સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર આગામી તહેવારોની મોસમ દરમિયાન નાગરિકોને વ્યાજબી ભાવે આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા સક્રિય બન્યું છે. ખાંડના ભાવમાં થતા વધારાને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ.જી.ગજ્જર અને તેમની ટીમે સમગ્ર જિલ્લામાં જથ્થાબંધ ખાંડના વેપારીઓ અને મોટા વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ હાથ ધરી છે. આ તપાસનો મુખ્ય હેતુ કૃત્રિમ અછત કે સંગ્રહખોરી અટકાવવાનો છે. પુરવઠા વિભાગની ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા ગોડાઉનો અને વેપારી મથકોએ રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન, ખાંડના ઉપલબ્ધ જથ્થા અને તેના દસ્તાવેજી રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરાઈ હતી. તપાસમાં ખાસ કરીને નિયત મર્યાદા 4,000 ક્વિન્ટલથી વધુ જથ્થાનો સંગ્રહ થયો છે કે કેમ, તેમજ 30 દિવસથી વધુ સમય માટે સ્ટોક જાળવી રાખવામાં આવ્યો છે કે કેમ, તેની ચકાસણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા તમામ વેપારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારના ખાંડ નિયંત્રણ સંબંધિત કાયદાઓ અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લામાં સંગ્રહખોરી, કાળાબજારી કે અન્ય કોઈ ગેરરીતિ આચરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં ખાંડના ભાવ વધારા રોકવા પુરવઠા તંત્રની તપાસ:જથ્થાબંધ વેપારીઓ, ગોડાઉનોમાં સ્ટોક મર્યાદા અને રેકોર્ડ ચકાસાયા
📅 Published: August 28, 2026 |
📂 Category: gujarati-news
