સુરતમાં બેફામ કારે અઢી વર્ષના માસૂમનો ભોગ લીધો:બામણીયાભૂત મંદિરના પાર્કિંગમાં માતા-પિતાની નજર સામે કારચાલકે ભવ્યને અડફેટે લીધો, પરિવારમાં શોકનું મોજું

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

સુરત જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અને કાળજાળ દુર્ઘટના સામે આવી છે, જ્યાં દિવાળીના તહેવારોની ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. સુરત જિલ્લાના અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પ્રખ્યાત બામણીયાભૂત મંદિરના પરિસરમાં પરિવાર સાથે દર્શને આવેલા અઢી વર્ષના માસૂમ બાળકને એક બેફામ કારચાલકે પોતાની અડફેટે લીધો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા બાળકનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે, જેને લઈને સમગ્ર પંથકમાં રોષ અને શોકનું મોજું ફરી વળ્યું છે. માતા-પિતાની નજર સામે કારચાલકે બાળકને અડફેટે લીધો
બિલ્લીમોરાના રહેવાસી અને મૃતક બાળકના કાકા તુષારભાઈ પટેલે સમગ્ર ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો ચાલી રહ્યા હોવાથી તેમનો પરિવાર બામણીયાભૂત બાપજીના દર્શન કરવા માટે ગયો હતો. દર્શન કર્યા બાદ પરિવાર દ્વારા ત્યાં જમવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ સૌ કોઈ પરત ફરવાની તૈયારીમાં હતા. તે દરમિયાન અઢી વર્ષીય માસૂમ બાળક ભવ્ય અરુણકુમાર પટેલ મંદિરના ગાર્ડન તથા પાર્કિંગ વિસ્તાર પાસે રમી રહ્યો હતો. માતા-પિતા અને સ્વજનોની નજર સમક્ષ જ પૂરઝડપે અને બેફામ રીતે દોડી આવેલી એક કારના ચાલકે માસૂમ બાળકને જોરદાર ટક્કર મારી કચડી નાખ્યો હતો. પરિવારે બાળકની સારવાર માટે એક બાદ એક પાંચ હોસ્પિટલ બદલી
આ ભયાનક અકસ્માતને પગલે પરિવારમાં ચીસાચીસ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા માસૂમ ભવ્યને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરિવારે બાળકની સારવાર માટે એક પછી એક એમ કુલ પાંચ જેટલી હોસ્પિટલો બદલી હતી અને અંતે સુરતની ખાનગી હોસ્પિટલ નિર્મલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. કારચાલક હોસ્પિટલમાં છોડીને ફરાર થઈ ગયો હતો: કાકા
મૃતક બાળકના કાકા તુષારભાઈ રાજેશભાઈ પટેલે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટના બની ત્યારે મારો ભત્રીજો ભવ્ય પાર્કિંગ પાસે રમી રહ્યો હતો, ત્યારે એક ફોરવીલ ગાડીના ચાલકે તેને કચડી નાખ્યો હતો. અઘટીત ઘટના સર્જ્યા બાદ કારચાલક અમને માત્ર એક હોસ્પિટલમાં છોડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ અમને ગાડી કે ચાલક વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. અમારો નાનો દીકરો આંખની સામે જ ચાલ્યો ગયો છે, ત્યારે અમને પૂરતો ન્યાય મળવો જોઈએ અને પોલીસ પ્રશાસન ફરાર કારચાલકને ઝડપી પાડી કડક કાર્યવાહી કરે તેવી અમારી નમ્ર વિનંતી છે. દીકરાના મોતથી માતા-પિતા સહિતનો પરિવાર શોકમાં ડૂબ્યો
બાળકના અચાનક અને આકસ્મિક મોતથી માતા-પિતા સહિતનો આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અનાવલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધીને ફરાર કારચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *