સુરતના કતારગામમાં જૂથ અથડામણ:એક જ સમાજના બે પક્ષો લાકડા-પથ્થરો લઈને સામસામે આવી ગયા, વીડિયો વાયરલ થતાં 3ની અટકાયત

📅 Published: October 6, 2026 | 📂 Category: gujarati-news

સુરતના કતારગામ વિસ્તારમાં એક જ જૂથના બે પક્ષો વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પક્ષો દ્વારા જાહેરમાં લાકડા અને પથ્થરો વડે સામસામે હુમલો કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. આ ખુલ્લી મારામારીનો લાઈવ વીડિયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં દોડી આવેલી કતારગામ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી 3 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય બોલાચાલીમાં મામલો બિચક્યો, રસ્તા પર ખુલ્લી મારામારી કતારગામ વિસ્તારમાં વડલા પાર્કિંગ પાસે એક જ જૂથ સાથે સંકળાયેલા બે પક્ષો વચ્ચે કોઈ સામાન્ય મુદ્દે વિવાદ થયો હતો. શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા બંને પક્ષના લોકો હાથમાં લાકડાના ફટકા અને રસ્તા પરથી પથ્થરો ઉઠાવી એકબીજા પર તૂટી પડ્યા હતા. જાહેરમાં અચાનક શરૂ થયેલા આ પથ્થરમારા અને મારામારીને કારણે આસપાસના સ્થાનિકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા નાસભાગ કરવા લાગ્યા હતા. મોબાઈલ કેમેરામાં કેદ થઈ હિંસક ઘટના, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ જાહેરમાં ચાલી રહેલી આ ગુંડાગીરી અને અથડામણનો વીડિયો કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે બંને પક્ષો ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈને એકબીજા પર હુમલો કરતા નજરે પડતા હતા, જેના કારણે કાયદો-વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ સંભાળી, 3 ઈસમોની અટકાયત ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી બંને પક્ષોને વિખેરી મામલો થાળે પાડ્યો હતો. પોલીસની ત્વરિત કામગીરીને કારણે મામલો વધુ વણસતાં અટકી ગયો હતો. ત્યારબાદ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ તેજ કરી તોફાન મચાવનારા 3 જેટલા ઈસમોની અટકાયત કરી છે. ઝઘડાનું ચોક્કસ કારણ હજુ અકબંધ, વધુ તપાસ ચાલુ આ હિંસક અથડામણ પાછળ કઈ જૂની અદાવત હતી કે પછી તાત્કાલિક કોઈ બાબતે મામલો બિચક્યો હતો તે અંગેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. હાલ કતારગામ પોલીસે વાયરલ ફૂટેજના આધારે મારામારીમાં સામેલ અન્ય અસામાજિક તત્ત્વોની ઓળખ કરી તેઓની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *