સાહેબ મિટિંગમાં છે:ઘરભેગા કરાયેલા IAS કે. રાજેશ અને ગૌરવ દહીયા સરકારને કોર્ટમાં પડકારી શકે, પશ્ચિમ બંગાળના CMએ ગુજારાતની ધરતીને માટીને માથે ચઢાવી

📅 Published: October 12, 2026 | 📂 Category: gujarati-news

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… હાંકી કઢાયેલા બંને IAS અધિકારી સરકારને કોર્ટમાં લઈ જઈ શકે
ગત અઠવાડિયે ગુજરાતના બે IAS ઓફીસરોને સરકારે ફરજીયાત નિવૃત્ત કરી દીધા હતા. જેને લઈને IAS ગૌરવ દહીયા તેમજ દિલ્હી બેઠેલા કે.રાજેશ ખુબ જ ટેન્શનમાં આવી ગયા હતા. દહીયાની તો તબિયત લથતડા સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. બન્ને અધિકારીઓ હવે અન્ય IAS અધિકારીઓ,એડવોકટ અને સગા સંબંધીઓ પાસેથી આગળની વ્યૂહરચનાની સલાહ લઈ રહ્યા છે. મોટાભાગના IAS અધિકારીઓ માને છે કે, સરકારનો આ નિર્ણય યોગ્ય નથી. કેટલાકે સલાહ આપી છે કે, તમે લોકો સરકારને તેમજ આવી ભલામણ કરનારા અધિકારીઓને કોર્ટમાં લઈ જાવ. તમને ન્યાય મળશે. બન્ને અધિકારીઓ આગામી દિવસોમાં પોતાની હકાલપટ્ટીને કોર્ટમાં પડકારવાના સંદર્ભમાં ઠોસ નિર્ણય લઈ શકે છે. પશ્ચિમ બંગાળના CMએ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી માટીને માથા પર ચઢાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફરને 25 વર્ષ પૂર્ણ થયા હોય PMના વતન વડનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અનેક રાજકીય હસ્તીઓ આવી હતી. જેમાં પશ્ચિમ બંગાળમાં મમતા દીદીને હરાવીને મુખ્યમંત્રી બનેલા શુભેન્દુ અધિકારીનો પણ અહીં આવ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા કે, તુરંત જ પોતાના બુટ કાઢીને જમીન પરથી માટી લઈ માથા પર ચઢાવીને ધરતી માતાને પ્રણામ કર્યા હતા. આ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. ભાજપના કેટલાક નેતાઓ તેમનુ સ્વાગત કરવા એરપોર્ટ પર આવ્યા હતા. તેઓએ એરપોર્ટની VIP લોંજમાં ખાંડવી-ઢોકળાનો હળવો નાસ્તો કર્યો હતો અને અન્ય આગેવાનો સાથેની વાતચીતમાં અમુલના ચેરમેન અશોક ચૌધરી તથા ધારાસભ્ય અમિત ઠાકરને યાદ કરીને કહ્યુ કે, આ નેતાઓ મને જીતાડવા માટે પશ્ચિમ બંગાળ આવ્યા હતા.તેઓએ અહીં શું ચાલી રહ્યુ છે એ પ્રકારની વાતચીત કરી હતી તેમજ કહ્યુ કે, મમતાએ જે કર્યુ છે તેને હવે હું સીધુ કરી રહ્યો છું. જેમાં હજુ કેટલોક સમય જશે. ઇન્ટેલિજન્સમાંથી વાણિયાની વિદાય, પોલીસબેડામાં આનંદનો માહોલ!
ગાંધીનગર ઇન્ટેલિજન્સમાં ફરજ બજાવતા IPS પ્રફુલ વાણિયાની બદલી કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર, ખલાલ ખાતે સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે થતાં પોલીસબેડામાં અંદરખાને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. પોલીસ કર્મચારીઓમાં આ બદલીને લઈને રાહતનો માહોલ હોવાની ચર્ચા છે. કેટલાક કર્મચારીઓ તો એવી પણ વાતો કરી રહ્યા છે કે હવે કામકાજનું વાતાવરણ બદલાશે. બીજી તરફ, અગાઉની કામગીરીથી નારાજગી ધરાવતા કેટલાક કર્મચારીઓ બદલીની રાહ જોઈ રહ્યા હતા અને કેટલાક તો રાજીનામું આપવા સુધી વિચારી રહ્યા હોવાની પણ ચર્ચા છે. હવે વાણિયાની બદલી બાદ કર્મચારીઓએ ઉજવણી કરી હોવાની વાતો પણ પોલીસબેડામાં વહેતી થઈ છે. જોકે, આ બધી વાતો હાલ આંતરિક ચર્ચા પૂરતી જ છે. બે દરોડા પછી કોડીયાતર વેઇટિંગમાં, પોલીસ વર્તુળોમાં અલગ-અલગ ચર્ચાઓ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ડિવિઝનમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા દિનેશ કોડીયાતરની બદલી કરીને તેમને પ્રતીક્ષા યાદીમાં મૂકવામાં આવ્યા છે. આ બદલી બાદ પોલીસ વર્તુળોમાં અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના કાર્યક્ષેત્રમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા બે વખત દરોડા પાડીને દારૂ પકડવામાં આવ્યો હોવાની બાબતને આ નિર્ણય સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. જોકે, આ કાર્યવાહી જ બદલીનું સત્તાવાર કારણ છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી. હવે કોડીયાતરને નવી પોસ્ટિંગ ક્યારે મળે છે અને વિભાગ તરફથી શું નિર્ણય લેવાય છે તેના પર પોલીસબેડાની નજર છે. એક આંદોલન શમે ત્યાં બીજું તૈયાર, સરકારની મુશ્કેલી વધી!
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ વિભાગના સ્તરે જ લાવવા અને કોઈ પ્રશ્ન આંદોલનનું સ્વરૂપ ધારણ ન કરે તે માટે સૂચનાઓ આપી હોવાની ચર્ચા છે. પરંતુ હાલની સ્થિતિ એવી બની રહી છે કે એક સંગઠન સાથે સમાધાનની વાત આગળ વધે ત્યાં બીજું સંગઠન પોતાની માગણીઓ સાથે મેદાનમાં આવવાની તૈયારીમાં હોય છે. ચૂંટણી નજીક આવતાં વિવિધ કર્મચારી સંગઠનો વધુ સક્રિય થઈ રહ્યાં છે અને પોતાની માગણીઓ સ્વીકારાવવા દબાણ વધારી રહ્યાં છે. સરકાર માટે હવે એક તરફ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાનો પડકાર છે તો બીજી તરફ આંદોલનોને વધુ વકરતા અટકાવવાની જવાબદારી પણ છે. કેટલાક સંગઠનો હજુ જાહેરમાં સક્રિય થયા નથી, પરંતુ અંદરખાને પોતાની માગણીઓ માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હોવાની ચર્ચા છે. હવે ચૂંટણી સુધી સરકાર આ તમામ સંગઠનોને કેવી રીતે સંભાળે છે અને કોની માગણીનો પહેલાં નિકાલ આવે છે, તે જોવું રસપ્રદ રહેશે. ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં, CMની સલાહથી હવે અધિકારીઓનો ભ્રષ્ટાચાર વધશે?
માર્ગ અને મકાન વિભાગની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યુ છે કે, કોઈપણ કામમા ગુણવતા સાથે સમજૂતી કરવાની નથી. RB ઈજનેરો માટે આ ચેતવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.મુખ્યમંત્રીએ ઈજનેરો અને કોન્ટ્રાક્ટરોને એવો સ્પષ્ટ સંકેત પણ આપ્યો કે અજાણતાં થયેલી ભૂલ સુધારી શકાય છે, પરંતુ જાણી જોઈને કરેલી ભૂલ માફ કરી શકાય નહીં. સીએમના આ સલાહથી કેટલાય અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની વધુ તક મળશે. કેમ કે, કેટલાય ડીપાર્ટમેન્ટોના ટેન્ડરમાં પ્રેઝન્ટેશનના 60 કે 70 જ્યારે પ્રાઈજના 40 કે 30 માર્કસ જ રખાતા હોય છે. આ સ્થિતિમાં અધિકારી ઈચ્છે તેને ટેન્ડર આપી દેશે. હવે ચર્ચા એવી છે કે, સારી ગુણવતાના નામે કેટલાક અધિકારીઓ વધુ ભાવથી ટેન્ડરો આપતા ખચકાશે નહી. જો કોઈને ખબર પડશે તો કહેશે કે, સીએમએ જ હલકી ગુણવતાનુ કામ નહી કરવાની સલાહ આપી છે હું તેનો જ અમલ કરી રહ્યો છું ગુજરાતના જયપાલસિંહને કેન્દ્રએ શા માટે DGFનુ પદ ના આપ્યુ, જાતજાતની ચર્ચા
ગુજરાતના PCCF- પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ અને HoFF હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ તરીકે 1991 બેચના જયપાલ સિંહ ફરજ બજાવી રહ્યા છે.તેઓ MoEFCC- પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ્સ અને સ્પેશિયલ સેક્રેટરીના મહત્વપૂર્ણ પદથી વંચિત રહી ગયા છે.ગુજરાત કેડરના અધિકારી જયપાલસિંહ દેશના આ સર્વોચ્ચ પદ માટેના અનુભવી દાવાદારોમાં ગણાતા હતા. ગુજરાત સરકારે શરૂઆતમાં તેમના નામ પર વિચારણા કરવા માટે સંમતિ આપી હતી. છેલ્લી ઘડીએ કેન્દ્ર સરકારે સંતોષ કુમાર તિવારીની આ પદ પર પસંદગી કરી હતી.જેથી હવે જયપાલસિંહે ગુજરાતમાં જ સેવા ચાલુ રાખવી પડશે અને અહીંથી જ નિવૃત્ત થવુ પડશે. શા માટે તેમને આ સર્વોચ્ચ પદ ના અપાયુ તે અંગે સચિવાલયમાં જાતજાતની ચર્ચા થઈ રહી છે. ભાજપના કોર્પોરેટરના નામે ચણિયાચોળીની બજારમાંથી પૈસાના ઉઘરાણા!
અમદાવાદના પશ્ચિમ વિસ્તારના ભાજપના કોર્પોરેટરના નામે વ્યક્તિ દ્વારા રોડ પર ચણીયા ચોળીના બજારના પૈસા ઉઘરાવવામાં આવતા હતા. હિન્દુ સંગઠનના એક કાર્યકર્તાએ વ્યક્તિને રોડ પર પૈસા ઉઘરાવતા જોતા તેને રોકી અને પૂછતાં ભાજપના કોર્પોરેટરના હોવાથી પૈસા ઉઘરાવવી રહ્યો હોવાનું કહ્યું હતું. આ બાબત ધારાસભ્ય સુધી પણ પહોંચી હતી અને ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓને કહીને ત્યાંથી તમામ વેપારીઓને હટાવી બજાર બંધ કરાવી દેવામાં આવ્યું હતું. ભાજપના જ નેતાઓ અને કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે, ભાજપના કોર્પોરેટરે ચણીયા ચોળી બજારના વેપારીઓ પાસેથી ઉઘરાણા કરાવ્યા હતા. કેમ કે વોર્ડમાં પણ AMC કોન્ટ્રાક્ટરો અને દુકાનદારો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યાં હોવાની વાતો સામે આવી છે. ત્યારે ભાજપના પશ્ચિમ વિસ્તારના જ કોર્પોરેટર આ રીતે ઉઘરાણા કરતા હોય અન્ય વિસ્તારોમાં પણ ઉઘરાણા થતા હોય તો આ બાબતે ભાજપ સંગઠને તપાસ કરી પગલાં લેવા જોઈએ. ભાજપના ગુજરાતના પ્રભારી તરુણ ચુગે 2027ની ચૂંટણીનો મામલો હાથમાં લીધો
ગુજરાતના ભાજપના ગુજરાતના પ્રભારી તરુણ ચુગ ગુજરાતમાં આવ્યા હતા. તેઓ ચાર દિવસ સુધી રોકાયા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સહિતના નાના મોટા નેતાઓ સાથે તેમણે અનેક મુલાકાતો કરી હતી. તેમજ હાલની રાજકીય પરીસ્થિતિની માહિતી લીધી હતી. 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓએ સૌ કોઈ સાથે ચર્ચા કરી હતી. તેઓએ કોબા ખાતેના ભાજપના કાર્યાલય કમલમમાં પણ ગયા હતા. અંબાજી મંદિર જઈ દર્શન કર્યા હતા તેમજ ત્યાંના નેતાઓ-આગેવાનોને પણ મળ્યા હતા. ગાંધીનગર-અમદાવાદ સિવાય પણ અન્ય કેટલીક જગ્યાએ જઈને તેઓએ મુલાકાતો કરી હતી.આગામી દિવસોમાં હવે ફરીથી તરુણ ચુગ ગુજરાતની મુલાકાત લેશે AMCમાં કોર્પોરેટર અને પદાધિકારીઓ દ્વારા માનીતાઓને સરકારી કામોની લ્હાણી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી ચૂંટાયેલી પાંખના ભાજપના કેટલાક કોર્પોરેટરો અને હોદ્દેદારો હવે પોતાના મળતીયાઓ અને કાર્યકર્તાઓના કામો માટે જ હોદ્દા ઉપર બેઠા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. કોર્પોરેશનના કેટલાક નિયમોને નેવે મૂકીને માનીતા લોકો અને કાર્યકર્તાઓના કામોને મંજૂરી આપી દેવામાં આવે છે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા હોદ્દેદારો વચ્ચે અંદરો અંદર સંકલન નથી. ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર વચ્ચે પાર્ટીના પ્રભારી તરીકે મૂકવામાં આવતા હતા પરંતુ પ્રભારી તરીકે હાલમાં કોઈ ન હોવાના કારણે કોર્પોરેશનના કેટલાક કામોમાં ક્યારેક મંજૂરી આપી દેવામાં આવે છે તો ક્યારેક કામ અભ્યાસના નામે બાકી રાખી દેવામાં આવે છે. જે કામ બાકી રાખવા પાછળ કેટલાક નેતાઓને અંદરો અંદર મંજૂરી બાબતે ગણગણાટ હોવાની પણ ચર્ચા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *