સિંગરે ક્રેટાની ટ્રેસ્ટ ડ્રાઇવ લેતા મર્સિડીઝને ટક્કર મારી, CCTV:લકઝુરિયસ કારના બોનેટને નુકસાન, મહિલાને મોઢા અને હાથ પર ઈજા

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

સુરતના સરથાણા વિસ્તારમાં બાપાસિતારામ ચોક નજીક સેતુબંધ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે દંપતીની મર્સિડીઝ કારને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કારચાલક ગુજરાતનો જાણીતો સિંગર અવધિશ હરિયાણી હોવાનું સામે આવ્યું છે, જેની સરથાણા પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સિંગર કાર મેળામાંથી ટેસ્ટ ડ્રાઈવ માટે કાર લઈને નીકળ્યો હતો. ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન તેણે વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતાં મર્સિડીઝ સાથે ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. સંબંધીના ઘરે જતા દંપતીને નડ્યો અકસ્માત
સરથાણા સ્થિત સેતુબંધ હિલ્સમાં રહેતા પાયલબેન આકાશભાઈ અંટાળા પોતાના પતિ સાથે મર્સિડીઝ કાર (GJ-06-PL-8889) લઈને સંબંધીના ઘરે બેસવા જઈ રહ્યા હતા. તે દરમિયાન બપોરે 3 વાગ્યાની આસપાસ સેતુબંધ ચાર રસ્તા પાસે ટેસ્ટ ડ્રાઈવ પર નીકળેલી કાર (GJ-07-BL-8173) ના ચાલક અવધિશે તેમની ગાડીના આગળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. મહિલાના મોઢા અને હાથ પર ઈજા
અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર પાયલબેનનું મોઢું ડેશબોર્ડ સાથે અથડાતાં તેમને હોઠ અને ડાબા હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં મહિલાના ભાઈ ભાવિકભાઈ તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. ગાડીમાં 2થી 3 લાખનું નુકસાન
આ અકસ્માતમાં મર્સિડીઝ કારના બોનેટના ભાગે અંદાજે 2થી 3 લાખનું નુકસાન થયું છે. સમગ્ર મામલે સરથાણા પોલીસે પાયલબેનની ફરિયાદના આધારે સિંગર અવધિશ હરિયાણી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *