પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. શ્રાવણ દરમિયાન મોટાભાગના નાગરિકો ઉપવાસ કરતા હોવાથી બજારમાં ફરાળી વાનગીઓ અને કાચી સામગ્રીની માંગમાં ભારે ઉછાળો આવે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને શુદ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી પાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મોરૈયો, સિંગોડા અને વિવિધ ફરાળી લોટના નમૂના એકત્રિત કરાયા
આરોગ્ય વિભાગની વિશેષ ટીમો દ્વારા શહેરભરમાં ફરાળી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓ તથા પ્રોસેસિંગ યુનિટો પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન ઉપવાસમાં સામાન્ય રીતે વપરાતા વિવિધ લોટ જેવા કે સિંગોડાનો લોટ, મોરૈયાનો લોટ, રાજગરાનો લોટ તેમજ અન્ય ફરાળી વસ્તુઓના શંકાસ્પદ સેમ્પલ સ્થળ પરથી કાયદેસર રીતે લેવામાં આવ્યા હતા. ડી. કે. પટેલ (ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા) એ જણાવ્યું હતું કે, “શ્રાવણ માસ દરમિયાન જાહેર જનતા દ્વારા ઉપવાસમાં વિવિધ ફરાળી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી ઓફિસરોની વિવિધ ટીમો બનાવી દરેક ઝોનમાં ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની તપાસ હાથ ધરાઈ છે. જો એકત્રિત કરાયેલા નમૂનાઓ સેફ્ટીના ધારાધોરણ મુજબ નહીં જણાય તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરાશે.” 14 દિવસમાં આવશે લેબ રિપોર્ટ, ક્ષતિ જણાશે તો દંડાત્મક પગલાં
તંત્ર દ્વારા લેવાયેલા તમામ ખાદ્ય નમૂનાઓને યોગ્ય પેકિંગ સાથે ગુણવત્તા પૃથક્કરણ (ટેસ્ટિંગ) અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના નિયમ મુજબ આગામી 14 દિવસની અંદર આ સેમ્પલ્સના સત્તાવાર રિપોર્ટ આવી જશે. જો લેબ રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ, અશુદ્ધિ કે ક્ષતિ સામે આવશે, તો સંચાલકો સામે ભારે દંડ અને લાયસન્સ રદ્દ કરવા સહિતના કડક પગલાં લેવામાં આવશે.
સુરતમાં ફરાળી પ્રોડક્ટ્સ બનાવતી સંસ્થાઓ પર દરોડા:સિંગોડા-મોરૈયાના લોટના નમૂના લેબમાં મોકલાયા, અડધો શ્રાવણ પૂર્ણ થયા બાદ રિપોર્ટ આવશે!
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
