સુરતના સરથાણા વિસ્તારમાં મહિલાઓની એક ટોળકીએ અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી દુકાનનું શટર વચ્ચેથી વાળી નાખી ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તસ્કરોએ કોઈને શંકા ન જાય તે માટે ધાબળાની આડાશ ઊભી કરી હતી અને માત્ર થોડી જ મિનિટોમાં રોકડા ₹૩૫ હજાર તથા ₹૭૪ હજારની ઈમિટેશન જ્વેલરી મળી કુલ ₹૧.૦૯ લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગઈ હતી. સવારે કર્મચારી દુકાને પહોંચતા ભાંડો ફૂટ્યો સરથાણા જકાતનાકાથી વીટી નગર સર્કલ તરફ જતા રોડ પર ‘રોજી ઈમિટેશન જ્વેલર્સ’ નામની દુકાન આવેલી છે. ગતરોજ સવારે ૯ વાગ્યાના સુમારે દુકાનમાં કામ કરતી મહિલા કર્મચારી જ્યારે દુકાન ખોલવા પહોંચી ત્યારે શટર વચ્ચેથી વળેલું જોવા મળ્યું હતું. અંદર જોતાં સામાન વેરવિખેર હાલતમાં હતો. કર્મચારીએ તાત્કાલિક દુકાન માલિક નિલેશ ખીમજી ચોવટીયા (રહે. વેદાંતા એલિગન્સ, મોટા વરાછા)ને ફોન કરી જાણ કરી હતી. બનાવ અંગે જાણ થતાં જ વેપારી સહિત સરથાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. CCTVમાં કેદ: 6 મહિલાઓએ ધાબળાની આડાશ કરી શટર ઊંચું કર્યું પોલીસે દુકાન અને આસપાસના CCTV કેમેરા તપાસતાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. મળસ્કે આશરે પોણા પાંચ વાગ્યાની આસપાસ 6 જેટલી મહિલાઓ ધાબળા ઓઢીને દુકાન બહાર આવી પહોંચી હતી. ચહેરો છુપાવવાની સાથે સાથે પોતે શું કરી રહી છે તે રસ્તા પરથી પસાર થતા લોકોને ન દેખાય તે માટે તેમણે ધાબળાની દીવાલ જેવી આડાશ કરી લીધી હતી. ત્યારબાદ તાકાત અજમાવી શટરને વચ્ચેથી વાળી દીધું હતું. એક મહિલા અંદર ઘૂસી અને મિનિટોમાં હાથફેરો કરી ગઈ એક વ્યક્તિ અંદર જઈ શકે તેટલી જગ્યા થતાં જ ગેંગમાંથી એક મહિલા દુકાનમાં પ્રવેશી હતી. તેણે ગણતરીની મિનિટોમાં કાઉન્ટરમાં મૂકેલા રોકડા ₹૩૫,૦૦૦ અને ₹૭૪,૦૦૦ ની કિંમતની વિવિધ ઈમિટેશન જ્વેલરી સમેટી લીધી હતી. ચોરી કર્યા બાદ તમામ મહિલાઓ ત્યાંથી નાસી છૂટી હતી. પોલીસે ફૂટેજના આધારે તપાસ તેજ કરી બનાવ સંદર્ભે સરથાણા પોલીસે દુકાન માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. CCTV ફૂટેજમાં દેખાતી મહિલાઓની ઓળખ મેળવવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડી આ ‘ધાબળા ગેંગ’ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતના સરથાણામાં ‘ધાબળા ગેંગ’ની મહિલાઓનો તરખાટ, CCTV:દુકાનનું શટર વાળી રોકડા અને ઈમિટેશન જ્વેલરી મળી 1 લાખની ચોરી, ચહેરો છુપાવવા અને ચોરી ઢાંકવા ધાબળાની આડાશ કરી
📅 Published: November 2, 2026 |
📂 Category: gujarati-news
