સુરતમાં બ્રિજ પર બિલ્ડરની હત્યા:ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર ફૈઝલ ફટ્ટાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, હુમલાખોરો ફરાર

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. શહેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી મોપેડ લઈને પસાર થઈ રહેલા જાણીતા જમીન દલાલ અને બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી છે. બ્રિજ પર મોપેડ આંતરી ઉપરાછાપરી ઘા ઝીંક્યા
અડાજણ પાટિયા સ્થિત અલનૂર રેસિડેન્સીમાં પરિવાર સાથે રહેતા 48 વર્ષીય ફૈઝલ ફટ્ટા જમીન દલાલી અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ પોતાની મોપેડ લઈને ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમને રસ્તામાં આંતર્યા હતા. આરોપીઓએ કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વિના ફૈઝલભાઈ પર તીક્ષ્ણ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા અને લોહીલુહાણ હાલતમાં મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સ્મીમેર હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા
હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બિલ્ડર રસ્તા પર ઢળી પડ્યા હતા. બનાવને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનો અને મિત્રવર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ચોક બજાર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરુ
જાહેર માર્ગ પર હત્યાની ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા અંગત અદાવત, વ્યવસાયિક હરીફાઈ કે પછી જમીન-મિલકતના વિવાદને લઈને કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. હાલ પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હવાલા કિંગ અફરોઝ ફટ્ટાનો સંબંધી હોવાની વિગત સામે આવી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક ફૈઝલ ફટ્ટા હજારો કરોડના ચર્ચિત હવાલા કૌભાંડ અને વર્ષ 2014ના મની લોન્ડરિંગ કેસના આરોપી અફરોઝ ફટ્ટાના દૂરના સંબંધી થતા હતા. આ હત્યા પાછળ જૂની અદાવત, જમીનનો વિવાદ કે કોઈ આર્થિક લેવડદેવડ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરિવારમાં શોકનો માહોલ, કોઈ ધમકી ન મળી હોવાનો દાવો
પરિવારજનો અને ભત્રીજાના જણાવ્યા મુજબ, ફૈઝલના પરિવારમાં તેમની પત્ની ઉપરાંત એક પુત્ર અને બે પુત્રીઓ છે. પરિવારજનોએ સ્પષ્ટતા કરી છે કે તેમને ભૂતકાળમાં કોઈ તરફથી ધમકી મળી નહોતી કે કોઈની સાથે અંગત દુશ્મનાવટ પણ ધ્યાને આવી નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *