સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઝાંપા બજારમાં કૌટુંબિક નાણાકીય લેતીદેતીની જૂની અદાવતમાં લોહિયાળ ઝઘડો સામે આવ્યો છે. સાળાને ધંધા અર્થે આપેલા ₹29 લાખની અવારનવાર માંગણી કરવા છતાં નાણાં પરત ન મળતાં થયેલા મનદુઃખમાં સાળાના પુત્રએ પોતાના 61 વર્ષીય ફુવા પર જાહેરમાં હુમલો કર્યો હતો. મોપેડ પર જઈ રહેલા વૃદ્ધને પાછળથી ધક્કો મારી પછાડી દીધા બાદ ગળું પકડીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિધરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2014માં સાળાને ₹29 લાખ આપ્યા હતા, 4 વર્ષથી બોલચાલ બંધ હતી
ઝાંપા બજાર બેગમપુરા ખાતે રહેતા 61 વર્ષીય મોહમદ હુસૈન હાજી ઈબ્રાહિમ શેખે વર્ષ 2014માં પોતાના સાળા ઉસ્માન શેખને ધંધા માટે ₹29 લાખ આપ્યા હતા. આ રૂપિયા પરત માંગવા જતાં બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી અને ચાર વર્ષથી વાતચીત પણ બંધ હતી. આ બાબતની અદાવત રાખી સાળાનો દીકરો ઈરફાન શેખ અવારનવાર ફરિયાદી સામે એકનજરે જોઈ અદાવત રાખતો હતો. ગાળો ભાંડીને મારી નાંખવાની ધમકી આપી
ફરિયાદી મોહમદ હુસૈન પોતાના મોપેડ (GJ-05-PV-6727) પર ઘડિયાળ રીપેર કરાવીને પરત ફરી રહ્યા હતા. સાંજના સવા પાંચેક વાગ્યાના સુમારે તેઓ ઝાંપા બજાર ચોકથી મટન માર્કેટ તરફ વળ્યા ત્યારે આરોપી ઈરફાન ઉસ્માન શેખે પાછળથી દોડી આવી તેમની પીઠ પર જોરદાર ધક્કો માર્યો હતો. મોપેડ સાથે નીચે પટકાતાં જ આરોપીએ જાહેરમાં ગંદી ગાળો બોલી ‘આજે આને જાનથી મારી નાખીશ, કોઈ વચ્ચે નહીં આવતા’ તેવી ધમકી આપી એક હાથે ગળું પકડી બીજા હાથે મોઢા તેમજ શરીર પર આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. લોકો વચ્ચે પડતાં જીવ બચ્યો, સ્મિમેરમાં સારવાર લીધી
જાહેરમાં ચાલી રહેલા આ હુમલા દરમિયાન આસપાસના લોકો તાત્કાલિક વચ્ચે પડ્યા હતા અને વૃદ્ધને આરોપીના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આ મારામારીમાં મોહમદ હુસૈનને પગના ઘૂંટણ, નળાના ભાગે, હાથના પંજા પાસે તેમજ ચહેરા પર ગંભીર મૂંઢ ઇજાઓ થઈ હતી. બનાવ બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર મેળવ્યા બાદ મોહમદ હુસૈન શેખે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી ઈરફાન ઉસ્માન શેખ (રહે. સૈફી મોહલ્લો, ઝાંપા બજાર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ સોંપી છે.
સાળાના પુત્રનો ફુવા પર જીવલેણ હુમલો:29 લાખની ઉઘરાણી મામલે મોપેડ પરથી વૃદ્ધને ધક્કો માર્યો, ગળું દબાવીને ઢીકાપાટુનો માર માર્યો, રડતા રડતા વર્ણવી આપવીતી
📅 Published: November 11, 2026 |
📂 Category: gujarati-news
