સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી બાદ 21 વર્ષીય યુવકનું મોત:પરિવારનો તબીબોની બેદરકારીનો આક્ષેપ, સિક્યુરિટી સ્ટાફની દાદાગીરી પર સવાલો ઉઠ્યા

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર દરમિયાન 21 વર્ષીય યુવકના મોતનો મામલો સામે આવ્યો છે. સાબરકાંઠાના ભારવાડા ગામના રહેવાસી યુવરાજ નાડીયા નામના યુવકનું પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે, ઓપરેશન બાદ માત્ર ત્રણ કલાકમાં તબીબોની બેદરકારીના કારણે યુવરાજનું મોત થયું હતું. આજે 15 ઓગસ્ટ યુવરાજનું પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે. આક્ષેપ છે કે, ઓપરેશન દરમિયાન કેટલાક ઈન્જેક્શન આપવામાં આવ્યા બાદ યુવરાજ ભાનમાં આવ્યો જ નહોતો અને થોડા સમય બાદ તેનું મોત થયું હતું. જો તબીબો સમયસર આવ્યા હોત અને યોગ્ય સારવાર મળી હોત તો યુવરાજનો જીવ બચાવી શકાયો હોત. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ સામાન્ય પ્રકારનું ઓપરેશન હતું. ઓપરેશન બાદ દર્દીનું મોત કેમ થયું તે અંગે તપાસ કરવામાં આવશે. ત્રણ મહિના અગાઉ અકસ્માત થયો હતો
પરિવારજનોનો આક્ષેપ છે કે, યુવરાજને ત્રણ મહિના અગાઉ અકસ્માત થયો હતો અને ત્યારબાદ તેની સારવાર ચાલી રહી હતી. પગના બીજા ભાગમાં ઈજાને લઈને સારવાર માટે તે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં બેડ ખાલી ન હોવાનું કહીને દર્દીને અગાઉ ત્રણ વખત પરત મોકલવામાં આવ્યો હતો. ડોક્ટરો વોર્ડની નજીક સિગારેટ પીતા હોવાનો આક્ષેપ
બીજી તરફ, હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ સામે પણ પરિવારજનો અને અન્ય લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. હોસ્પિટલ પરિસરમાં રેસિડેન્ટ ડોક્ટરો વોર્ડની નજીક સિગારેટ પીતા હોવાનો આક્ષેપ છે. આ અંગે વીડિયો બનાવનાર વ્યક્તિનો મોબાઇલ સિક્યુરિટી સ્ટાફે છીનવી લીધો હોવાનો પણ આક્ષેપ છે. સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફની દાદાગીરી વધી રહી છે. પરિવાર દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની અને ન્યાય અપાવવાની માગ કરવામાં આવી છે. ‘હું ચોક્કસથી કહીશ, એ નહીં છોડીએ’
ડૉ. રાકેશ જોશીએ કહ્યું કે, જો અમારા રેસિડેન્ટ ડોક્ટર સિગારેટ પીતા હોય તો એ ચલાવી લેવામાં જ ન આવે. ખૂબ જ કડકાઈથી પૂછવામાં આવશે. મારી પાસે કોઈ એવિડન્સ આવે અથવા કોઈ હશે તો ડેફિનેટલી પગલાં લેવામાં આવશે. સિગારેટ હોસ્પિટલમાં જ્યારે આપણે આ બધી જ જગ્યાએ કોઈપણ તમાકુ વાળી વસ્તુ એન્ટર થવા માટે જો રોકતા હોઈએ, તો જો વોર્ડમાં બેસીને સિગારેટ પીવે જો એ સાચું હોય તો ખૂબ ગંભીર છે અને એવું થશે એવું કોઈ એવિડન્સ મળશે તો હંમેશા માટે યાદ રાખશે એવા પગલાં લેવાશે. એટલું તો હું ચોક્કસથી કહીશ, એ નહીં છોડીએ. પરંતુ, એમની સાથે પણ વાત કરી છે ને એમનો પક્ષ એવો છે કે મેં મારા જીવનમાં સિગરેટને ટચ કર્યું નથી. પરંતુ હવે જ્યારે આ બંને બાજુ આક્ષેપ હોય ત્યારે એઝ અ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે એટલું કહીશ કે એ જો પુરવાર થશે તો ડેફિનેટલી ખૂબ કડક કાર્યવાહી એમના માટે કરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *