ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડના રૂપિયા સગેવગે કરવા માટે પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપતા તેમજ અન્ય નિર્દોષ લોકોના એકાઉન્ટ મેળવી કમિશન કમાતા એક શખસને ઝડપી લીધો છે. બે માસ પૂર્વે નોંધાયેલા ગુનાની તપાસના ભાગરૂપે પોલીસે નારી ચોકડી પાસેથી આરોપીની અટકાયત કરી હતી. ત્યારબાદ તેને અદાલતમાં રજૂ કરીને બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, જેથી આ સમગ્ર આંતરરાજ્ય નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય. સાયબર ગુનેગારોને ભાડે આપતા હતા ‘મ્યુલ એકાઉન્ટ્સ’
ભાવનગર રેન્જ આઈજી અસારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા સાયબર ક્રાઈમ ટીમને ખાસ સૂચના આપવામાં આવી હતી કે સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે જે ઈસમો પોતાનું ખાતું આપે છે અથવા સામાન્ય લોકોના બેન્ક ખાતા ભાડે મેળવી ફ્રોડ કરનારા ગેંગસ્ટર્સ સુધી પહોંચાડે છે તેમના પર તવાઈ બોલાવવામાં આવે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આવા ‘મ્યુલ એકાઉન્ટ્સ’ દ્વારા કમિશન મેળવીને સાયબર ગુનાઓમાં આર્થિક વ્યવહારો આચરવામાં આવતા હતા. પાસબુક, ચેકબુક અને સિમ કાર્ડ સહિત કિટ ભાડે આપતો આરોપી પકડાયો
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ, આરોપી વિશાલ રમેશભાઈ તલાવીયા (રહે. મકાન નંબર ૫૦, નિલેશ સોસાયટી, નારી ચોકડી પાસે, આખલોલ બ્રિજ આગળ, ભાવનગર) પોતાના બેન્ક એકાઉન્ટની સંપૂર્ણ કિટ જેમાં બેન્કની પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ તેમજ ખાતા સાથે લિંક થયેલું રજિસ્ટર્ડ સિમ કાર્ડ સામેલ હતું. તે ભાડે આપીને સાયબર ફ્રોડ કરનારા તત્વો પાસેથી કમિશન વસૂલતો હતો. કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
સાયબર ક્રાઇમ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 317(2) અને 54 હેઠળ કાનૂની કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવતાં નામદાર અદાલતે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ રેકેટમાં અન્ય કયા-કયા વચેટીયાઓ સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયાની હેરાફેરી કરવામાં આવી છે.
સાયબર ફ્રોડ માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનું કૌભાંડ:ભાવનગર સાયબર ક્રાઈમે શખસને દબોચ્યો, 2 દિવસના રિમાન્ડ મંજૂર
📅 Published: October 14, 2026 |
📂 Category: gujarati-news
