સુરતની શ્યામ સંગીની માર્કેટમાં આગ લાગી નહીં, લગાવવામાં આવી'તી:6ઠ્ઠા માળની 17 દુકાનો સળગીને ખાખ, 20 કરોડથી વધુનું નુકસાન; અજાણ્યા સામે ગુનો નોંધાયો

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. અંદાજે 38 કલાકની ભારે જહેમત બાદ જે આગ પર કાબૂ મેળવાયો હતો, તે આગ અકસ્માતે લાગી નહોતી પરંતુ, કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જાણીજોઈને લગાવવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ભીષણ આગમાં 17 જેટલી દુકાનો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે અને પ્રાથમિક અંદાજ મુજબ વેપારીઓને ₹20 કરોડથી વધુનું જંગી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ
ઘટનાને પગલે સ્થાનિક પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ સત્તાવાર ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક શંકાસ્પદ વ્યક્તિ આગ લગાડીને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની આશંકાના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં આગચંપીનું ષડયંત્ર હોવાની શક્યતાને ધ્યાને રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. ટાવર ડમ્પ અને રજિસ્ટર એન્ટ્રીના આધારે તપાસ
પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે. ઘટના સમયે ઘટનાસ્થળ નજીક રહેલા લોકોની માહિતી મેળવવા માટે પોલીસે મોબાઈલ ટાવર ડમ્પ ડેટા મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, માર્કેટના સિક્યોરિટી ગેટ પર રજિસ્ટરમાં નોંધાયેલી એન્ટ્રીઓ તપાસીને આગ લાગી તે સમયે કેટલા લોકો અંદર હાજર હતા તેની કડી મેળવવામાં આવી રહી છે. CCTV ફૂટેજમાં શંકાસ્પદ હિલચાલની ચકાસણી
માર્કેટ પરિસરમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની પણ ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવાઈ છે. પોલીસ આગ લાગવાની શરૂઆત અને તે દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવર કે હિલચાલ દેખાય છે કે નહીં તે દિશામાં કડીઓ જોડી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થતાં જ આગ લગાવનાર મુખ્ય આરોપીઓ સુધી પહોંચી શકાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *