સુરતીઓ માટે દિવાળી પહેલાં સૌથી મોટી રાહત:ફેબ્રુઆરીમાં અચાનક બંધ થયેલી ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ 25 ઓક્ટોબરથી ફરી આકાશ ગજવશે; બુધ, શુક્ર અને રવિવારે મળશે સીધી કનેક્ટિવિટી

📅 Published: October 6, 2026 | 📂 Category: gujarati-news

ડાયમંડ સિટી સુરતના હવાઈ મુસાફરો, ઉદ્યોગ જગત અને શહેરીજનોની લાગણી સાથે જોડાયેલી સુરત–શારજાહ ફ્લાઇટને લઈને દિવાળી પૂર્વે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ગત ફેબ્રુઆરી મહિનામાં અચાનક બંધ કરી દેવાયેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ‘સુરત–શારજાહ–સુરત’ ફ્લાઇટ વિન્ટર શિડ્યૂલમાં આગામી 25 ઓક્ટોબરથી પુનઃ શરૂ થવા જઈ રહી છે. એરલાઇને જાહેર કરેલા નવા શિડ્યૂલ મુજબ આ ફ્લાઇટ સપ્તાહમાં ત્રણ દિવસ—બુધવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ થશે. આ જાહેરાત થતાં જ સુરતીઓ અને ગલ્ફમાં વસતા ગુજરાતીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી 2019માં શરૂ થઈ હતી સુરતની પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ગલ્ફ દેશોમાં વસતા સુરતીઓ માટે આ રૂટ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વિવિધ ઔદ્યોગિક સંગઠનો અને સુરતીઓની વર્ષો જૂની માંગણીને પગલે ફેબ્રુઆરી 2019માં સુરત એરપોર્ટથી સુરત-શારજાહ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ શરૂ થતાં જ સુરતનું એરપોર્ટ વૈશ્વિક નકશા પર ચમક્યું હતું અને સ્થાનિક ડાયમંડ તેમજ ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓ માટે મિડલ ઇસ્ટના દરવાજા સીધા ખુલી ગયા હતા. સાત વર્ષ સુધી સફળ સંચાલન બાદ આ સેવા સુરતની પ્રતિષ્ઠા સાથે વણાઈ ગઈ હતી. 27 ફેબ્રુઆરીએ આખરી ઉડાન ભરી હતી, સુરતીઓમાં ભારે રોષ ફેલાયો હતો સાત વર્ષની સફળ સેવા બાદ સમર શિડ્યૂલમાં આ ફ્લાઇટ અચાનક બંધ થતાં સુરતના વેપાર, પ્રવાસન અને પારિવારિક જોડાણો પર માઠી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. એરલાઇન દ્વારા આ ફ્લાઇટ માર્ચ મહિનામાં બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી, પરંતુ યુદ્ધજન્ય પરિસ્થિતિના કારણે 27 ફેબ્રુઆરીએ સુરત-શારજાહ ફ્લાઇટે પોતાની અંતિમ ઉડાન ભરી હતી. ફ્લાઇટ બંધ કરાતાં સુરતીઓ અને વેપારીઓમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો, કારણ કે લોકોને ફરી મુંબઈ-અમદાવાદના ધક્કા ખાવાની નોબત આવી હતી. ‘વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ’ અને શહેરીજનોની માંગણી આખરે ફળી ફ્લાઇટ રદ થયા બાદ સુરતના એરપોર્ટ ડેવલપમેન્ટ માટે સતત કાર્યરત વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રૂપના સભ્યો, સ્થાનિક ઉદ્યોગ મંડળો અને જાગૃત શહેરીજનોએ આ ફ્લાઇટ પુનઃ શરૂ કરાવવા માટે એરલાઇન મેનેજમેન્ટ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ જોરદાર રજૂઆતો કરી હતી. આ રજૂઆતો અને મુસાફરોની સતત માંગણીને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયા એક્સપ્રેસે પોતાના વિન્ટર શિડ્યૂલ 2026માં આ રૂટને ફરી સામેલ કર્યો છે અને આગામી 25 ઓક્ટોબરથી સેવાનો વિધિવત પ્રારંભ કરવાનો નિર્ણય લીધો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *