સાહેબ મિટિંગમાં છે:સિંચાઈ વિભાગની ના છતા ઓજત નદીમાં ખાણકામની મંજૂરી કોણે આપી?, ભાજપની 'લોકશાહી બચાવો' રેલીમાં પ્લેકાર્ડના સૂત્રોએ ભારે ચર્ચા જગાવી

📅 Published: November 2, 2026 | 📂 Category: gujarati-news

દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી… સુરતના ડિમોલિશન બાદ હવે કચ્છમાં અધિકારીઓની જવાબદારી નક્કી થશે? કલેક્ટરની હાજરીથી તંત્રમાં ફફડાટ
ડિમોલિશનની કાર્યવાહી બાદ જવાબદારી નક્કી કરવાનો મામલો હવે કચ્છ સુધી પહોંચ્યો છે. સુરતના નાસિરનગર કેસમાં હાઈકોર્ટની કડક ટિપ્પણીઓ બાદ મ્યુનિસિપલ કમિશનરની બદલી થઈ હતી. હવે કચ્છના મસ્જિદ ડિમોલિશન કેસમાં કલેક્ટરને જ વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન થતાં વહીવટી વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. હાઈકોર્ટ જાણવા માગે છે કે મસ્જિદ સંચાલકનો પક્ષ સાંભળ્યા પહેલાં જ ડિમોલિશનનો નિર્ણય કેવી રીતે લેવાયો અને આટલી ઉતાવળ પાછળ જવાબદાર કોણ હતું? માત્ર કાર્યવાહીનો સમયગાળો જ નહીં, પરંતુ સમગ્ર પ્રક્રિયામાં કયા અધિકારીએ શું ભૂમિકા ભજવી તેની પણ સ્પષ્ટતા માગવામાં આવી છે. હવે અધિકારીઓમાં ચર્ચા છે કે, કોર્ટની નારાજગીનો સામનો માત્ર કલેક્ટરે કરવો પડશે કે નિર્ણય સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓની ભૂમિકા પણ તપાસાશે? સુરત બાદ કચ્છમાં પણ જવાબદારીનો મુદ્દો ગરમાતાં જિલ્લા વહીવટી તંત્રની કામગીરી પર નજર મંડાઈ છે. ઓજત નદીમાં ખાણકામની મંજૂરી પાછળ કોનો નિર્ણય? સિંચાઈની ચેતવણી છતાં લીઝ આપતાં સરકાર ભીંસમાં
સરકારી ફાઇલોમાં એક વિભાગની ચેતવણી અને બીજા વિભાગની મંજૂરી વચ્ચેનો વિરોધાભાસ હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ઓજત નદીના પટમાં ખાણકામની લીઝ આપવાના મામલે સિંચાઈ વિભાગે વર્ષ 2016થી પીવાના પાણીની અછતનું જોખમ દર્શાવ્યું હતું. આમ છતાં ખાણખનિજ વિભાગે લીઝ મંજૂર કરી દેતાં હવે નિર્ણય પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે. રસપ્રદ વાત એ છે કે, બંને વિભાગ રાજ્ય સરકારના જ છે, છતાં એક વિભાગ પાણીના સંકટની ચિંતા વ્યક્ત કરતો રહ્યો અને બીજા વિભાગે ખાણકામની મંજૂરી આપી દીધી. 31 ઓક્ટોબરની હાઈકોર્ટની સુનાવણીમાં આ વિરોધાભાસને લઈને સરકાર પાસે જવાબ માગવામાં આવ્યો હતો. કલેક્ટર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓએ લીઝ મંજૂર કરવા પાછળનાં કારણો સમજાવવાનાં છે. હવે વહીવટી વર્તુળોમાં ચર્ચા છે કે, ફાઇલમાં સિંચાઈ વિભાગનો વિરોધ હોવા છતાં મંજૂરી સુધી પહોંચાડનારા નિર્ણયની જવાબદારી આખરે કોની રહેશે? આગામી 26 નવેમ્બરની સુનાવણીમાં આ મુદ્દે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. ‘લોકશાહી બચાવો’ રેલીમાં ભાજપના નેતાઓમાં ચર્ચા કે સત્તા તો આપણી જ છે!
SIR મુદ્દે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સામે ગંભીર આક્ષેપો કરીને કોંગ્રેસના નેતાઓ સતત આંદોલનો અને દેખાવો કરી રહ્યા છે. જેને જવાબ આપવા માટે ભાજપે કાઉન્ટર એટેક શરુ કર્યો છે. જેના ભાગરુપે ગત અઠવાડીયે ભાજપના પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી સહિતના અનેક નેતાઓ મંત્રીઓએ ગુજરાતના જૂદા જૂદા શહેરોમાં પદયાત્રા કાઢી હતી.આ રેલીમાં જોડાયેલા ભાજપના કાર્યકરોના હાથમાં ‘લોકશાહી બચાવો’,’લોકતંત્ર બચાવો’,’અરાજકતા હટાવો’ વગેરે જેવા લખાણો લખેલા બેનરો હતા. જેને પગલે ભાજપની થિન્ક ટેન્ક કહેવાય તેવા કેટલાક નેતાઓ એકબીજા સાથે ચર્ચા કરતા હતા કે, આવા બેનરોથી અર્થનો અનર્થ થઈ રહ્યો છે. કેમકે મોટાભાગે સરકાર વિરુધ્ધ આ પ્રકારના બેનરો લાગતા હોય છે. પણ ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર જ ભાજપની છે તો શું આપણે આપણી જ સરકાર સામે મોરચો ખોલ્યો છે કે શું? કેમકે સત્તામાં આપણે હોઈએ અને છત્તા જો લોકશાહી,લોકતંત્ર જોખમમા હોય, આરાજકર્તાનો માહોલ હોય તો એનો સીધો અર્થ એ થયો કે આપણી સરકાર જ નિષ્ફળ છે. આવા બેનરોનો આઈડીયા કોનો હતો તેની આંતરિક તપાસ શરુ થઈ છે. સચિવાલયમાં અધિકારીઓની ‘સામૂહિક બદલી’ની રણનીતિ! 10થી વધુ વિભાગો મેદાનમાં
સચિવાલયમાં અત્યાર સુધી વ્યક્તિગત રીતે થતી રજૂઆતોને બદલે હવે કર્મચારીઓએ સામૂહિક રીતે અવાજ ઉઠાવવાનો રસ્તો અપનાવ્યો છે. તપાસ શાખામાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓની મુશ્કેલીઓથી શરૂ થયેલી આ પહેલ હવે અનેક વિભાગો સુધી પહોંચી છે. ફેડરેશન અને એસોસિએશને તમામ વિભાગોના કર્મચારીઓને સ્વૈચ્છિક સામૂહિક બદલી માટે રજૂઆત કરવા અપીલ કરી છે. આ પાછળનું મુખ્ય કારણ વધારાના ચાર્જનો બોજ અને પેન્ડન્સીના આધારે થતી કાર્યવાહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક જ કર્મચારીને બે જગ્યાની જવાબદારી સોંપાય, પરંતુ કામગીરીના મૂલ્યાંકનમાં વધારાના કામની ગણતરી ન થાય તેવી સ્થિતિ સામે નારાજગી છે. ધવલભાઈ શાહ ઉપરાંત પંચાયત વિભાગની તપાસ શાખાના અન્ય નાયબ સેક્શન અધિકારીઓને પણ મોટી સજા હેઠળની નોટિસ મળતાં અસંતોષ વધ્યો છે. ખાસ વાત એ છે કે માર્ગ અને મકાન, નર્મદા, અન્ન અને નાગરિક પુરવઠો, ગૃહ, મહેસૂલ, શિક્ષણ, નાણાં, આદિજાતિ અને શ્રમ-રોજગાર સહિતના વિભાગોમાંથી રજૂઆતો મળ્યાની માહિતી સામે આવી છે. સંગઠને તમામ વિભાગોને રજૂઆત કરવા જણાવ્યું હતું અને જે વિભાગ જોડાશે નહીં તેની નોંધ લેવાની પણ વાત કરી છે. હવે સચિવાલયમાં ચર્ચા એ છે કે આ માત્ર સામૂહિક બદલીની રજૂઆત છે કે પછી અધિકારીઓ સામેની કાર્યવાહી અને વહીવટી વ્યવસ્થામાં ફેરફાર માટે સંગઠિત દબાણ ઊભું કરવાની નવી રણનીતિ? સરકાર આ એકતાને કેવી રીતે લે છે તેના પર સૌની નજર છે. ગુજરાતના પ્રભારી તરુણ ચુગ અને જગદીશ પંચાલનુ ટ્યુનીંગ સેટ થયું, સરકારમાં કોઈ જ બદલાવ નહીં થાય
તાજેતરમાં ગુજરાત ભાજપના પ્રભારી તરીકે પંજાબના તરુણ ચુગને મુકાયા હતા. બીજી બાજુ જગદીશ વિશ્વકર્માને ભાજપના પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યાને પણ એક વર્ષ થયુ છે. ડીસેમ્બર 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બન્ને નેતાઓનું મહત્વ સરકાર અને ભાજપ માટે વધી જાય છે. પ્રભારી તરીકેનો કાર્યકાળ સંભાળ્યા બાદ તરુણ ચુગે ગુજરાતની મુલાકાતો વધારી દીધી છે. થોડા દિવસો પહેલા જ આવ્યા હતા તેમજ મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ, પ્રદેશ પ્રમુખ સહિતના ભાજપના હોદેદારો સાથે મીટીગો કરી હતી. મીડીયા સાથે પણ ખુલ્લા મને વાતચીત કરી હતી. એટલુ જ નહી, તેઓએ તુરંત જ પોતાના મોબાઈલ ફોનથી જ મીડિયાનુ એક ગ્રુપ પણ બનાવી દીધુ છે.તેઓએ શનિવારે ગાંધીનગરમાં જગદીશ પંચાલે પોતાના બંગલે ડીનર રાખ્યુ હતુ. પણ સૌના આશ્ચર્ય વચ્ચે પંચાલ અને ચુગ ખુરશી પર બધાની સાથે બેઠા હતા પણ જમ્યા નહોતા. પંચાલે એવુ કહ્યુ કે, હું સાત વાગ્યે જ જમી લઉ છું જ્યારે તરુણ ચુગ પણ રાત્રે આંઠ વાગ્યા પહેલા ભોજન લઈ લે છે. બન્ને નેતાઓ ઘણી જગ્યાએ સાથે જતા હોય છે. જેથી ભાજપના નેતાઓમાં ચર્ચા છે કે, બન્ને નેતાઓ વચ્ચેનુ ટ્યુનીંગ સરસ થઈ રહ્યુ છે. આ તબક્કે બન્ને નેતાઓએ સ્પષ્ટ કર્યુ હતુ કે, હવે ચૂંટણી પહેલા સરકારમાં બદલાવ કરવાનો કોઈ સવાલ જ નથી. હાઉસિંગના મકાનના રીડેવલપમેન્ટના પ્રશ્ને કેટલાક બિલ્ડરોએ CM સમક્ષ AMCની ફરિયાદ કરી
ગુજરાત હાઉસીંગની સોસાયટીઓના રી ડેવલપમેન્ટના પ્રશ્ને કેટલાક બિલ્ડરોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રુબરુ મળીને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશના તંત્ર સામે ફરિયાદ કરી હતી.જેમાં એવું કહ્યુ હતુ કે, લાંબો સમય સુધી અમારા રી ડેવલોપમેન્ટના પ્લાન પાસ કરાતા નથી. ઉપરાંત NA વગેરે માગવામાં આવે છે. અગાઉ અનેક સોસાયટીઓના રી ડેવલોપમેન્ટમાં NA માગ્યુ નહોતુ. આથી CMએ IAS અધિકારી અજયકુમાર પાસે મોકલ્યા હતા. ત્યારબાદ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની,હાઉસીંગના અધિકારીઓ અને બિલ્ડની હાજરીમાં સીએમઓમાં મીટીંગ ચાલી હતી. એક તબક્કે ખુદ કમિશનરે અધિકારીઓને કહ્યુ કે, અગાઉ તો તમે NAની માગણી કરી નહોતી તો પછી આ વખતે આવી ક્વેરી કેમ કાઢો છો? આખરે પ્લાન પાસ કરવાની ખાતરી અપાઈ હતી પરંતુ એ વાતને પણ ત્રણેક અઠવાડીયા થઈ ગયા છે હજુ મંજૂરી મળી નથી અધિકારી-મંત્રીઓ વિદેશ યાત્રાએ પરત, અન્યનો દિવાળી પછી વારો
નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ તેમજ એક ડઝનથી વધુ આઈએએસ અધિકારીઓ જૂદા જૂદા દેશની યાત્રા કરીને પરત આવી ગયા છે. હવે દિવાળી અને લાભ પાંચમના તહેવારોની ઉજવણી કર્યા બાદ અન્ય કેટલાક મંત્રીઓ અને આઈએએસ અધિકારીઓ જૂદા જૂદા દેશની યાત્રા પર નીકળી પડશે. વિદેશ યાત્રામાં નહી જઈ શકનારા અધિકારીઓ હવે એવી ચર્ચા કરી રહ્યા છે કે, આવી યાત્રાઓનો કોઈ જ અર્થ નથી, તેમાં ખર્ચાતા કરોડો રુપિયા સાવ નકામાં જશે. આજના ઈન્ટરનેટ, સોશિયલ મીડિયાના જમાનામાં વીડિયો કોન્ફરન્સથી પણ મીટીંગો કરી શકાય છે,આમંત્રણો આપી શકાય છે. તેના માટે વિદેશ જવાની જરૂર નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *