હાલ એક તરફ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ભાષાવાદનો મુદ્દો જોર પકડી રહ્યો છે અને ઓટો રિક્ષા ચાલકો માટે મરાઠી શીખવી ફરજિયાત બનાવી તેમને તાલીમ આપવાના નિર્ણયો પર વિવાદ છેડાયો છે, ત્યારે બીજી તરફ ભાષાવાદના આ તમામ વિવાદોથી એકદમ દૂર રહીને ગુજરાતના સુરત શહેરે દેશભરને સાચા વિકાસ અને એકતાનો અનોખો પાઠ ભણાવ્યો છે. ઔદ્યોગિક પાટનગર ગણાતું ગુજરાત હંમેશાં દરેક રાજ્યના લોકોને આવકારતું રહ્યું છે. ટેક્સટાઈલ, લેબગ્રોન ડાયમંડ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વર્ષોથી લાખો પરપ્રાંતીય શ્રમિકો શ્રમદાન કરી રહ્યા છે, ત્યારે સુરતે હવે ઉત્તર પ્રદેશના 10 હજાર યુવાનોને સ્કિલ ટ્રેનિંગ આપીને પોતાના ઉદ્યોગોમાં રોજગારી આપવાની ઐતિહાસિક પહેલ હાથ ધરી છે. SGCCI અને UP સરકાર વચ્ચે ઐતિહાસિક MoU
‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી’ (SGCCI) અને ઉત્તર પ્રદેશ સરકારના શ્રમ તેમજ રોજગાર વિભાગ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ SGCCI દ્વારા વિશેષ ટ્રેનિંગ વર્કશોપ અને કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ્સ ચલાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશના 10 હજાર યુવાનોને સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ટેકનિકલ અને પ્રેક્ટિકલ તાલીમ આપીને સક્ષમ બનાવવાનો છે, જેથી સુરતના કપડા, હીરા અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને કાયમી ધોરણે કુશળ માનવબળ મળી રહે. નાનપુરા સેન્ટર અને સ્થાનિક ઉદ્યોગોમાં 3 મહિનાની ટ્રેનિંગ
આ તમામ યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ માટે સુરતના નાનપુરા ખાતે સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના સેન્ટર તેમજ UP સરકારના કેન્દ્રોનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત સાઉથ ગુજરાતની ઈન્ડસ્ટ્રીઝ સાથે મળી 3 મહિનાના નાના-નાના એપ્રેન્ટિસ પ્રોગ્રામ્સ પણ ચલાવવામાં આવશે. આગામી 2 વર્ષની અંદર અથવા તેનાથી પણ ઓછા સમયમાં આ 10 હજાર લોકોને સંપૂર્ણ તાલીમબદ્ધ કરીને સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં સ્થાયી કરવાનો સ્પષ્ટ ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. મિનિમમ વેજ કરતાં 20 ટકા વધુ પગાર આપવા ચર્ચા
આ પ્રોજેક્ટ હેઠળ આવનાર શ્રમિકોને સામાન્ય મજૂર નહીં પરંતુ ‘સ્કિલ્ડ વર્કર’ બનાવવામાં આવશે. સ્કિલ્ડ કારીગરોનો પગાર સામાન્ય વર્કર્સ કરતાં સારો હોય તે હેતુથી, ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ વેતન (મિનિમમ વેજ) કરતાં લગભગ 20 ટકા વધારે પગાર આપવા અંગે સાઉથ ગુજરાતના ઉદ્યોગકારો સાથે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી છે. જેનાથી બહારથી આવતા શ્રમિકોનું જીવનધોરણ સુધરશે અને સ્થાનિક એકમોની પ્રોડક્ટિવિટી પણ બમણી થશે. ઈઝરાયેલ પ્રોજેક્ટથી પ્રેરણા લઈ નિર્ણય લીધો: રવિરાજ દેસાઈ
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રવિરાજ દેસાઈએ જણાવ્યું હતું કે, “ઈઝરાયેલ સરકારે કેન્દ્ર સરકાર પાસે 12,000 સ્કિલ્ડ વર્કર્સ માંગ્યા ત્યારે 50%થી વધુ યુવાનોને સ્કીલ આપીને મોકલવાનું કામ UP સરકારે કર્યું હતું. આનાથી પ્રેરિત થઈને અને હર્ષ સંઘવીની વિકસિત ગુજરાત સ્કીમ હેઠળ લેબર ઇન્ફ્રા ડેવલપમેન્ટના વિચારને આગળ વધારી અમે આ MoU કર્યો છે. કોરોના કે પૂરની સ્થિતિમાં માઈગ્રન્ટ વર્કર્સ વતન જતા રહેતા હોય છે, પરંતુ જો તેમને યોગ્ય ટ્રેનિંગ અને સુવિધા આપી સ્થાયી કરવામાં આવે તો ઉદ્યોગોની એફિશિયન્સી અને પ્રોડક્ટિવિટીમાં અકલ્પનીય ફાયદો થશે.”
સુરતમાં ઉત્તરપ્રદેશના 10 હજાર યુવાનોને અપાશે ટ્રેનિંગ-રોજગારી:મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકોને મરાઠી શીખવવાના વિવાદ વચ્ચે ગુજરાતની અનોખી પહેલ, SGCCI અને UP સરકાર વચ્ચે MoU
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
