સુરતના વરાછામાં બનેલી ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના બાદ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કડક વલણ અપનાવ્યું છે. મંત્રીના સીધા આદેશ બાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સુરત શહેરના તમામ નવ ઝોનમાં નાયબ આરોગ્ય અધિકારીઓ અને ફૂડ ઇન્સ્પેક્ટરોની અલગ-અલગ ટીમો બનાવી મોડી રાત સુધી સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન શહેરના 330 જેટલા હોટલ, રેસ્ટોરન્ટ, કેફે અને ખાદ્ય એકમોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. ખાદ્યપદાર્થોના પેકિંગ, એક્સપાયરી ડેટ, ફૂડ લેબલિંગનું ચેકિંગ
તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમોએ રસોડામાં વપરાતા કાચા માલની ગુણવત્તા, વાસણો અને રસોડાની આસપાસની સ્વચ્છતા, પીવાના તેમજ રસોઈમાં વપરાતા પાણીની શુદ્ધતા અને ખાદ્ય સામગ્રી તૈયાર કરતા ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી કરી હતી. આ ઉપરાંત પનીર, ચીઝ, બટર, તેલ અને મસાલા જેવા ખાદ્યપદાર્થોના પેકિંગ, એક્સપાયરી ડેટ, ફૂડ લેબલિંગ તેમજ મેનુ કાર્ડમાં દર્શાવેલી સામગ્રીની પ્રમાણિકતા પણ ચકાસવામાં આવી હતી. 1641 કિલો અખાદ્ય સામગ્રી નષ્ટ, 17 રેસ્ટોરન્ટ સીલ
આ મેગા ડ્રાઇવ દરમિયાન મોટાપાયે ગેરરીતિઓ અને આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનું સામે આવ્યું હતું. તંત્ર દ્વારા સ્થળ પરથી આશરે 1641.7 કિલો અખાદ્ય, વાસી અને ગુણવત્તા વગરનો ખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો તાત્કાલિક વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો. ગંભીર બેદરકારી દાખવનાર 208 જેટલા એકમોને કડક નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનારા 17 રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવ્યા હતા. 4.17 લાખનો દંડ ફટકારાયો, ફરી તપાસ કરાશે
પાલિકા દ્વારા આ નિયમભંગ બદલ કુલ ₹4,17,500નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય 17 સંસ્થાઓને સ્વચ્છતા અને માળખાકીય ખામીઓ તાત્કાલિક સુધારવા ચેતવણી સાથે નોટિસ અપાઈ છે. આ એકમો તરફથી ખુલાસો આવ્યા બાદ તેમની ફરી તપાસ કરવામાં આવશે. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ વેપારી કે સંચાલક સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.
સુરતના 9 ઝોનમાં 330 હોટેલો પર દરોડા:1641 કિલો અખાદ્ય સામગ્રી નષ્ટ, 17 રેસ્ટોરન્ટ સીલ અને 208ને નોટિસ;ફૂડ પોઇઝનિંગ બાદ તંત્ર એક્શનમાં
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
