સિનિયર સિટીઝનને 3 વર્ષની કેદ:સગીરાને શારીરિક અડપલા કરીને છેડતી કરી

📅 Published: October 28, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના વટવા પોલીસ મથકે આશરે 75 વર્ષીય આરોપી નટવરલા કામલિયા સામે વર્ષ 2023 માં પોક્સો એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એ.બી.ભટ્ટે સરકારી વકીલ કે.જી.જૈનની દલીલો 16 સાહેદ અને 22 દસ્તાવેજી પુરાવાને આધારે આરોપીને 03 વર્ષ કેદની સજા ફટકારી છે. બનાવના દિવસે સવારે પીડિતાના માતા શહેર બહાર ગયા હતા અને પિતા દુકાને ગયા હતા. આરોપી નટુકાકા જેઓ છેલ્લા 15 વર્ષથી પરિવારના ઓળખીતા હતા અને રિક્ષાની વર્ધી ચલાવતા હતા. તેઓ પીડિતાના નાના ભાઈને સ્કૂલે લેવા માટે ઘરે આવ્યા હતા. ભાઈ રિક્ષામાં બેસી ગયા બાદ, આરોપીએ પીડિતા પાસે પીવાનું પાણી માગ્યું અને ઘરમાં પ્રવેશ કર્યો હતો. નાસ્તો માગવાના બહાને પીડિતાને બેડ ટચ કર્યું
પીડિતા રસોડામાં પાણી લેવા ગઈ ત્યારે આરોપીએ તેના હાથ અડક્યા. ત્યારબાદ નાસ્તો માગવાના બહાને તે રસોડામાં પીડિતાની પાછળ ગયો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરી શારીરિક અડપલા કર્યા હતા. પીડિતા ગભરાઈને ઘરની બહાર ભાગી ગઈ, જેથી આરોપી પણ પોતાની રિક્ષા લઈને જતો રહ્યો. બનાવ બાદ પીડિતાએ ગભરાટ અને ગુસ્સામાં આરોપીને ફોન કરીને પૂછ્યું કે કેમ ટચ કર્યું?આરોપીએ તે ભૂલી જવા માટે કહ્યું. પીડિતાએ આ વાતનું રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ પીડિતાએ પિતાને ફોન કરીને જાણ કરી, પિતા ઘરે આવ્યા અને આરોપી સામે 13 ઓગસ્ટ, 2023 ના રોજ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જન્મ નોંધણી રજિસ્ટર અને જન્મ પ્રમાણપત્ર અનુસાર પીડિતાની જન્મતારીખ વર્ષ 2007 ની હતી. બનાવ વખતે તેની ઉંમર 16 વર્ષની હતી. FSLમાં વોઇસ રેકોર્ડિંગની તપાસ કરાઈ
સાક્ષીઓએ ઘટનાને સમર્થન આપ્યું હતું. FSL એ સેલફોનમાંથી વોઇસ રેકોર્ડિંગ અને ઓડિયો એનાલિસિસ રિપોર્ટ આપ્યો હતો. ફોન ટ્રાન્સક્રિપ્ટમાં પીડિતાએ સીધો સવાલ કર્યો હતો કે કેમ ટચ કર્યું? આરોપીએ સ્પર્શ કર્યાનો ઇનકાર કરવાને બદલે ઘટના ભૂલી જવા કહ્યું હતું. FSL વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટમાં આ અવાજ આરોપી અને પીડિતાનો જ હોવાનું સાબિત થયું હતું આરોપીના વકીલે દલીલ કરી હતી કે બાળકને તૈયાર થવામાં મોડું થતાં ઝગડો થયો હતો અને આરોપીએ પીડિતાને તમાચો માર્યો હતો, જેથી ખોટો કેસ કરવામાં આવ્યો છે. પરંતુ અદાલતે નોંધ્યું કે જો ફક્ત તમાચો માર્યો હોત તો પીડિતા ફોનમાં કેમ માર્યું તેમ પૂછત કેમ ટચ કર્યું ? નહીં. કોર્ટે 3 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકાર્યો
કોર્ટે નોંધ્યું હતું કે આરોપી ઓળખીતો હોવાથી પાણી પીવાના બહાને સામાન્ય રીતે ઘરમાં પ્રવેશ્યો હતો, ગુનાહિત દાનતથી ઘૂસ્યો નહોતો. કોર્ટે આરોપીને 3 વર્ષની સાદી કેદ અને 20 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. જે રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવાની રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *