સુરતી માતાઓ વ્હાલસોયાને છાતીએ બાંધી ગરબે ઘૂમી, VIDEO:પ્રેગ્નન્સીનો 8મો મહિનો હોય કે 2 મહિનાનું બાળક ગરબાનો ક્રેઝ ન અટક્યો, બે તાળીના તાલે ઝૂમી ઊઠી

📅 Published: October 8, 2026 | 📂 Category: gujarati-news

નવરાત્રી દરમિયાન ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં ગરબા પ્રેમીઓ માટે એક અનોખું અને પ્રેરણાદાયી સેલિબ્રેશન યોજાયું હતું. મોટા આયોજનોમાં ભીડભાડના કારણે સગર્ભા મહિલાઓ તેમજ નાનાં શિશુઓની માતાઓ ગરબા રમવા જઈ શકતી નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને નૂપુર હોસ્પિટલ દ્વારા ખાસ પ્રી-નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાઓ પોતાના માસૂમ બાળકોને છાતીએ બેબી કેરિયરમાં બાંધીને ટ્રેડિશનલ પરિધાનમાં ઉત્સાહભેર ગરબે ઘૂમી હતી. સુરતમાં આ પ્રકારની અનોખી પહેલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. છેલ્લા 5થી 7 વર્ષથી આયોજન, સરળ સ્ટેપ્સથી સુરક્ષિત કાર્ડિયો: ડૉ. ખુશાલી
નૂપુર હોસ્પિટલના ડૉ. ખુશાલીએ જણાવ્યું કે, હોસ્પિટલ દ્વારા છેલ્લા 5થી 7 વર્ષથી ગર્ભવતી મહિલાઓ અને નવી માતાઓ માટે આ પ્રકારનું સેલિબ્રેશન કરવામાં આવે છે. મોટા ગરબા ગ્રાઉન્ડમાં સગર્ભા બહેનો માટે રમવું જોખમી બની શકે છે. તેથી અહીં ધીમા, લયબદ્ધ અને સંપૂર્ણ સલામત સ્ટેપ્સ કરાવવામાં આવે છે, જેથી પ્રેગ્નન્સીમાં માતા અને આવનાર બાળકના સ્વાસ્થ્ય માટે ઉત્તમ કાર્ડિયો એક્ટિવિટી પણ મળી રહે. આ વર્ષે આશરે 15થી 20 સગર્ભા મહિલાઓ અને 15થી 25 જેટલી માતાઓ પોતાના નવજાત બાળકો સાથે આ ઉત્સવમાં સહભાગી બની હતી. 2 મહિનાની દીકરીને પહેલીવાર બહાર લાવી ગરબા રમ્યા: ક્રિયા શાહ
ક્રિયા શાહે જણાવ્યું કે, મારી દીકરી હજી માત્ર બે મહિનાની જ છે અને હું તેને પ્રથમ વખત ઘરની બહાર લાવી છું. હું અને મારા પતિ નવે-નવ દિવસ રમીએ છીએ. બાળક નાનું હોવાથી મોટા ગ્રાઉન્ડમાં જવું અઘરું હતું પરંતુ, અહીં કોરિયોગ્રાફર દ્વારા સુરક્ષિત સ્ટેપ્સ શીખવવામાં આવી રહ્યા છે, જેથી દીકરી સાથે આ પર્વની ઉજવણી કરવાનો અનેરો આનંદ મળ્યો છે. પ્રેગ્નન્સીના 8મા મહિને પણ હળવા સ્ટેપ્સ સાથે ગરબા એન્જોય કર્યા: અમી
અમીએ પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે, ગરબા માટે તેઓ ઘણા ઉત્સાહી છે અને હાલ તેમનો આઠમો મહિનો ચાલી રહ્યો છે. મોટા ગરબા આયોજનોમાં જવું શક્ય ન હોવાથી હોસ્પિટલ દ્વારા કરાયેલા આ આયોજનમાં આવીને તેઓ ખૂબ આનંદ અનુભવી રહ્યા છે. અહીં ખૂબ જ હળવા અને સુરક્ષિત સ્ટેપ્સ કરાવવામાં આવી રહ્યા છે, જેથી શરીરમાં કોઈ ભારેપણું કે તકલીફ અનુભવાતી નથી અને તેઓ ખૂબ ખુશીથી ગરબા રમી રહ્યા છે. ગ્રાઉન્ડ મિસ ન થયું, બે તાળી અને ટીટોડિયા પર ઝૂમી: મૈત્રી ત્રિવેદી
મૈત્રી ત્રિવેદીએ જણાવ્યું કે, નૂપુર હોસ્પિટલ અને ખુશાલી મેડમ દ્વારા ખાસ પ્રેગ્નન્ટ મહિલાઓ માટે આ પ્રી-નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પ્રેગ્નન્સી દરમિયાન ગ્રાઉન્ડમાં કે મોટા આયોજનોમાં રમવા જઈ શકાતું નથી, પરંતુ અહીં આવીને તેઓ ખૂબ ખુશ છે. તેઓ દર વર્ષે દસેય દિવસ ગરબા રમવા જતા હોય છે અને આ વખતે પ્રેગ્નન્સી દરમિયાન પણ અહીં બે તાળી, ત્રણ તાળી અને ટીટોડિયું જેવા સરળ સ્ટેપ્સ સાથે ગરબા રમીને પોતાની પ્રેગ્નન્સીને ખૂબ એન્જોય કરી રહ્યા છે. ગત વર્ષે પ્રેગ્નન્સીને લીધે રમી ન શકી: પ્રાચી ત્રિવેદી
પ્રાચી ત્રિવેદીએ જણાવ્યું કે, તે પોતાની છ મહિનાની દીકરી સાથે આ ગરબા વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા છે. તેઓ ગરબા રમવા માટે ખૂબ ઉત્સાહી છે અને ગત વર્ષે પ્રેગ્નન્સીના કારણે રમી શક્યા ન હોવાથી આ વર્ષે ડબલ ઉત્સાહ સાથે રમવા આવ્યા છે. અહીં સેમી-વેસ્ટર્ન અને વેસ્ટર્ન મિક્સ પ્રકારના સ્ટેપ્સ કરાવવામાં આવી રહ્યા છે, જેમાં તેમની નાની દીકરી પણ તેમની સાથે ખૂબ મજા કરી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *