સેનાના એરક્રાફ્ટે સોમનાથ મંદિર પર પુષ્પવર્ષા કરી:ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની, ‘માઉન્ટેન ઈગલ્સ’ ટીમ 3,200 કિમીની ઉડાન ભરી ગુજરાતનાં સ્થળોને જોડશે

📅 Published: November 18, 2026 | 📂 Category: gujarati-news

બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે સવારના સમયે એક અનોખો અને આકર્ષક નજારો જોવા મળ્યો હતો. ભારતીય સેનાના સાહસિક હવાઈ અભિયાન ‘વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી એક્સપેડિશન’ અંતર્ગત વિવિધ એરક્રાફ્ટ દ્વારા સોમનાથ મંદિર ઉપરથી ફ્લાયપાસ્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આકાશમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પર પુષ્પવર્ષા કરી ભાવવંદના અર્પણ કરવામાં આવી હતી. આ પુષ્પવર્ષા સવારના સમયે મંદિર પરિસરમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પુષ્પવર્ષાએ સમગ્ર વાતાવરણને વિશેષ બનાવ્યું
પ્રભાસપાટણમાં આવેલા સોમનાથ મહાદેવનું મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, અડગ શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવનું પણ પ્રતીક છે. આવા પવિત્ર અને ઐતિહાસિક સ્થળ પર ભારતીય સેનાના હવાઈ અભિયાન દ્વારા કરવામાં આવેલી પુષ્પવર્ષાએ સમગ્ર વાતાવરણને વિશેષ બનાવ્યું હતું. એરક્રાફ્ટ આકાશમાં ઉડાન ભરી સોમનાથ મંદિર ઉપરથી પસાર થતાં અને પુષ્પવર્ષા કરતાં આ દૃશ્ય નિહાળનારાઓ માટે યાદગાર બની રહ્યું હતું. અભિયાનમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં સ્થળોનો સમાવેશ
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાની ‘માઉન્ટેન ઈગલ્સ’ ટીમ દ્વારા તા. 14 નવેમ્બર, 2026ના રોજ મધ્યપ્રદેશના મહુ ખાતેથી આશરે 3,200 કિલોમીટરની સફર ખેડવાના ઉદ્દેશ સાથે આ સાહસિક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી એક્સપેડિશન’ નામના આ અભિયાનમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં અનેક સાંસ્કૃતિક, ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતાં સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ અભિયાન કેશોદ થઈ જામનગર પહોંચશે
અભિયાનના નિર્ધારિત રૂટ મુજબ ટીમ અમરેલીથી દીવ, ત્યારબાદ ઐતિહાસિક સોમનાથ મંદિર અને કેશોદ થઈ જામનગર પહોંચશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પરથી ઉડાન ભરીને હાથ ધરવામાં આવતું આ હવાઈ અભિયાન ભારતીય સેનાની ઉડ્ડયન ક્ષમતા, સાહસિકતા અને શિસ્તનું પ્રદર્શન કરવાની સાથે દેશના વિવિધ વિસ્તારોની સાંસ્કૃતિક વિરાસતને જોડવાનું માધ્યમ પણ બની રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને સાહસની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવેલી પુષ્પવર્ષાએ ધાર્મિક શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવનો અનોખો સમન્વય સર્જ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *