સિટી એન્કર:જિંદગીની હકીકત! કરોડોના આસામીએ ભિખારી બનીને માગી ભીખ

📅 Published: September 16, 2026 | 📂 Category: gujarati-news

ઘાટકોપરની સડકો પર એક દિવસ એવો નજારો જોવા મળ્યો, જે સામાન્ય લોકોને કદાચ આશ્ચર્યમાં મૂકી દે. કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા અને મહારાષ્ટ્રના સૌથી અમીર વિધાનસભ્યોમાં સ્થાન ધરાવતા ભાજપના વિધાનસભ્ય પરાગ શાહે પોતાનો વૈભવી ઠાઠ-બાઠ, સુરક્ષા વ્યવસ્થા અને મોંઘી ગાડીઓથી થોડા કલાકો માટે અંતર બનાવી લીધું. એટલું જ નહીં, તેમણે મેકઅપ કરીને ભિખારીનો વેશ ધારણ કર્યો અને ઘાટકોપરની સડકો પર ભીખ માગી. ઘાટકોપર પૂર્વના વિધાનસભ્ય પરાગ શાહ વ્યવસાયે જાણીતા રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ છે. તેઓ મેન ઈન્ફાના સીઈઓ પણ છે. કંપનીનું મૂલ્ય રૂ. 5,000 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન રજૂ કરેલા ચૂંટણી સોગંદનામામાં શાહે રૂ. 3,383 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. તેઓ અગાઉ મુંબઈ મહાપાલિકાના નગરસેવક પણ રહી ચૂક્યા છે. પરંતુ આ વખતે શાહે પોતાની ઓળખ અને સંપત્તિથી બિલકુલ વિપરીત ભૂમિકા ભજવી. તેમના જૈન આધ્યાત્મિક ગુરુ નમ્રમુનિની સલાહ પર તેમણે આ અનોખો અનુભવ કરવાનો નિર્ણય લીધો હતો. વિશેષ ધાર્મિક માસ પર્યુષણ દરમિયાન તેમણે પોતાની સુરક્ષા, કાર અને મોંઘી વસ્તુઓનો ત્યાગ કરી સામાન્ય ભિખારીની જેમ લોકો વચ્ચે 3.30 કલાકનો સમય પસાર કર્યો. આ અનુભવ વિશે શાહે કહ્યું કે, જે લોકો તમને મળવા માટે લાઇનમાં ઊભા રહે છે, એ જ લોકો જ્યારે હું ભિખારી બનીને તેમની પાસે ગયો ત્યારે મારાથી ઊંચા લાગ્યા. આ જ જિંદગીની હકીકત છે.” ભીખ માંગતી વખતે એક વ્યક્તિએ તેમને રૂ. 20 આપીને ભોજન કરી લેવા કહ્યું. એક સમોસાવાળાને પૈસા ન હોવાનું કહેતાં તેણે પૈસા લીધા વિના સમોસો આપી દીધો. ખાસ વાત એ હતી કે પોતે ગરીબ હોવા છતાં આ હોકરે ભિખારી બનેલા શાહને ખાવાનું આપ્યું. પછી શાહ મેકઅપ ઉતારીને એ જ સ્થળોએ ફરી ગયા. જેમણે તેમને પહેલાં ઓળખ્યા નહોતા, તેમની સામે હવે તેઓ વિધાનસભ્ય તરીકે ઊભા હતા. કરોડોની સંપત્તિ, સત્તા અને સુરક્ષાની વચ્ચે થોડા કલાકોનો આ અનુભવ પરાગ શાહ માટે માત્ર પ્રયોગ નહોતો, તે કદાચ યાદ અપાવતો પ્રસંગ હતો કે માણસની સાચી ઓળખ તેના પૈસા કે પદથી નહીં, પરંતુ અન્ય માણસ પ્રત્યેના વ્યવહાર અને માનવતાથી થાય છે. જિંદગીની હકીકત તપાસવા પ્રયોગ કર્યો
શાહે વધુમાં કહ્યું ભીખારી બનીને હું મારા મિત્રની ઓફિસે જઈ રહ્યો હતો તો ચોકદારે મને અટકાવ્યો, અરે મારા ફેમીલી સભ્યોએ મારી સામે મોઠું ફેરવીને જતા રહ્યા, મારી શોપની ઈમારતમાં મને જતાં અટકાવ્યો, હું એમ માનતો કે મને મારા વિસ્તારમાં બધા જ ઓળખે છે. પરંતુ આ કોઈ પોલીટીકલી સ્ટંટ માટે નહી પણ જીંદગીની હકિકત જણાવા માટે આ પ્રયોગ કર્યોં હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *