સાપુતારા ઘાટ માર્ગે દીપડાએ મોપેડસવાર પર હુમલો કર્યો:યુવક ઘાયલ, પ્રવાસીઓ અને વાહનચાલકોમાં ડર; વન વિભાગ કાર્યવાહી કરે તેવી માગ

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

સાપુતારા ઘાટ માર્ગ પર દીપડાનો હુમલો થયો છે. વહેલી સવારે ડ્યુટી પર જઈ રહેલા એક યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો, જેના કારણે મોપેડ સવાર રોડ પર પડી ગયા. આ ઘટનાથી ઘાટ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ડર ફેલાયો છે. બારડપાણી ગામના રહેવાસી ભરત ધૂળે સવારે લગભગ સાત વાગ્યે પોતાની એક્સેસ મોપેડ પર સાપુતારામાં સિક્યુરિટી ડ્યુટી માટે જઈ રહ્યા હતા. તેઓ સાપુતારા ઘાટ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જંગલમાંથી એક દીપડો બહાર આવ્યો અને તેણે મોપેડ સવાર પર હુમલો કર્યો. અચાનક થયેલા આ હુમલાથી ચાલક મોપેડ પરથી નીચે પડી ગયા. દીપડો ફરી હુમલો કરે તે પહેલાં પાછળથી આવતા રાહદારીઓ અને વાહનચાલકોની નજર ઘટનાસ્થળે પડી. લોકોની અવરજવર જોઈને દીપડો જંગલ તરફ ભાગી ગયો. આ ઘટનાને કારણે ઘાટ માર્ગ પર થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ. દીપડાના હુમલાને કારણે મોપેડસવારના મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. પાછળથી આવી રહેલા રાહદારીઓએ તરત મદદ કરી અને ઘાયલ યુવકને સારવાર માટે સાપુતારા સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી. સાપુતારા ઘાટ માર્ગ પર અગાઉ પણ જંગલમાંથી દીપડા આવતા-જતા જોવા મળ્યા છે. જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ડર છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે આ માર્ગ પરથી પસાર થતા લોકોને વન્યપ્રાણીના હુમલાનો ભય રહે છે. સાપુતારા ગુજરાતનું એક મહત્વનું પ્રવાસન સ્થળ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઘાટ માર્ગ પરથી અવરજવર કરે છે. દીપડાના હુમલાની આ ઘટનાને કારણે પ્રવાસીઓની સુરક્ષા અંગે પણ સવાલો ઉભા થયા છે. સ્થાનિકોએ વન વિભાગને તાત્કાલિક ઘટનાસ્થળ અને આસપાસના જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા, દીપડાની હિલચાલ પર નજર રાખવા અને જરૂર પડે તો પાંજરું ગોઠવવાની માંગ કરી છે. પ્રવાસીઓ અને વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *