સાગબારામાં 23મા દિવસે રાજકીય પક્ષો એક મંચ પર:મંત્રીઓ સોમવારે ખોપી ગામની મુલાકાત લેશે; ધરણાનો અંત આવવાની તૈયારી

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

રાજપીપળા: સાગબારામાં જંગલ જમીનના ખેડાણ અને ખેડૂતોના પડતર દાવાઓના મુદ્દે ચાલી રહેલા ધરણા આંદોલનના 23મા દિવસે એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષોના આદિવાસી નેતાઓ એક જ મંચ પર આવ્યા હતા. આ ધરણા સ્થળે સાંસદ મનસુખ વસાવા, કોંગ્રેસના સંદીપ માંગરોલા, આગેવાન મહેશ વસાવા અને AAPના ડો. દયારામ વસાવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ જાહેરાત કરી કે સોમવારે રાજ્ય વન મંત્રી પ્રવીણ માળી, આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ અને પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ સાગબારા-ખોપીની મુલાકાત લેશે. સાંસદ વસાવાએ જણાવ્યું કે ખેડૂતોના મહત્વના મુદ્દાઓ મંત્રીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પેન્ડિંગ દાવાઓને મંજૂર કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં જેટલા પણ ખેડૂતોના દાવા પેન્ડિંગ છે, તેમને પુરાવાના આધારે લાભ મળે તે દિશામાં પણ નિર્ણય લેવાયો છે. મનસુખ વસાવાએ ધરણાં પર અડગ રહેનાર લીલાબેન વસાવાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ આંદોલનનો યશ લીલાબેન વસાવા અને સાગબારાના ખેડૂતોને જાય છે. આ આંદોલનને કારણે અંદાજે 70 થી 80 હજાર જેટલા ખેડૂતોને પુરાવાના આધારે લાભ મળી શકે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે વાત કરી હોવાનું સાંસદે જણાવ્યું હતું. સાંસદના નિવેદન બાદ સાગબારા વિસ્તારમાં ખેડૂતો દ્વારા ખેડાણની શરૂઆત કરવામાં આવી છે. પેન્ડિંગ દાવાઓને મંજૂરી અને સાગબારાના ખેડૂતોને ખેડાણની મંજૂરી આપવાની શરતે લીલાબેન વસાવા સોમવારે પારણાં કરવા તૈયાર થયા છે. લીલાબેન વસાવાએ જણાવ્યું હતું કે, “ખેડૂતોને ન્યાય મળે તો હું પારણાં કરવા તૈયાર છું.” સોમવારે મંત્રીઓની હાજરીમાં લીલાબેન વસાવા સહિતના ખેડૂતોના પારણાં કરાવી આંદોલનનો સુખદ અંત લાવવાની તૈયારી છે. આ જાહેરાત બાદ ધરણા સ્થળે ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો. 8 ઓગસ્ટથી શરૂ થયેલા આ આંદોલનમાં લીલાબેન વસાવા સતત 23 દિવસ સુધી ધરણા પર અડગ રહ્યા હતા. તેમણે મહત્વપૂર્ણ નિર્ણય માટે સાંસદ મનસુખ વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *