સુરત પાલ RTOમાં સર્વર ડાઉનના નામે ધક્કાથી અરજદાર ભડક્યો:ક્લાર્કે 'બનાવ વીડિયો' કહીને અપશબ્દો બોલ્યા, બાદમાં મારામારી સુધી મામલો પહોંચ્યો, ઘટના મામલે તપાસ કરી પગલાં ભરાશે: ARTO અંકિત શાહ

📅 Published: September 29, 2026 | 📂 Category: gujarati-news

સુરતના પાલ સ્થિત RTO કચેરીમાં અવારનવાર સર્વર ડાઉનની સમસ્યાને કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે ડીટેઇન કરાયેલા વાહનોનો મેમો ભરવાની કામગીરી ઠપ રહેતાં એક અરજદાર અને RTOના ક્લાર્ક વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી સુધીનો મામલો પહોંચ્યો હતો. બંને પક્ષે ધીરજ ગુમાવતાં કચેરીમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સરકારી બાબુઓની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. ‘સર્વર ડાઉન’નું બહાનું કાઢતાં વિવાદ સર્જાયો
માર્વિન ચોવટિયા નામના અરજદારના જણાવ્યા અનુસાર, તેઓ પોતાના ડીટેઇન થયેલા વાહનનો મેમો ભરવા માટે ગઈકાલે બપોરે 1:30 વાગ્યા આસપાસ RTO પહોંચ્યા હતા, ત્યારે કર્મચારીઓએ સર્વર ડાઉન હોવાનું કહી કામગીરી બંધ રાખી હતી. બીજા દિવસે એટલે કે આજે પણ તેઓ નિયત સમયે પહોંચ્યા ત્યારે ફરી એ જ જવાબ મળ્યો હતો. જેથી અરજદારે શંકા વ્યક્ત કરતાં કાઉન્ટર પર હાજર કર્મચારીને પૂછ્યું હતું કે, ગઈકાલે પણ આ જ સમયે સર્વિસ બંધ હતી અને આજે પણ બંધ છે, તો શું દરરોજ લંચ ટાઈમના નામે સર્વર બંધ બતાવી કામ અટકાવી દેવાય છે? ‘વીડિયો બનાવો, મને વાંધો નથી’ કહી અપશબ્દો બોલ્યાનો આક્ષેપ
અરજદારે આક્ષેપ કર્યો હતો કે ત્યાં હાજર એક અન્ય અરજદારના પુત્રએ સર્વર ચાલુ હોવાનું કહી વીડિયો રેકોર્ડિંગ કરવા જણાવ્યું હતું. જેથી વ્લોગર તરીકે સક્રિય માર્વિને પોતાના મોબાઈલથી સમગ્ર ઘટનાનું શૂટિંગ શરૂ કર્યું હતું. શરૂઆતમાં ક્લાર્કે વીડિયો બનાવો, મને શું વાંધો છે કહી મંજૂરી આપી હતી, પરંતુ વાતચીત વધુ ઉગ્ર બનતાં ક્લાર્કે ધીરજ ગુમાવી દીધી હતી અને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. કાઉન્ટર બહાર આવી મારામારી કરવાનો પ્રયાસ
વીડિયોમાં જોવા મળ્યા મુજબ, કર્મચારી અને અરજદાર બંને વચ્ચે તૂ-તૂ મેં-મેં વધી ગઈ હતી. કર્મચારીએ અચાનક વીડિયો બંધ કરવાનું દબાણ કરી કાઉન્ટરની બહાર આવીને અરજદાર સાથે મારામારી કરવાનો પ્રયાસ કર્યો હતો. RTO પરિસરમાં ઉગ્ર હોબાળો થતાં કામ અર્થે આવેલા અન્ય અરજદારો અને લોકો વચ્ચે પડ્યા હતા અને બંને પક્ષને માંડ માંડ છૂટા પાડ્યા હતા. વાયરલ વીડિયો અંગે તપાસ કરાશે: ARTO
આ સમગ્ર મામલે સુરત ARTO અંકિત શાહે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી વાહનોના મેમો ભરવાના પોર્ટલમાં ટેક્નિકલ ખામી સર્જાતાં સર્વર ડાઉન થઈ રહ્યું છે. રોજના આશરે 60થી 70 લોકો મેમો ભરવા માટે આવતા હોય છે. આજે પણ બપોરના સમયે લગભગ બે કલાક સુધી સર્વર ડાઉન રહ્યું હતું. બાદમાં અરજદારને સમજાવીને તેમનો મેમો સ્વીકારી લેવાયો હતો. હાલ જે બોલાચાલી અને ઝપાઝપીનો વીડિયો વાયરલ થયો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *