સિવિલ હોસ્પિટલ રેગિંગ કેસમાં ડો. અનુજના આગોતરા જામીન ફગાવ્યા:કોસાડ આવાસની ઝાડીઓમાંથી 68 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો, આઠમના દિવસે વૃદ્ધની ઘાતકી હત્યા

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર હર્ષના આપઘાત પ્રકરણમાં સંડોવાયેલા સિનિયર ડોક્ટરો સામે કાયદાનો સિકંજો વધુ મજબૂત બની રહ્યો છે. આ ચકચારી કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપી ડોક્ટર અનુજ મહેશ્વરી દ્વારા સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી આગોતરા જામીન અરજી કોર્ટે આકરી ટિપ્પણી સાથે ફગાવી દીધી છે. આ અગાઉ આરોપી ડો. હીના ભૂતે પણ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી, જે પણ અદાલતે નામંજૂર કરી હતી. સિનિયર તબીબોના અસહ્ય ત્રાસ અને રેગિંગના કારણે આશાસ્પદ યુવાન ડોક્ટરે જીવન ટૂંકાવવું પડ્યું હોવાની બાબતને અદાલતે અત્યંત ગંભીરતાથી લીધી છે. સરકારી વકીલની દલીલ અને કોર્ટનું કડક વલણ
જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે એપીપી દિગંત તેવારે જોરદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, અભ્યાસુ અને તેજસ્વી કારકિર્દી ધરાવતા યુવાને સિનિયર તબીબોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી છે. આરોપીઓ સામે અતિ ગંભીર આક્ષેપો છે અને પોલીસ તપાસ હજુ નાજુક તબક્કામાં ચાલી રહી છે. એન્ટી રેગિંગ કમિટી દ્વારા પણ આરોપી તબીબોને દોષિત ગણી શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. જો આ તબક્કે આરોપીને આગોતરા મુક્તિ આપવામાં આવે તો સાક્ષીઓ પ્રભાવિત થવાની અને તપાસમાં વિક્ષેપ પડવાની પૂરી શક્યતા છે. કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે, માત્ર મૃતક જ નહીં પરંતુ અન્ય નવ જેટલા તબીબો પણ રેગિંગનો ભોગ બન્યા હોવાની ફરિયાદો સામે આવી છે, તેથી હાલના તબક્કે ફરિયાદ પાયાવિહોણી ગણી શકાય નહીં. કોસાડ આવાસમાં સનસનાટી: ઝાડીઓમાંથી લોહીલુહાણ લાશ મળી
બીજી તરફ સુરતના અમરોલી-કોસાડ વિસ્તારમાં એક ચકચારી હત્યાની ઘટના સામે આવતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. કોસાડ આવાસ H-3માં રહેતા 68 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ મોહનભાઈ રાજાભાઈ મારુનો લોહીલુહાણ મૃતદેહ આવાસ પાછળ આવેલી ઝાડીઓમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. મૃતકના શરીર પર તીક્ષ્ણ હથિયારોના ગંભીર ઘા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આઠમના તહેવારે નીકળેલા પિતા ઘરે પરત ન ફર્યા
મૃતક મોહનભાઈના પુત્ર કિશનભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના પિતા નિવૃત્ત જીવન જીવતા હતા. 4 સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ તેઓ જન્માષ્ટમી-નોમ (આઠમ)નો તહેવાર હોવાથી ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતો હતો. તહેવારના કારણે તેઓ કોઈ પરિચિતને ત્યાં રોકાયા હશે તેમ માની પરિવારે રાહ જોઈ હતી. જોકે, બીજા દિવસે સવાર સુધી પિતાનો કોઈ પત્તો ન મળતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. માથા અને છાતી પર ઘા ઝીંકી કરપીણ હત્યા, પોલીસ તપાસ તેજ
શોધખોળ દરમિયાન 5 સપ્ટેમ્બરના રોજ સવારે પોલીસકર્મીઓએ કિશનભાઈના ઘરે પહોંચી માહિતી આપી હતી કે કોસાડ આવાસ H-3 પાછળ ઝાડીઓમાં એક વૃદ્ધ લોહીલુહાણ હાલતમાં પડ્યા છે અને તેમના ખિસ્સામાંથી મળેલા ઓળખપત્ર પરથી તેમની ઓળખ મોહનભાઈ તરીકે થઈ છે. પરિવારે ઘટનાસ્થળે પહોંચીને જોતાં મોહનભાઈના માથા, પીઠ અને છાતીના ભાગે કોઈ અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી નિર્દયતાથી હત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. પુત્રની ફરિયાદના આધારે અમરોલી પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને હત્યારાઓનું પગેરું શોધવા સીસીટીવી ફૂટેજ તથા સ્થાનિક બાતમીદારોની મદદથી સઘન તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *