સુરત શહેરના ડીંડોલી નવાગામ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરિણીતાની અચાનક તબિયત લથડતાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં વોર્ડમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જોકે, મહિલાના મોત બાદ તેમના ગળામાંથી સોનાનું પેન્ડલ ધરાવતું મંગળસૂત્ર ગાયબ હોવાનો પરિવારે સ્ટાફ સામે ગંભીર આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા
મળતી માહિતી મુજબ, ડીંડોલીના નવાગામ ખાતે આવેલા ચિંતા ચોક પાસે, જયેશ નગરમાં રહેતા 40 વર્ષીય સીમાબેન રાજેન્દ્રભાઈ પાટીલ ડાયાબિટીસ અને સુગરની બીમારીથી પીડાતા હતા. આજે તેમને અચાનક શારીરિક તકલીફ શરૂ થતાં પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. વોર્ડમાં ખસેડ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન મોત
હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ સીમાબેનને વધુ સારવાર માટે વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કમનસીબ મોત નીપજ્યું હતું. પરિણીતાના આકસ્મિક નિધનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. મંગળસૂત્ર ચોરાઈ ગયું હોવાનો પરિવારનો આક્ષેપ
સીમાબેનના સંબંધીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે સીમાબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા ત્યારે તેમના ગળામાં સોનાનું પેન્ડલ લગાવેલું મંગળસૂત્ર હતું. વોર્ડમાં ખસેડવાની પ્રક્રિયા બાદ તેમના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ જણાયું હતું. પરિવારે હોસ્પિટલ સ્ટાફ અથવા અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિ પર મંગળસૂત્ર ચોરી લીધાનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના વતની હતા
મૃતક સીમાબેન મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના વતની હતા. તેમના પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે. પરિવારના આક્ષેપોને પગલે હોસ્પિટલ પરિસરમાં ચકચાર મચી જવા પામી છે. સિવિલ અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવશે. સીસીટીવીની પણ તપાસ કરવામાં આવશે. તપાસ બાદ જે કસૂરવાર હશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરશે. આ સાથે પોલીસને પણ જાણ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત:વોર્ડમાં ખસેડાયા બાદ ગળામાંથી સોનાનું પેન્ડલ ગાયબ થતાં પરિવારનો હોબાળો, તપાસ થશે અને પોલીસને જાણ કરાશે
📅 Published: October 5, 2026 |
📂 Category: gujarati-news
