વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલ પરિસરમાં વિદ્યાર્થિનીઓએ ઉગ્ર મોરચો માંડ્યો છે. હોસ્ટેલમાં પીરસાતા ભોજનની ખરાબ ગુણવચ્ચા, પીવાના શુદ્ધ પાણીની અછત તેમજ સફાઈના અભાવથી પરેશાન વિદ્યાર્થિનીઓ ABVPની આગેવાની હેઠળ ધરણાં પર બેસી ગઈ હતી. લાંબા સમયથી ચાલતી આ મુશ્કેલીઓ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે વિદ્યાર્થિનીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. ભોજનમાં ઈયળો અને પાણીની ભારે અછત
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે માસ્ટર્સનો અભ્યાસ કરતી અને સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની ખુશીએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં માત્ર 1 કલાક જ પાણી આવે છે, જેના કારણે દૈનિક જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બને છે. ભોજનની ગુણવત્તા અત્યંત ખરાબ છે અને તેમાં અવારનવાર ઈયળો તથા જીવાત નીકળે છે. રોજ માત્ર પાણીવાળું બટાકાનું શાક જ પીરસવામાં આવે છે અને રોટલીઓ એટલી કડક હોય છે કે તેને ચાવવી પણ અસહ્ય બની જાય છે. સમસ્યાઓના કાયમી ઉકેલ અને ચોક્કસ તારીખની માંગ
ખુશીએ વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં સ્પષ્ટ જણાવ્યું કે, વિદ્યાર્થીઓના વાલીઓ અહીં સાથે નથી ત્યારે હોસ્ટેલ પ્રશાસને પોતાની જવાબદારી સમજવી જોઈએ. તેમણે માત્ર આશ્વાસનો આપવાને બદલે તમામ સમસ્યાઓનું કાયમી નિરાકરણ કઈ તારીખ સુધીમાં આવશે તેની ચોક્કસ બાંહેધરી આપવી પડશે. જો જવાબદાર તંત્ર જ વિદ્યાર્થિનીઓ પ્રત્યે આવી બેદરકારી દાખવશે તો વિદ્યાર્થીઓએ ન્યાય માટે ક્યાં જવું તેવો સવાલ પણ તેણે ઉઠાવ્યો હતો. વહીવટી તંત્રને લેખિત-મૌખિક ફરિયાદો છતાં નિરાકરણ નહીં
વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યા છે કે, ભોજનની ગુણવત્તા એટલી હદે કથળી ગઈ છે કે સ્વાસ્થ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે મેસ સંચાલકો તેમજ વહીવટી તંત્રને અગાઉ લેખિત તથા મૌખિક ફરિયાદો કરી હોવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. પીવાના પાણી અને સ્વચ્છતાની પણ મોટી સમસ્યા
માત્ર ભોજન જ નહીં, પરંતુ હોસ્ટેલમાં પીવાના પાણીની વ્યવસ્થા અને પરિસરની સાફ-સફાઈ બાબતે પણ વિદ્યાર્થિનીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. અભ્યાસ અર્થે દૂર-દૂરના ગામડાઓ અને શહેરોમાંથી આવેલી દીકરીઓને રહેવા-જમવા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ આંદોલન કરવું પડે તે અત્યંત શરમજનક બાબત છે. હોસ્ટેલમાં યોગ્ય મેન્ટેનન્સ અને સ્વચ્છતા ન જળવાતી હોવાથી વિદ્યાર્થિનીઓને રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે. જવાબદાર તંત્ર સામે તપાસની માંગ
સમરસ હોસ્ટેલનું સંચાલન સમાજ કલ્યાણ વિભાગ હસ્તક હોવાથી વિદ્યાર્થિનીઓએ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસની માંગ ઉઠાવી છે. રસોડાની સ્વચ્છતા, અનાજ-કરિયાણાની ગુણવત્તા અને મેસ સંચાલકોની કામગીરીની તાકીદે તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. હવે જોવાનું એ રહેશે કે લાંબા સમયથી ચાલી રહેલી આ ગંભીર સમસ્યાઓનું સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે છે કે પછી વિદ્યાર્થિનીઓને વધુ આક્રમક આંદોલન કરવાની ફરજ પડશે.
સુરતની સમરસ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓના ખાલી ડીશ સાથે ધરણા, પોલીસ દોડી:વિદ્યાર્થિનીએ કહ્યું- દરરોજ બટાટાનું જ શાક, ભોજનમાંથી ઈયળ પણ નીકળે; સમસ્યા ગણાવતા 20 મિનિટ લાગે
📅 Published: September 1, 2026 |
📂 Category: gujarati-news
