સુરત સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાનનો બાળક પર હુમલો:PM રૂમ બહાર બાંકડા પર શ્વાનનો આરામ, હોસ્પિટલ પરિસર 'ડોગ શેલ્ટર' બન્યું!

📅 Published: September 6, 2026 | 📂 Category: gujarati-news

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક વધી ગયો છે. હોસ્પિટલના પોસ્ટમોર્ટમરૂમ બહાર બનાવવામાં આવેલા શેડ પાસે પરિવાર સાથે ઊભેલા એક બાળક પર રખડતા શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. PM રૂમ બહાર જ બેથી ત્રણ કૂતરાઓ આરામથી ફરી રહ્યા હતા અને તેમાંથી એક શ્વાને બાળકને નિશાન બનાવતાં પરિસરમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકો દોડી આવતાં બાળકનો આબાદ બચાવ થયો
શ્વાને બાળક પર હુમલો કરતાની સાથે જ બાળકે ચીસાચીસ કરી મૂકી હતી. આ અવાજ સાંભળી આસપાસ હાજર લોકો અને સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ સમયસૂચકતા વાપરી શ્વાનને ભગાડી મુકતાં બાળકને લોહીલુહાણ થતાં કે ગંભીર ઈજા પહોંચતાં બચાવી લેવાયો હતો. પરિજનો સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા, પરંતુ ત્યાં જ બાળક પર આવી આફત આવી પડતાં પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. દર્દીઓ-પરિવાર માટે મુકેલા બાંકડા પર શ્વાનોનો આરામ
સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૃતકના પરિજનો માટે બેસવા જે બાંકડા મુકાયા છે, તેના પર રખડતા શ્વાનો આરામ ફરમાવતા નજરે પડે છે. પરિસરમાં કોઈ પણ પ્રકારના ડર વગર શ્વાનોનું ઝુંડ વિહાર કરે છે. દર્દીઓની સારવાર અને સ્વચ્છતા માટે જાણીતી હોસ્પિટલમાં જ આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતાં અહીં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સ્વજનોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાનોને તાત્કાલિક હટાવવા ઉગ્ર માગ
આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સુરક્ષા અને વ્યવસ્થાના દાવા વચ્ચે રખડતા કૂતરાઓ હોસ્પિટલના અંદરના ભાગો સુધી કેવી રીતે પહોંચી જાય છે તે મોટો પ્રશ્ન છે. દર્દીઓ અને સ્થાનિક લોકોએ હોસ્પિટલ પરિસરમાંથી રખડતા શ્વાનોને પકડીને તાત્કાલિક સુરક્ષિત રીતે દૂર કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ દર્દી કે બાળક ગંભીર અકસ્માતનો ભોગ ન બને.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *