સામાન્ય બાળકો સાથે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી:પ્રજ્ઞાચક્ષુઓ પણ આત્મગૌરવ સાથે જીવી શકે તે માટે સમાજની સહાનુભૂતિ અને સંવેદના અનિવાર્ય – લાભુભાઈ સોનાણી

📅 Published: October 15, 2026 | 📂 Category: gujarati-news

અંધ ઉદ્યોગ શાળામાં 41માં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે છેલ્લા 41 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે સામાન્ય શાળાના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો, આ નવરાત્રી મહોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ઓર્કેસ્ટ્રાના તાલ પર સામાન્ય બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. સંસ્થાના બાળકોની કલા અને ઉત્સાહને વધાવવા સમાજના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંધ ઉદ્યોગ શાળાના લાભુભાઈ સોનાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પણ સામાન્ય લોકોની જેમ જ આત્મગૌરવ સાથે જીવન જીવી શકે છે અને તે માટે સમાજમાં સંવેદના જાગવી અત્યંત જરૂરી છે. છેલ્લાં પાંચ વર્ષથી સામાન્ય શાળાઓના બાળકોને અહીં આમંત્રિત કરવામાં આવે છે, જેથી તેઓ પ્રજ્ઞાચક્ષુ બાળકોની અદ્ભુત શક્તિઓ અને ક્ષમતાઓથી પરિચિત થાય. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભવિષ્યમાં જ્યારે આ બાળકો સમાજમાં ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચે જેવા કે નેતા, અધિકારી, ડૉક્ટર કે એન્જિનિયર બને ત્યારે તેઓ પ્રજ્ઞાચક્ષુઓ પ્રત્યે સંવેદનશીલ બની તેમના હિતમાં ઉપયોગી નીતિઓ ઘડે અને તેનો યોગ્ય અમલ કરે. ઉજવણી અંગે સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની લાખોતરા વિશ્વાએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, “અમારી શાળામાં છેલ્લા પાંચ વર્ષથી બહારની શાળાઓના વિદ્યાર્થીઓ નવરાત્રી રમવા આવે છે અમે સામાન્ય લોકોની જેમ જ ગરબા રમીએ છીએ અને હું ઓર્કેસ્ટ્રામાં સિંગિંગ પણ કરું છું.” અન્ય એક વિદ્યાર્થીની ગોહિલ ઊર્મિલાએ જણાવ્યું કે, હું જ્યારથી આ સ્કૂલમાં આવી છું ત્યારથી અહીં ગરબા રમું છું. અમારી સંસ્થામાં સામાન્ય શાળાના બાળકો પણ આવે છે અને તેમની સાથે અમારા બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદથી ગરબે રમે છે સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોના ઉત્સાહને બિરદાવ્યો હતો, જેનાથી આખો માહોલ ભાવુક અને પ્રેરણાદાયી બની રહ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *