સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટનું ભોજન આરોગ્યા બાદ શંકાસ્પદ ફૂડ પોઇઝનિંગના કારણે 4 વર્ષીય માસૂમ બાળકી આર્યાના થયેલા કરૂણ મોતની ઘટનામાં મોટો વળાંક સામે આવ્યો છે. બાળકીના મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે તેના શરીરના વિસેરાના નમૂના FSL ખાતે હિસ્ટોપેથોલોજી તેમજ ટોક્સિકોલોજીકલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે, લેબોરેટરી તપાસના સત્તાવાર અહેવાલમાં વિસેરામાં કોઈપણ પ્રકારના ઝેરી રસાયણ કે ઘાતક કેમિકલની હાજરી મળી આવી નથી. FSL રિપોર્ટ સંપૂર્ણપણે ‘નીલ’ જાહેર થતાં પોલીસ તંત્ર અને નિષ્ણાત તબીબો સમક્ષ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ ન થતાં આ સમગ્ર મામલો વધુ રહસ્યમય અને પેચીદો બન્યો છે. શીતલ રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવ્યા બાદ આખા પરિવારની તબિયત લથડી
ઘટનાની વિગતો મુજબ પુણાગામ વિસ્તારમાં આવેલી રણુજાધામ સોસાયટીમાં રહેતા અને હોટફિક્સનું કામકાજ કરતા અશોકભાઈ કલસરિયા, તેમના પત્ની જ્યોત્સનાબેન અને ત્રણ પુત્રીઓએ ગત 15 ઓગસ્ટની રાત્રે માતાવાડી સ્થિત ‘શીતલ રેસ્ટોરન્ટ’માંથી પનીર ટીક્કા અને કાજુ મસાલાનું શાક પાર્સલ મંગાવ્યું હતું. આ ભોજન લીધા બાદ બીજા દિવસે વહેલી સવારે પરિવારના તમામ પાંચ સભ્યોને અચાનક અસહ્ય પેટમાં દુખાવો અને ઉપરાઉપરી ઊલટી-ઉબકા શરૂ થઈ ગયા હતા. શરૂઆતમાં ખાનગી ક્લિનિકમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, પરંતુ પરિસ્થિતિ વધુ નાજુક બનતાં તમામ સભ્યોને તાબડતોબ સદવિચાર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 4 વર્ષીય બાળકીનું મોત
હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર દરમિયાન સોમવારે બપોરે પરિવારની સૌથી નાની 4 વર્ષીય દીકરી આર્યાએ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય પરિવારજનો લાંબી સારવાર બાદ મોતના મુખમાંથી માંડ બચી શક્યા હતા. બાળકીના આકસ્મિક મોત બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જોકે, શબપરીક્ષણ દરમિયાન ફરજ પરના તબીબો મૃત્યુનું ચોક્કસ અને સચોટ કારણ સ્પષ્ટ કરી શક્યા નહોતા. જેના પગલે શરીરમાં કોઈ રાસાયણિક તત્વ કે ફૂડ બેક્ટેરિયાનું ઘાતક ઝેર પ્રસરી ગયું છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે બાળકીના વિસેરા સુરક્ષિત રાખીને પૃથક્કરણ અર્થે સુરત એફએસએલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હવે મેડિકલ કારણોની તપાસ તેજ
બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકા (SMC) ના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી શીતલ રેસ્ટોરન્ટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ત્યાં રસોડામાં અસ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોના ગંભીર ઉલ્લંઘનો સામે આવતાં હોટેલને સીલ મારી બંધ કરાવી દેવામાં આવી હતી. તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર એ.આર. વાળાના જણાવ્યા અનુસાર, એફએસએલ તપાસમાં કોઈપણ પ્રકારના ઝેરના અંશ મળ્યા નથી. હવે વિસેરા રિપોર્ટ નીલ આવવાને કારણે બાળકીના શરીરમાં કોઈ અતિ ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે અન્ય કોઈ પેથોલોજીકલ કારણોસર મોત નીપજ્યું છે કે કેમ તે દિશામાં પોલીસ અને તબીબી નિષ્ણાતો દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરતમાં રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ બાળકીના મોતનો કેસ ગૂંચવાયો:FSL રિપોર્ટમાં વિસેરા 'નીલ', ઝેરની હાજરી ન મળી
📅 Published: September 4, 2026 |
📂 Category: gujarati-news
