સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક: સાહિત્યએ પણ નવાં કલેવર ધરવા પડે:છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિજેતાની ઘોષણાએ વિશ્વભરના સાહિત્ય રસિયાને મૂક્યા છે આશ્ચર્યમાં

📅 Published: October 15, 2026 | 📂 Category: gujarati-news

તાજેતરમાં 2026ના અલગ અલગ ક્ષેત્રે નોબલ પારિતોષિકના વિજેતાઓના નામ ઘોષિત થયા. એમાં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક કેનેડિયન લેખિકા એન કાર્સનને મળ્યું. તેમના સાહિત્ય વિશે ધારણા પ્રમાણે જાહેર માધ્યમો, બ્લોગ્સ, સાહિત્ય વર્તુળોમાં ચર્ચા, વિશ્લેષણ વગેરે શરૂ થયું. ખાસ કરીને એ ચર્ચા શરૂ થઇ કે છેલ્લાં કેટલાંક વર્ષોથી સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક એવા સર્જકોને મળતું થયું છે કે જેમના સર્જનમાં એમની અંગત અનુભૂતિઓને પ્રાધાન્ય અપાતું હોય. એવું સાહિત્ય કે જે વિશાળ વાચક વર્ગની અપેક્ષાથી ઘણું અલગ છે. જ્યારે આપણે સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિશે વિચારીએ છીએ ત્યારે હજુ પણ આપણા મનમાં ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ, અર્નેસ્ટ હેમિંગ્વે, નગીબ મહફૂઝ અને આલ્બેર કામૂ જેવા લેખકોના નામ આવે છે. આપણે તેમને એવા સર્જકો તરીકે યાદ કરીએ છીએ જેમણે મહત્વપૂર્ણ સાહિત્યિક કૃતિનું સર્જન કર્યું અને વિશાળ કથાવિશ્વ ઊભું કરવાનો પ્રયાસ કર્યો. તેમની રચનાઓ દ્વારા તેમણે સમગ્ર માનવીય સ્થિતિને, એક યુગને, એ યુગના રીતિ રિવાજો અને માનવ સંબંધોને સમજવાનો અને વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો. માનવજાતે અનુભવેલા પરિવર્તન, સંઘર્ષો અને યુદ્ધો સહિત. આમાંના કેટલાક લેખકો પોતાના પ્રયાસમાં ખરેખર સફળ પણ થયા હતા. ભારતીય અને ગુજરાતી લેખકો જેમને નોબલ પારિતોષિક નથી મળ્યું પણ આ પ્રકારનું સાહિત્ય રચવાનો પ્રયાસ કર્યો જેમ કે શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય, રવિન્દ્રનાથ ટાગોર, ધર્મવીર ભારતી, મનુભાઇ પંચોળી, રમણલાલ વસંતલાલ દેસાઇ, કનૈયાલાલ મુનશી વગેરે! હવે વ્યક્તિગત કૃતિઓનું સન્માન
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ પારિતોષિક એવા લેખકોની કૃતિઓને સન્માનિત કરતું થયું છે જે અત્યંત વ્યક્તિગત હોય. જે કૃતિઓનું વિશ્વ પણ મર્યાદિત હોય પછી એ પાત્રોની દૃષ્ટિએ હોય, ઘટનાઓની દૃષ્ટિએ, સ્થળોની દૃષ્ટિએ કે તેમાં રજૂ થતાં માનવીય અનુભવોની દૃષ્ટિએ. આપણને એવું માનવાનું મન થાય કે જો કદાચ નોબેલ પારિતોષિક ન મળ્યું હોત તો શું આ કૃતિઓ તરફ લોકોનું ખાસ ધ્યાન પણ ગયું હોત? સાહિત્યના આકાશમાં હવે એક જુદો જ સૂર સંભળાય છે. તાજેતરમાં કેનેડિયન લેખિકા એન કાર્સન, એની એર્નો, જોન ફોસે અને હાન કાંગ વગેરે સર્જકોની કૃતિઓને મળેલું વિશ્વ સાહિત્યનું સર્વોચ્ચ સન્માન એ સાબિત કરી રહ્યું છે કે એવું સર્જન જે આખી દુનિયાને પોતાની અંદર સમાવી લેવાનો દાવો કરતું નથી પરંતુ માનવીના અંગત વિશ્વની ઊંડાઇમાં ઊતરીને સમગ્ર માનવજાતને સ્પર્શી જાય છે. અહીં યુદ્ધો કરતાં સ્મૃતિઓ, ક્રાંતિઓ કરતાં આંતરિક સંઘર્ષો, ભવ્ય કથાવસ્તુ કરતાં મૌન અને એકલતા તથા સમાજના વિશાળ ચિત્ર કરતાં વ્યક્તિની સૂક્ષ્મ અનુભૂતિઓ વધુ મહત્વની બની જાય છે. એમાં પણ 120-125 પાનાંઓમાં રચાયેલી નોર્વેના લેખક જોન ફોસેની કૃતિઓ એવા વિશ્વમાં આકાર લે છે જ્યાં મૌન, પુનરાવર્તન, એકલતા અને ઊંડા ચિંતનનું પ્રભુત્વ હોય કે પછી દક્ષિણ કોરિયાની લેખિકા હાન કાંગની રચનાઓ હોય જેમાં કાવ્યાત્મક ભાષા અને અસ્તિત્વના પ્રશ્નો સાથે જોડાયેલી ઊંડી સંવેદનશીલતાને વણી લીધી હોય. ઉપરાંત આ વર્ષનાં વિજેતા એન કાર્સન વિશે નોબેલ પારિતોષિક વિજેતાઓ ઘોષિત કરતી સ્વીડિશ એકેડેમીએ એમની જાહેરાત વખતે એન વિશે કહ્યું કે પ્રાચીન શાસ્ત્રીય સાહિત્યની પરંપરા અને સમકાલીન સાહિત્ય વચ્ચે સંવાદ સાધીને એન એ એક નવા જ પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું છે. પારિતોષિક સામે કેટલાક સવાલો ઊભા થયા
આથી જ એક વાચક વર્ગમાં પ્રશ્ન, ચર્ચા ઊભી થઇ છે કે સમગ્ર વિશ્વને સમજવા માટે શું આખા વિશ્વની વાત કરવી જરૂરી છે કે પછી એક વ્યક્તિના હૃદયમાં ઊંડે દટાયેલી સ્મૃતિ, એકાંતની એક ક્ષણ કે માનવીના મનમાં ચાલતા મૌન આંતર દ્વંદ્વનો એક ટુકડો પણ માનવજાતની આખી કહાણી કહી શકે? માટે જ સાહિત્યના આ મૂળભૂત પ્રશ્નનો જવાબ જાણે નોબેલ પારિતોષિકની તાજેતરની પસંદગીમાં ધીમે ધીમે પ્રગટ થઇ રહ્યો છે અને કદાચ આજના વાચકની પસંદગી પણ બદલાઇ છે? શું હવે લેખકનું મહત્વ તેણે કેટલું વિશાળ વિશ્વ રચ્યું છે તેના કરતાં, માનવીના આંતરિક વિશ્વને કેટલું ઊંડાણપૂર્વક સ્પર્શ્યું છે તેના આધારે નક્કી થવા લાગ્યું છે? છેલ્લાં કેટલાંક વર્ષોના નોબેલ વિજેતાની કૃતિઓ તરફ નજર કરીએ તો આ પ્રશ્ન વધુ રસપ્રદ બની જાય છે. આગળ જણાવ્યા પ્રમાણે સર્જકો અલ્બેર કામૂ, શરતચન્દ્ર ચટ્ટોપાધ્યાય, રવિન્દ્રનાથ ટાગોર, મનુભાઇ પંચોળી કે ગોવર્ધનરામ ત્રિપાઠી વગેરે દ્વારા થયેલા સર્જન, તેમની કૃતિએ વિશ્વ પર કેવો પ્રભાવ પાડ્યો અને તેમની કૃતિઓ માનવજાત માટે કેટલી મહત્વપૂર્ણ હતી તેના પર વિશેષ ભાર મૂકવામાં આવતો હતો. ઉપરાંત ઘણા કિસ્સાઓમાં નોબેલ પારિતોષિક એવા લેખકોને આપવામાં આવતું હતું. જેમણે સાહિત્યના ક્ષેત્રમાં અગાઉથી જ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી લીધી હતી અને વિશ્વ પર પોતાની અમીટ છાપ છોડી હતી. આ પારિતોષિક તેમની સિદ્ધિઓની સ્વીકૃતિરૂપે આવતું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં નોબેલ પારિતોષિકના વિજેતાની ઘોષણા ઘણીવાર વિશ્વભરના સાહિત્ય રસિયાને આશ્ચર્યમાં મૂકી દે છે. વિજેતાની જાહેરાત થયા પછી જ ઘણા વાચકો તે લેખક વિશે જાણવાનું અને તેમની કૃતિઓ વાંચવાનું શરૂ કરે છે. વાચકોને લેખકનો પરિચય કરાવવાનું માધ્યમ
જેમ એવું કહેવાય છે કે છેલ્લા કેટલાક વર્ષના ઓસ્કાર વિજેતા ફિલ્મની યાદી જુઓ તો ઘણી બધી યુદ્ધ કથાઓ, સામાન્ય જનની કથા કહેતી સાદી સીધી કથાઓ, વિશ્વશાંતિની વાત કરતી ફિલ્મોને ઓસ્કાર મળે છે. એવું હવે નોબેલ પારિતોષિક વિશે પણ લાગે છે કે હવે નોબેલ પારિતોષિક માત્ર એવા લેખકોને જ સન્માનિત કરતું નથી જેઓ વિશ્વભરમાં અગાઉથી જાણીતા હોય. તે નવા વાચકોને લેખકનો પરિચય કરાવવાનું અને તેમની કૃતિઓને એક ઓળખ અપાવવાનું માધ્યમ પણ બની રહ્યું છે. કદાચ આ જ સાહિત્યની સૌથી મોટી તાકાત છે જે ક્યારેક આખા યુગની વેદના એક વ્યક્તિની આંખોમાં વાંચી શકાય છે અને આખા વિશ્વની વ્યાપકતા એક નાનકડી કથામાં સમાઇ શકે છે. આખરે નવા જમાનાની વાત, નવી રીતે જ કરવી પડે. નવી પેઢી સમજી શકે એ ભાષામાં અભિવ્યક્ત કરવી પડે અને સાહિત્યએ પણ આપણા લોકલાડીલા લોક સાહિત્ય સર્જક ઝવેરચંદ મેઘાણીની ભાષામાં નવા કલેવર ધરવા પડે! એક ફરિયાદ નોબેલ પારિતોષિક સમિતિ માટે હતી, છે અને રહેશે કે ફક્ત અને ફક્ત ગુજરાતીમાં લખવા માટે અત્યંત પ્રિય એવા અશ્વિની ભટ્ટની “ઓથાર” અને આલા ખાચરના ઓલિયા સર્જક રમેશ પારેખને સાહિત્ય માટેનું નોબેલ ના આપ્યું!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *