સુરતની જાણીતી ઓરો યુનિવર્સિટી એક મોટા વિવાદમાં સપડાઈ છે. ગત 27 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે યુનિવર્સિટી કેમ્પસમાં ‘ધ ડ્રિફ્ટ જામ’ (The Drift Jam) નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, આટલા મોટા પાયે યોજાયેલા આ કાર્યક્રમ માટે સુરક્ષાને લગતા કોઈ પણ પ્રકારના જરૂરી લાઇસન્સ કે પોલીસ પરવાનગી લેવામાં આવી ન હતી. ફાયર સેફ્ટી અને પરફોર્મન્સ લાઇસન્સ વિના જ કેમ્પસમાં ભયજનક સ્ટંટ કરી નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. બાઈકના ટાયરમાં આગ અને કારમાંથી ફાયર ગનથી ફાયરિંગ
આ કાર્યક્રમમાં કરવામાં આવેલા સ્ટંટ અત્યંત જોખમી હતા. સામે આવેલા દૃશ્યો મુજબ, બે કાર મારફતે ખતરનાક ડ્રિફ્ટિંગ સ્ટંટ કરવામાં આવ્યા હતા, જેમાં એક કારના સાઇલેન્સર પાસેથી આગ (ફાયર) કાઢવામાં આવી રહી હતી. આટલું જ નહીં, બાઈક પર એક વ્હીલ પર (વ્હીલી) સ્ટંટ કરવામાં આવ્યો હતો. કેટલાક વીડિયોમાં તો બાઈક પર બેસીને એક્સીલેટર આપીને પાછળના ટાયરમાં આગ લગાડવામાં આવી હોવાના દૃશ્યો પણ કેદ થયા છે. કારમાં ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેસેલો એક વ્યક્તિ કોઈપણ પ્રકારના સેફ્ટી ગિયર વગર બારીમાંથી અડધો બહાર નીકળીને ફાયર ગનથી હવામાં ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો. સેંકડો વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડાં અને ભારે આતશબાજી
આ તમામ ખતરનાક સ્ટંટ ભલે કહેવાતા એક્સપર્ટ્સ દ્વારા કરવામાં આવ્યા હોય, પરંતુ તે સમયે ત્યાં સેંકડો વિદ્યાર્થીઓની ભીડ હાજર હતી. ભારે આતશબાજી વચ્ચે ખુલ્લા કેમ્પસમાં આ પ્રકારના જીવલેણ સ્ટંટ કરવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટી સાધનો કે મેડિકલ ઇમર્જન્સીની વ્યવસ્થા વિના વિદ્યાર્થીઓના જીવને સીધા જોખમમાં મૂકવામાં આવ્યા હતા. આવા ભયજનક દ્રશ્યો જોઈને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંચાલકોની મોટી બેદરકારી, પરવાનગી વગર આપી મંજૂરી
આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટી ભૂલ અને બેદરકારી ઓરો યુનિવર્સિટીના સંચાલકોની સામે આવી છે. કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આવા મોટા અને જોખમી કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું હતું, ત્યારે સંચાલકોએ આયોજકો પાસે જરૂરી સરકારી પરવાનગીઓ છે કે કેમ તેની કોઈ જ ખાતરી કરી ન હતી. કોઈપણ જાણકારી કે સત્તાવાર મંજૂરી વિના કેમ્પસનો ઉપયોગ કરવા દેવા બદલ અને વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડાં કરવા બદલ હવે યુનિવર્સિટીના સંચાલકો પણ પોલીસની રડારમાં આવી ગયા છે. પોલીસે કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરી
આ ગંભીર મામલે ઈચ્છાપોર પોલીસ મથકના પી.આઈ. શીતલ શાહે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આયોજકો દ્વારા કાર્યક્રમની પરવાનગી માટે અરજી કરવામાં આવી હતી. જોકે, સુરક્ષાના માપદંડો પૂર્ણ કરવા માટે પોલીસ દ્વારા તેમની પાસે ફાયર સેફ્ટી લાઇસન્સ, પરફોર્મિંગ લાઇસન્સ અને અન્ય સુરક્ષાની બાંયધરીના કાગળો માંગવામાં આવ્યા હતા. આયોજકો આ દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા અને પોલીસની મંજૂરી મળી ન હોવા છતાં ગેરકાયદેસર રીતે કાર્યક્રમ યોજી દીધો હતો. હવે પોલીસ દ્વારા આયોજકો અને કાર્યક્રમને મંજૂરી આપનાર સંચાલકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી સત્તાવાર કેસ દાખલ કરવામાં આવશે.
સુરતની ઓરા યુનિવર્સિટીમાં ગેરકાયદેસર સ્ટંટ શો:આતશબાજી વચ્ચે બે કારથી ડ્રિફ્ટિંગ, બાઈકના ટાયરમાં આગ અને કારમાંથી ફાયર ગનથી ફાયરિંગ
📅 Published: September 28, 2026 |
📂 Category: gujarati-news
