સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદમાં 13 દિવસથી આંદોલન:મહિલા આગેવાનની તબિયત લથડી, 12 ગામોના ખેડૂતોનો જંગલ જમીન મુદ્દે વિરોધ

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો વચ્ચે જંગલ જમીનનો વિવાદ છેલ્લા 13 દિવસથી યથાવત્ છે. સાગબારા બોર્ડર નજીક આવેલા હલગામ, પાડી, દોધનવાડી, ખોપી, નાલ સહિત અંદાજે 12 ગામોના ખેડૂતો જંગલ જમીન પર ખેતીની મંજૂરીની માંગ સાથે ઉપવાસ અને ધરણાં કરી રહ્યા છે. આ આંદોલનમાં ઉપવાસ પર બેઠેલા ભાજપના મહિલા આગેવાન લીલાબેન વસાવાની તબિયત લથડતાં મામલો વધુ ગંભીર બન્યો છે. લીલાબેન વસાવાનો 13 દિવસથી અન્નનો ત્યાગ
લીલાબેન વસાવા છેલ્લા 13 દિવસથી અન્નનો ત્યાગ કરીને ખેડૂતોના સમર્થનમાં ઉપવાસ પર બેઠાં છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે લાંબા સમયથી ઉપવાસને કારણે તેમની તબિયત લથડી હોવા છતાં તંત્ર કે આરોગ્ય વિભાગ તરફથી હજુ સુધી તેમની યોગ્ય તપાસ કે મુલાકાત કરવામાં આવી નથી. વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોનું સમર્થન
ખેડૂતોના આંદોલનને શરૂઆતથી જ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખનું સમર્થન મળ્યું છે. કોંગ્રેસના અનંત પટેલ, તુષાર ચૌધરી, પી.ડી. વસાવા અને સંદીપ માંગરોલા સહિતના આગેવાનોએ પણ આંદોલન સ્થળે પહોંચીને ખેડૂતોની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટીના ડૉ. દયારામ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારજનો, પ્રતિભાતાઈ શિંદે તેમજ વન સમિતિના આગેવાનોએ પણ ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે. 2005થી ખેતીના પુરાવા હોવાનો ખેડૂતોનો દાવો
આંદોલન કરી રહેલા ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી આ જંગલ જમીન પર ખેતી કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો તો વર્ષ 2005થી જમીન પર ખેતી કરતા હોવાના જૂના પુરાવા પણ પોતાની પાસે હોવાનો દાવો કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે વનવિભાગ દ્વારા તેમના જૂના પુરાવાઓની યોગ્ય ચકાસણી કરવામાં આવે અને નિયમ મુજબ તેમને ખેતી કરવાની મંજૂરી આપવામાં આવે. વાવણીની સિઝન હાથમાંથી નીકળી જવાની ભીતિ
ખેડૂતોનું કહેવું છે કે તેઓ મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે અને હાલ વાવણીની સિઝન ચાલી રહી છે. જમીન અંગેનો નિર્ણય લેવામાં વધુ વિલંબ થશે તો વાવણીનો સમય પસાર થઈ શકે છે. પરિણામે આદિવાસી ખેડૂતોને સમગ્ર ખેતીની સિઝન ગુમાવવાનો ભય સતાવી રહ્યો છે. એસીએફ સાથે ટેલિફોનિક ચર્ચા
આંદોલનકારી આગેવાનોએ સુરત જિલ્લાના એસીએફ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ખેડૂતોના પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. ખેડૂતોનો મુખ્ય સવાલ છે કે જો ઉમરપાડા રેન્જમાં નવા ખેડાણ માટે સમિતિના ઠરાવના આધારે મંજૂરી આપવામાં આવતી હોય, તો વર્ષોથી ખેતી કરતા અને જૂના પુરાવા ધરાવતા ખેડૂતોને શા માટે અટકાવવામાં આવી રહ્યા છે? સમિતિની ચિઠ્ઠી અને કાયદાકીય પ્રક્રિયા સામે સવાલ
ખેડૂતોનો આક્ષેપ છે કે સમિતિની ચિઠ્ઠી અને કાયદાકીય પ્રક્રિયાના નામે આદિવાસી પરિવારોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે તેમના કબજા અને વર્ષોથી ચાલી રહેલી ખેતીના પુરાવાઓની કાયદેસર રીતે તપાસ કરવામાં આવે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે. 13 દિવસ બાદ પણ ઉકેલ નહીં
13 દિવસથી ઉપવાસ અને ધરણાં ચાલુ હોવા છતાં જંગલ જમીનનો મુદ્દો હજુ સુધી ઉકેલાયો નથી. બીજી તરફ મહિલા આગેવાન લીલાબેન વસાવાની તબિયત લથડતાં આંદોલન વધુ ગંભીર તબક્કામાં પહોંચ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો વરસાદ આધારિત ખેતીની સિઝન પૂર્ણ થઈ જશે અને અનેક આદિવાસી પરિવારો વાવણી તેમજ પાકથી વંચિત રહી શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *