સુરતમાં ટેક્સ ચોરી કરતા લક્ઝરી બસ સંચાલકો સામે RTOનો સપાટો:સ્પેશિયલ ડ્રાઇવ યોજી 55 બસને મેમો ફટકાર્યા, 5 ડિટેઇન; ₹8.40 લાખની વસૂલાત

📅 Published: September 7, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં દોડતી ખાનગી લક્ઝરી બસો દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને ટેક્સ ચોરીની વધતી ફરિયાદો વચ્ચે સુરત આરટીઓ તંત્ર એકાએક એક્શન મોડમાં આવ્યું છે. સુરત આરટીઓ વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન એક ખાસ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી શહેર તેમજ જિલ્લામાંથી પસાર થતી ખાનગી લક્ઝરી બસોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન નિયમો નેવે મૂકનારા અને સરકારી તિજોરીને ચૂનો ચોપડનારા બસ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. 55 બસને દંડ, 5 બસ સ્થળ પર જ જપ્ત કરાઈ
આરટીઓની અલગ-અલગ ટીમો દ્વારા હાઇવે અને શહેરના મુખ્ય એન્ટ્રી પોઇન્ટ્સ પર વોચ ગોઠવીને તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ફિટનેસ, પરમિટ, ઓવરલોડિંગ તેમજ બાકી ટેક્સ સહિતના નિયમોનો ભંગ કરતી 55 જેટલી લક્ઝરી બસો સામે મોટર વ્હીકલ એક્ટ મુજબ ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આ પૈકી 5 લક્ઝરી બસોનો લાંબા સમયથી સરકારી ટેક્સ બાકી હોવાનું સામે આવતાં અધિકારીઓએ તેને સ્થળ પર જ ડિટેઇન કરી કચેરી ખાતે જમા કરાવી દીધી હતી. સરકારી તિજોરીને ચૂનો ચોપડનારાઓ પાસેથી ₹8.40 લાખ વસૂલાયા
ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો મુસાફરો પાસેથી મસમોટું ભાડું વસૂલતા હોવા છતાં સરકારમાં નિયમિત ટેક્સ ભરવામાં આડોડાઈ કરતા હોવાની વિગતો તપાસમાં બહાર આવી હતી. આરટીઓ તંત્રએ નિયમોના ભંગ બદલ ફટકારાયેલા દંડ અને બાકી નીકળતા મોટર વ્હીકલ ટેક્સ પેટે સ્થળ પરથી તેમજ કાર્યવાહી દરમિયાન કુલ ₹8.40 લાખની રકમની વસૂલાત કરી હતી. નિયમભંગ કરનારા સામે ઝુંબેશ ચાલુ રહેશે: અંકિત શાહ
સુરત આરટીઓ કચેરીના એઆરટીઓ અંકિત શાહે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે દોડતી ખાનગી બસોમાં નિયમભંગ અને સરકારી ટેક્સની ચોરી અટકાવવા માટે આ સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 55 બસોને ચલણ ફટકારી 5 બસ ડિટેઇન કરવામાં આવી છે અને ₹8.40 લાખની વસૂલાત કરાઈ છે. નિયમોનું પાલન ન કરનારા અને પેસેન્જરોની સલામતી જોખમમાં મૂકનારા કોઈપણ સંચાલકને બક્ષવામાં નહીં આવે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક ચેકિંગ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *