સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટે કમિશનર-સ્ટેન્ડિંગ ચેરમેનને ખખડાવ્યા:કહ્યું- અસરગ્રસ્તો કોઇ ઢોર નથી કે તેને ગૌશાળામાં મૂકી દેશો, કોર્ટ સમક્ષ વાયદો છતાં ઘર આપવામાં ગંભીરતા નહીં

📅 Published: October 24, 2026 | 📂 Category: gujarati-news

સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં વિસ્થાપિતોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવાની મ્યુનિ. કોર્પોરેશનની રજૂઆતથી હાઇકોર્ટ સખ્ત નારાજ છે. હાઈકોર્ટે SMCની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટમાં વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો વાયદો કર્યા બાદ વાયદાથી ફરી જવાના તંત્રના વલણ બાદ કોર્ટે સખત શબ્દોમાં આદેશ કરતાં હાઇકોર્ટ સમક્ષ ફેરવી તોળનારા અધિકારીઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કેમ ન કરવી એનો જવાબ આપવાનું કહ્યું છે. હાઇકોર્ટનું આકરું વલણ જોતાં આદેશ પર સ્ટેની માગ કરવામાં આવી હતી, ત્યારે હાઇકોર્ટે સ્ટેનો ઇનકાર કરી આદેશને પડકારવાની છૂટ આપી છે. આ કેસની વધુ સુનાવણી નવેમ્બર મહિનામાં રાખવામાં આવી છે. ‘તમારા કર્મચારીઓએ જે ગેરરીતિ આચરી એની જવાબદારી કોણ લેશે?’
કેસની સુનાવણીમાં કોર્ટ સમક્ષ હાજર સુરત મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ અને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કોર્ટે વેધક સવાલ કર્યો હતો. હાઇકોર્ટ: ડિમોલિશનમાં જેમના ઘર તૂટ્યા તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો વાયદો પહેલાં SMCએ કર્યો હતો, ત્યારબાદ હવે શા માટે સ્ટેન્ડ બદલી રહ્યા છો? આ ડિમોલિશનમાં તમારા કર્મચારીઓએ જે ગેરરીતિ આચરી છે એની જવાબદારી કોણ લેશે? ‘અસરગ્રસ્તો કોઇ ઢોર નથી કે તેને ગૌશાળામાં મૂકી દેશો’
હાઇકોર્ટ: જ્યાં સુધી તમે કોઇની જવાબદારી નક્કી નહીં કરો ત્યાં સુધી જેમના ઘર ડિમોલિશન કર્યા છે, તેઓ ક્યાં રહેશે? શું તેઓ ખુલ્લા આકાશ નીચે સૂઇ જશે? તેઓ દેશના નાગરિક નથી? તેમનો કોઇ અધિકાર નથી? તેઓ કોઇ ઢોર નથી, કે તેમને ઊઠાવીને તમે ગૌશાળામાં મૂકી દેશો. તમે નક્કી નહીં કરો ત્યાં સુધી આ લોકો ક્યાં જ શે? એડવોકેટ જનરલે વાયદો કર્યો હતો કે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે તો એ વાયદો હવામાં ક્યાં ઓગળી ગયો? વાયદો કરી ફરી જતાં શા માટે કોર્ટની અવમાનના કેમ ન ગણવામાં આવે?
કેસની સુનાવણીમાં PM આવાસ યોજનામાં લાંબું વેઇટિંગ હોવા સહિતની દલીલો SMCએ કરી હતી. ત્યારે પણ કોર્ટે ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટ: આ તો તમે અને તમારા અધિકારીઓએ જે ખોટું કર્યું છે એને સુધારવાની કોશિશ કરાઇ છે. ત્યારે અહીં એવો સવાલ જ ન થાય કે આ વિસ્થાપિતોને A કેટેગરીમાં મૂકો કે B કેટગરીમાં મૂકો. એટલું જ નહીં, જ્યારે SMCએ ઘર આપવાનો વાયદો કર્યો હોય અને હવે કોર્ટ સમક્ષ એ વાયદા પરથી ફરી જતાં હોવ તો શા માટે એને કોર્ટની અવમાનના તરીકે ન ગણવામાં આવે? ‘આવી વ્યક્તિઓને ઘરની ફાળવણી કરવા માટેની કોઇ યોજના નથી’
હાઈકોર્ટે SMCના વલણની આકરી ટીકા કર્યા બાદ લેખિત આદેશમાં નોંધ્યું હતું કે, હાઇકોર્ટે SMC કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કોર્ટમાં બોલાવ્યા હતા અને તેમને સવાલ કર્યો હતો કે જ્યારે વિસ્થાપિતોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાનો વાયદો તેમણે કર્યો હતો તો હવે શા માટે તેઓ પોતાના સ્ટેન્ડથી ફરી રહ્યા છે? ત્યારે તેમનો જવાબ હતો કે તેમને એવું જણાય છે કે આવી વ્યક્તિઓને ઘરની ફાળવણી કરવા માટેની કોઇ યોજના નથી. આ સમગ્ર કાર્યવાહી ખાનગી થર્ડ પાર્ટીના કહેવાથી મ્યુનિ.અધિકારીઓએ કરી હતી
કોર્ટે નોંધ્યું હતું કે એવું લાગે છે કે કોર્પોરેશનની આ વર્તણૂક ન્યાયની પ્રક્રિયામાં હસ્તક્ષેપ સમાન છે અને કોર્ટના સન્માન અને ગૌરવને ઓછું કરવા સમાન છે. ખાસ કરીને કોર્પોરેશને કોર્ટને વાયદો આપ્યા બાદ સુનાવણી દરમિયાન જ સ્ટેન્ડ બદલ્યું હોય તે વાત અત્યંત ગંભીર અને કોર્ટના સન્માનની વિરુદ્ધની છે. કોર્ટને એવું જણાય છે કે પ્રસ્તુત કેસ અતિ અસામાન્ય કેસ છે. જેમાં અધિકારીઓએ કાયદાની કોઇ પણ પ્રક્રિયાનો અમલ કર્યા વિના ઘરોને ડિમોલિશન કર્યા હતા. આ સમગ્ર કાર્યવાહી કોઇ ખાનગી થર્ડ પાર્ટીના કહેવાથી મ્યુનિ. અધિકારીઓએ કાયદાની પ્રક્રિયાનો અમલ કર્યા વિના કરી હતી, જેથી લોકોના મકાન ડિમોલિશન થતાં તે થર્ડ પાર્ટીને લાભ થઇ શકે, એવો આક્ષેપ પણ પિટિશનમાં કરવામાં આવ્યો હતો. આગામી સુનાવણીમાં બંને અધિકારીઓએ કોર્ટમાં રૂબરૂ હાજર રહેશે
આ એવો કેસ છે કે જેમાં ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પણ બને છે. ખાસ કરીને જ્યારે મ્યુનિ. દ્વારા ગેરકાયદે રીતે ડિમોલિશન કરવામાં આવ્યું હોય અને વિસ્થાપિતોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો કોર્ટ સમક્ષ ધરાર ઇનકાર કરી દેવામાં આવ્યો હોય. વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો વાયદો એડવોકેટ જનરલે આપ્યો ત્યારે આ સ્ટેન્ડ કેમ ચેન્જ કરવામાં આવ્યું તે જાણવા SMC કમિશનરને હાજર રાખવામાં આવ્યા છે અને શા માટે અધિકારીઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ન કરવામાં આવે એવો સવાલ પણ તેમને કરવા કોર્ટમાં બોલાવવામાં આવ્યા છે. આગામી સુનાવણીમાં પણ બંને અધિકારીઓએ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થવાનું રહેશે. શું છે ભૂતિયા ડિમોલિશન વિવાદ?
સુરતમાં 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસેના નાસીર નગરમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે આ ડિમોલિશન ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું હતું. આ ડિમોલિશનનો અસલી ‘વિલન’ કોણ છે તેનો ચહેરો સામે આવવાનો હજુ બાકી છે. ત્યાર બાદ આ મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જ્યાં કોર્ટે મ્યુનિસિપલ કમિશનરથી લઈ પોલીસ કમિશનર તથા સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ પણ વાંચો: નાસીરનગર ડિમોલિશનમાં રાજ્ય સરકાર કેમ એક્ટિવ નથી? હાઈકોર્ટ આ પણ વાંચો: નાસીરનગર ડિમોલીશનના 51 દિવસ બાદ રાજ્ય સરકાર તપાસ કમિટી રચી આ પણ વાંચો: સુરતના ભૂતિયા ડિમોલિશનનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો આ પણ વાંચો: DCP નકુમ-SMCના અધિકારીઓની હાજરીમાં ‘ભૂતે’ 100 મકાન તોડી પાડ્યા આ પણ વાંચો: ‘ભૂતે’ 100 મકાન તોડ્યા તેમાં SMC કનેક્શન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *