સુરતમાં રહેતા હિન્દુવાદી નેતા અને સનાતન સેવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે તેમને વોટ્સએપ પર મેસેજ તેમજ ઓડિયો કોલ કરી ઘર અને ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ખુલ્લી ચેતવણી આપી છે. સુરક્ષા ગાર્ડ સામે જ મળેલી આ ધમકીને પગલે સમગ્ર મામલો ગોડાદરા પોલીસ મથકે પહોંચ્યો છે. સુરત પોલીસે તાત્કાલિક અસરથી ઉપદેશ રાણાના નિવાસસ્થાને વધારાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને અજાણ્યા કોલર સામે તપાસ હાથ ધરી છે. મધરાતે 1:36 વાગ્યે વોટ્સએપ પર લોકેશન માંગતો મેસેજ આવ્યો
ગોડાદરા સ્થિતિ સારથી એવન્યુમાં રહેતા 37 વર્ષીય ઉપદેશ રાણા 5 સપ્ટેમ્બર, 2026ની રાત્રે પોતાના પરિવાર સાથે ઘરે હતા. તે દરમિયાન રાત્રિના 1:36 વાગ્યના સુમારે તેમના વોટ્સએપ પર એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. હિન્દી ભાષામાં મોકલાયેલા આ મેસેજમાં ‘તું એક બાપ કી ઔલાદ હૈ તો તેરી લોકેશન ભેજ, તેરે ઘર આઉગા ઔર તુજે મારૂંગા’ તેવી ધમકી આપવામાં આવી હતી. રાત્રિનો સમય હોવાથી ઉપદેશ રાણાએ કોઈપણ પ્રકારનો પ્રત્યુતર આપ્યા વિના મેસેજ અવગણીને સૂઈ જવાનું યોગ્ય માન્યું હતું. સવારે 10:22 વાગ્યે ઓડિયો કોલ કરી બોમ્બથી ઉડાવવાની ધમકી
6 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 10:22 વાગ્યે ફરી તે જ અજાણ્યા નંબર પરથી તેમના વોટ્સએપ પર ઓડિયો કોલ આવ્યો હતો. કોલ રિસીવ કરતાં જ સામે વાળા શખ્સે અત્યંત આક્રમક અંદાજમાં કહ્યું કે, ‘અબ તો નહીં બચ પાયેગા, હમ તેરે નજદીક હૈ, તેરે ઘર ઓર ઓફિસ મેં બમ્બ લગાકર ઉડાને વાલે હૈ.’ આ રીતે બોમ્બ બ્લાસ્ટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સુરક્ષાકર્મીએ સામે ફોન પર ઉડાવી દેવાની ધમકી આપી
ધમકીભર્યો કોલ ચાલુ હોવાથી ઉપદેશ રાણાએ તાત્કાલિક પોતાની સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓને ફોન આપીને સામેવાળા શખ્સ સાથે વાત કરવા જણાવ્યું હતું. જોકે, કાયદાનો કોઈ ડર ન હોય તેમ અજાણ્યા શખ્સે પોલીસ જવાન સાથે વાત કરી તેમાં ‘ઉપદેશ કો બોમ્બ સે ઉડા દેંગે’ કહીને ફરી ધમકી આપી હતી અને ત્યારબાદ તરત જ ફોન કટ કરી દીધો હતો. સુરક્ષા જવાનની હાજરીમાં જ ધમકી આપતા સમગ્ર મામલો અત્યંત ચિંતાજનક બન્યો હતો. સરકારે ઉપદેશ રાણાને આપી છે ‘X’ કેટેગરીની સુરક્ષા
ઉલ્લેખનીય છે કે, વિશ્વ સનાતન સંઘના રાષ્ટ્રીય પ્રચારક અને યુદ્ધ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ ઉપદેશ રાણાને ભૂતકાળમાં પણ અવારનવાર અલગ અલગ સંગઠનો અને વ્યક્તિઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. જેના કારણે ગુજરાત સરકાર દ્વારા 11 ડિસેમ્બર, 2023થી હથિયારી ગાર્ડ સાથે ‘X’ કેટેગરીની સુરક્ષા ફાળવવામાં આવી છે. આ અગાઉ તેમણે ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ ફરિયાદો નોંધાવી છે. હાલમાં ગોડાદરા પોલીસે અજાણ્યા મોબાઈલ નંબર ધારાક વિરૂદ્ધ ગુનો નોંધી કોલ ડિટેઈલ તેમજ સાયબર સેલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતમાં હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ઘર અને ઓફિસ ઉડાવવાનો વોટ્સએપ કોલ આવ્યો, ગોડાદરા પોલીસે બંદોબસ્ત વધાર્યો
📅 Published: September 6, 2026 |
📂 Category: gujarati-news
