સુરતમાં 8 વર્ષીય બાળકી પર 35 વર્ષીય શખસે દુષ્કર્મ આચર્યું:શૌચાલય ગયેલી બાળકીને બળજબરીપૂર્વક અવાવરૂ ઝાડીઓમાં ખેંચી ગયો, પ્રતિકાર કરતાં તમાચા માર્યાં, પોલીસે આરોપીને ઝડપ્યો

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

સુરતના સચિન GIDC વિસ્તારમાં ઘરમાં શૌચાલયની સુવિધા ન હોવાથી ઘર નજીક ખુલ્લી જગ્યાએ શૌચક્રિયા માટે ગયેલી 8 વર્ષીય બાળકી પર 35 વર્ષીય શખસે દુષ્કર્મ આચર્યું હતું. આ હેવાનિયત બાદ ભયભીત બનેલી માસૂમ બાળકી રડતી હાલતમાં ઘટનાસ્થળથી આશરે 100 મીટર દૂર આવેલા પોતાના ઘરે પહોંચી હતી અને માતાને સમગ્ર આપવીતી જણાવી હતી. આ ચકચારી ઘટના બાદ સચિન GIDC પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ કેસની કડીઓ સુનિશ્ચિત કરવા અને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરવાના ભાગરૂપે પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું ‘ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન’ હાથ ધર્યું હતું. પોલીસ આરોપીને દોરડેથી બાંધીને ઘટનાસ્થળે લઈ આવી હતી. આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ બાળકીને કયા સ્થળેથી અટકાવી, કયા રસ્તેથી ખેંચીને ઝાડી-ઝાંખરામાં લઈ ગયો, કઈ રીતે હુમલો કરી દુષ્કર્મ આચર્યું અને ગુનો આચર્યા બાદ કઈ દિશામાં ફરાર થયો હતો તે સમગ્ર ઘટનાક્રમનું પંચોની હાજરીમાં વિગતવાર તાદ્રશ્ય નિરૂપણ કરવામાં આવ્યું હતું. ઘટનાની બે તસવીર શું છે સમગ્ર ઘટના?
સચિન GIDC વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારની 8 વર્ષીય બાળકી 21 ઓક્ટોબરની સવારે શૌચક્રિયા માટે ઘર નજીકની ખુલ્લી જગ્યાએ ગઈ હતી. ત્યાંથી પરત ફરતી વખતે આરોપી સર્વેસ રામલખન નિષાદે તેનો હાથ પકડી બળજબરીપૂર્વક અવાવરૂ ઝાડી-ઝાંખરામાં ખેંચી લીધી હતી. બાળકીએ પ્રતિકાર કરતાં તેના ગાલ પર તમાચા મારી, તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતાં, આરોપીએ બાળકીને કડક ધમકી આપી હતી કે જો તે આ ઘટના અંગે પોતાની માતાને જાણ કરશે તો તેને જાનથી મારી નાખશે. બાળકીએ માતા સમક્ષ આપવીતી વર્ણવી
લોહીલુહાણ અને ગભરાયેલી હાલતમાં ઘરે પહોંચીને બાળકીએ પોતાની માતા સમક્ષ આપવીતી વર્ણવી હતી. ઘટનાની ગંભીરતા જોતાં બાળકીની માતાએ તાત્કાલિક પોલીસ ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર સંપર્ક કર્યો હતો. કંટ્રોલ રૂમ મારફતે માહિતી મળતાં જ સચિન GIDC પોલીસ મથકનો કાફલો તુરંત હરકતમાં આવી ગયો હતો અને બનાવ સ્થળે પહોંચી પીડિતાના પરિવારને મદદરૂપ થઈ તપાસ શરૂ કરી હતી. CCTVની મદદથી બરફ ફેક્ટરી પાસેથી આરોપી ઝડપાયો
પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા, તેમજ સ્થાનિક બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું. આ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે પોલીસે તિરૂમાલા સોસાયટીમાં બરફ ફેક્ટરી પાસે આવેલી ઝાકીરની ચાલમાંથી 35 વર્ષીય આરોપી સર્વેસ રામલખન નિષાદને દબોચી લીધો હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના ખાનપુરનો રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તેની પત્ની તેને છોડીને અન્ય પુરુષ સાથે રહેતી હોવાથી તે લાંબા સમયથી અહીં એકલો જ રહેતો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *