડિંગ દાવા પણ ઉકેલાશે, રક્ષાબંધન બાદ બે મંત્રીઓ ખેડૂતો સાથે ચર્ચા કરશે

📅 Published: August 26, 2026 | 📂 Category: gujarati-news

સાગબારા તાલુકાના 12થી 13 ગામના ખેડૂતોના જંગલની જમીનના મુદ્દે સરકાર અને આદિવાસી નેતા સાંસદ મનસુખ વસાવા વચ્ચે યોજાયેલી બેઠક બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. વર્ષોથી જંગલની જમીન ખેડતા ખેડૂતોને નિયમો મુજબ જરૂરી પુરાવાના આધારે જમીનનો હક આપવાની દિશામાં કાર્યવાહી કરવા સરકાર સંમત થઈ છે. આ સાથે ગુજરાતમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા આશરે 80 હજાર જેટલા દાવાઓના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મનસુખ વસાવાએ જણાવ્યું કે, સાગબારા તાલુકાના 12 ગામના લોકો છેલ્લા આશરે 20 વર્ષથી જંગલની જમીન ખેડી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી ઉમરપાડા તાલુકાના ખેડૂતો સાથે જમીનના મુદ્દે ઘર્ષણ થતાં સામાજિક રીતે પણ પ્રશ્નો ઊભા થયા છે. આ મુદ્દે ખેડૂતો છેલ્લા 15થી 16 દિવસથી ધરણાં પર બેઠા છે. રક્ષાબંધન બાદ મંત્રીઓની ટીમ સાગબારા જશે
સરકાર દ્વારા સમગ્ર મામલે સ્થળ પર જઈ ખેડૂતો સાથે ચર્ચા કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય વન મંત્રી પ્રવીણ માળી અને પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ રક્ષાબંધન પર્વ બાદ સાગબારા જશે. બંને મંત્રીઓ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરીને આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સીધી ચર્ચા કરશે. સાગબારા વિસ્તારના આશરે 1300 ખેડૂતોના પ્રશ્નો અંગે પણ સ્થળ પર ચર્ચા કરવામાં આવશે. કયા ખેડૂતોને જંગલની જમીનનો હક મળી શકે તેમ છે અને તેના માટે કયા પુરાવા જરૂરી છે તે અંગે ખેડૂતોને સમજાવવામાં આવશે. 80 હજાર પેન્ડિંગ દાવાઓનો પણ થશે નિકાલ
મનસુખ વસાવાએ જણાવ્યું કે, ગુજરાતમાં જંગલની જમીન અંગે આશરે 80 હજાર દાવા હજુ પેન્ડિંગ છે. બેઠકમાં આ દાવાઓનો પણ ઝડપથી નિકાલ કરવા અંગે ચર્ચા થઈ હતી. વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય અને સરકારના નિયમ મુજબ જરૂરી પુરાવા રજૂ કરી શકે તેવા લાભાર્થીઓના દાવાઓનો પુરાવાના આધારે નિકાલ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાશે. ‘ફોરેસ્ટ એક્ટની સાથે સરકારના નિયમ મુજબ પણ નિર્ણય લેવો જોઈએ’
બેઠક અંગે મનસુખ વસાવાએ કહ્યું કે, વન વિભાગના અધિકારીઓ ફોરેસ્ટના કાયદાની વાત કરે છે, પરંતુ સરકારનો નિયમ એવો છે કે વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય અને તેના પુરાવા ઉપલબ્ધ હોય તો નિયમ મુજબ જમીનનો હક આપી શકાય છે. અગાઉ પણ આવા કિસ્સામાં જમીન આપવામાં આવી છે અને હવે પણ પુરાવાના આધારે કાર્યવાહી થવી જોઈએ. આ સમગ્ર પ્રક્રિયામાં આશરે 3થી 4 મહિનાનો સમય લાગી શકે છે, પરંતુ પેન્ડિંગ દાવાઓ અને સાગબારાના ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવાની દિશામાં સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જાતિના પ્રમાણપત્ર સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા
મનસુખ વસાવા અને સરકાર વચ્ચેની બેઠક લાંબી ચાલી હતી. જંગલની જમીનના દાવાઓ ઉપરાંત જાતિના પ્રમાણપત્ર સહિત આદિવાસી સમાજને લગતા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, જયરામ ગામીત, પી.સી. બરંડા, ગણપત વસાવા સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારના નિર્ણય મુજબ હવે સાગબારા પહોંચનારી મંત્રીઓ અને અધિકારીઓની ટીમ ખેડૂતો સાથે ચર્ચા કરીને જરૂરી પુરાવા અને દાવાઓની સ્થિતિ સમજશે. બેઠકમાં નક્કી થયેલા નિયમો અને પુરાવાના આધારે પાત્ર ખેડૂતોને જંગલની જમીનનો હક આપવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *