સુરતની નવી સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં છેલ્લા કેટલાક સમયથી એક માથાભારે શખ્સ દ્વારા મચાવવામાં આવી રહેલા આતંકને લઈને હોસ્પિટલ પ્રશાસને લાલ આંખ કરી છે. મહિલા કર્મચારીઓની છેડતી, સ્ટાફને ધમકીઓ આપવા, સિક્યુરિટી સાથે મારામારી કરવા તેમજ સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર દ્વારા ખટોદરા પોલીસને પત્ર લખી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. મહિલા સ્ટાફના રૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી ગંભીર છેડતી કરી
ખટોદરા પોલીસને મોકલેલા પત્રમાં જણાવ્યા મુજબ, સ્ટેમસેલ બિલ્ડિંગના ચોથા માળે આવેલા પ્લાસ્ટિક સર્જરી વોર્ડમાં આ શખ્સ બિન્દાસપણે ઘૂસી જઈને આતંક મચાવે છે. તે વોર્ડમાં ફરજ બજાવતી મહિલા નર્સિંગ સ્ટાફ અને અન્ય મહિલા કર્મચારીઓ સામે બેસીને અભદ્ર વર્તન કરતો હતો. એટલું જ નહીં, રાત્રિ દરમિયાન મહિલા કર્મચારીઓના રૂમમાં ઘૂસી જવાનો પ્રયાસ કરીને ગંભીર છેડતી પણ કરી હતી. આ વિકૃત હરકતોના કારણે હોસ્પિટલનો મહિલા સ્ટાફ અત્યંત ભયના ઓથાર હેઠળ ફરજ બજાવવા મજબૂર બન્યો છે. ‘હું અહીં જ બેસીશ, થાય તે કરી લો’, મંત્રીઓ અને ગાંધીનગરથી સસ્પેન્ડ કરાવવાની ધમકી
આ શખ્સ કોઈપણ કારણ વિના વોર્ડ કે સ્ટાફ કેબિનમાં અડિંગો જમાવીને બેસી જતો હતો. સ્ટાફ દ્વારા તેને કામ કરવા દેવા વિનંતી કરવામાં આવે ત્યારે તે “હું અહીં જ બેસીશ, થાય તે કરી લો” તેવી ખુલ્લેઆમ દાદાગીરી કરતો હતો. સ્ટાફને દબાવવા માટે તે ગાંધીનગરથી કે મંત્રીઓ પાસે સીધા ફોન કરાવીને બદલી કરાવી દેવાની તેમજ સસ્પેન્ડ કરાવી દેવાની ખુલ્લી ધમકીઓ આપતો હતો. ગેરકાયદે વીડિયોગ્રાફી કરી બ્લેકમેઇલિંગ, વોટર કુલર પાસે પેશાબ કરી ગંદકી ફેલાવી
હોસ્પિટલ પરિસરમાં વીડિયોગ્રાફી પર કડક પ્રતિબંધ હોવા છતાં, આરોપી સ્ટાફ અને ખાસ કરીને મહિલા કર્મચારીઓની મંજૂરી વિના પોતાના મોબાઈલમાં વીડિયો શૂટ કરતો હતો અને મીડિયાના નામે બ્લેકમેઇલ કરીને માનસિક ત્રાસ આપતો હતો. વધુમાં, તે સિવિલની સંપત્તિ એવા વોટર કુલર પાસે ખુલ્લેઆમ શૌચ કરીને ગંદકી ફેલાવતો હતો. જ્યારે કોઈ તેને રોકવા કે ટોકવા જતું ત્યારે તે બિભત્સ ગાળો ભાંડીને ગુંડાગીરી કરતો હતો. ગેટપાસ વગર ઘૂસવા મુદ્દે સિક્યુરિટી ગાર્ડ્સ સાથે ઝપાઝપી કરી
આરોપી ગેટપાસ વગર અંદર ઘૂસવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે ઇન્ચાર્જ સિક્યુરિટી ઓફિસર અને લેડીઝ ગાર્ડ્સ સહિતના સ્ટાફે તેને અટકાવતા તેમની સાથે પણ ઝપાઝપી અને મારામારી કરી હતી. હોસ્પિટલ પ્રશાસન વિરુદ્ધ પણ અપશબ્દો ઉચ્ચારી ધમકીઓ આપવામાં આવી હતી. વોર્ડ સ્ટાફ, કેસબારી ઓપરેટરો, સિક્યુરિટી સ્ટાફ અને દર્દીઓના સગાઓ દ્વારા મળેલી લેખિત રજૂઆતોના આધારે આખરે RMO દ્વારા ખટોદરા પોલીસને તાત્કાલિક ગુનો નોંધી કડક દાખલારૂપ કાર્યવાહી કરવા પત્ર પાઠવવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી પોલીસ કરશે: સુપ્રિટેન્ડન્ટ
આ મામલે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામા એ જણાવ્યું હતું કે, આ માથાભારે ઈસમ સિવિલ હોસ્પિટલમાં દર્દી તરીકે આવ્યા હતા અને છેલ્લા બે વર્ષની અંદર તેની સારવાર પણ કરી છે. જોકે છેલ્લા થોડા મહિનાઓથી તેમના વર્તનમાં ફેરફાર થયો છે અને મહિલા સ્ટાફના રૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી ગંભીર છેડતી પણ કરી હતી. આ સાથે સિક્યુરિટી સાથે પણ તેમણે મારામારી કરી હતી. જેને પગલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં પત્ર લખીને કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે. આગળની કાર્યવાહી પોલીસ દ્વારા જ કરવામાં આવશે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માથાભારે શખ્સનો આતંક:મહિલા સ્ટાફની છેડતી, સરકારી કામમાં અડચણ અને મારામારી અંગે સિવિલ તંત્રે પોલીસને કાર્યવાહી માટે લખ્યો પત્ર
📅 Published: September 23, 2026 |
📂 Category: gujarati-news
