‘ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ’ના ગઇકાલના એપિસોડમાં આપણે જોયું કે નવસારીના બિલીમોરાના એક જર્જરિત ઘરને તોડવાનું કામ ચાલુ હતું. આ દરમિયાન છતની મોભમાંથી રાજાશાહી વખતના સોનાના સિક્કાનો વરસાદ થયો! સિક્કાઓ જોઇને મકાન તોડવાનું કામ કરતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચાર મજૂરો અને કોન્ટ્રાક્ટરને લાલચ જાગી. તેમણે મકાન માલિક કે સરકારને જાણ કર્યા વગર સિક્કાઓ અંદરોઅંદર ભાગ પાડીને વહેંચી લીધા અને મકાનનું કામ છોડીને વતન જતાં રહ્યાં. વતન આવ્યા પછી સિક્કાની વહેંચણી મુદ્દે મજૂરો વચ્ચે ઝઘડો થયો અને વાત મધ્યપ્રદેશ પોલીસ સુધી પહોંચી ગઇ. હવે આ સિક્કાઓનું શું થાય છે, સરકારી તિજોરીમાં જાય છે કે પછી મકાનમાલિકના ઘરે તે જાણવા માટે આગળ વાંચો….
***
ઓગસ્ટ, 2023
મધ્ય પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બેજડા ગામે રહેતા મજૂરોના ઘરમાં સોનાના સિક્કા હોવાની વાતની ખબર પડતાં જ અલીરાજપુર પોલીસે ત્યાં દરોડા પાડ્યા.. મજૂરોનાં મકાન કાચાં હતાં એટલે ઘરમાં તિજોરી કે એવું તો કંઈ હોય નહીં, તેમણે ઘઉં-ચોખ્ખાના ડબ્બામાં સિક્કા સંતાડી દીધા હતા. પોલીસે આખા ઘરની તલાશી લીધી તો સિક્કા મળી આવ્યા. એકસાથે આટલા બધા સોનાના સિક્કા જોઈને પોલીસનું મન પણ લલચાઈ ગયું. તેઓ પણ ખાખીની ફરજ ભૂલી ગયા અને સિક્કાઓ ઉપરી અધિકારીને આપવાને બદલે સીધા પોતાની પાસે રાખી લીધા. તેમણે મજૂરોને ધમકાવ્યા ને પછી ત્યાંથી નીકળી ગયા. અલબત્ત, પોલીસ બધા સિક્કા લઈ ગઈ નહોતી. તેમની જાણ બહાર મજૂરો પાસે કેટલાક સિક્કા રહી ગયા હતા. સોનાના સિક્કાઓથી સપનાંઓ પૂરાં કરવાનું વિચારતા મજૂરોના હોઠ સુધી આવેલો પ્યાલો ઝૂંટવાઈ જતાં તેઓ ઘણા જ ગુસ્સે થયા. આ મજૂરોએ સોનાના સિક્કા લૂંટી જનાર પોલીસને બરોબરનો સબક શીખવવાનું નક્કી કર્યું. મજૂરોએ સ્થાનિક આગેવાનને આ અંગે જાણ કરી. સ્થાનિક આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની સલાહ આપી. આગેવાનોની વાત માનીને આ મજૂરોએ PI વિજય દેવરા, કોન્સ્ટેબલ રાકેશ દાવર, વીરેન્દ્ર દાવર અને સુરેશ ચૌહાણ એમ કુલ 4 પોલીસ કર્મચારીઓએ સોનાના સિક્કાની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ કરી. પોલીસ વિરુદ્ધ ફરિયાદ થતાં જ જિલ્લામાં હોબાળો મચી ગયો. પોલીસ કેવી રીતે લૂંટ ચલાવી શકે? સરકારે તાત્કાલિક SITની રચના કરી. આટલું જ નહીં, તેમણે ચારેય પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધા. પોલીસ કર્મીઓની ધરપકડ પણ કરવામાં આવી. આ બાજુ SITએ સોનાના સિક્કા આવ્યા ક્યાંથી તેની તપાસ શરૂ કરી. તપાસમાં આ સિક્કા ગુજરાતના નવસારીના જર્જરિત ઘરમાંથી નીકળ્યા હોવાની વાત સામે આવી. આ રીતે આ તપાસ મધ્ય પ્રદેશની પોલીસને ગુજરાતના બિલીમોરા સુધી લાવી. સામાન્ય રીતે એક રાજ્યની પોલીસ જ્યારે બીજા રાજ્યમાં તપાસ કરવા જાય તો જે-તે રાજ્યની પોલીસને આ અંગે જાણ કરતી હોય છે. મધ્ય પ્રદેશ પોલીસની ટીમે પણ બિલીમોરા પોલીસને આ અંગે જાણ કરી. તેમણે જે ઘરમાંથી સિક્કા મળ્યા હતા ત્યાં જઈને તપાસ કરવાની વાત કરી. હવે છેક બિલીમોરા પોલીસને આખા કાંડની જાણ થઈ! બિલીમોરા પોલીસે સૌ પહેલાં મકાનમાલિક એટલે કે લંડનમાં રહેતાં હવાબેનનો સીધો સંપર્ક કર્યો. તેમને ઘરમાંથી સિક્કા મળ્યા હોવાની વાત કહી. સિક્કાની વાત સાંભળીને તરત જ હવાબેન કોન્ટ્રાક્ટર સરફરાઝ પર રોષે ભરાયાં. પોલીસનો ફોન મૂકતાં જ તેમણે સીધો કોન્ટ્રાક્ટર સરફરાઝને કૉલ કર્યો. સરફરાઝને હજી સુધી પોલીસને સિક્કાની વાત ખબર પડી ગઈ છે તેની જાણ જ નહોતી. આ જ કારણે તેણે ફોનમાં ભળતો-સળતો જ જવાબ આપી દીધો. ફોન પર સરફરાઝના જવાબથી સંતોષ ન થતાં હવાબેનને લાગ્યું કે પોલીસ પાસે નક્કી આ અંગે કંઈક નક્કર માહિતી હશે, એટલે તેમણે તો લંડનથી જે પહેલી ફ્લાઇટ મળી તે પકડીને સીધા ગુજરાત આવી ગયાં. બિલીમોરા આવીને તેઓ સીધા સરફરાઝને મળ્યા. સરફરાઝ આ રીતે હવાબેનને બિલીમોરામાં જોતાં જ ડરી ગયો. પહેલાં તો તેણે ગોળ-ગોળ જવાબ આપ્યા, પરંતુ હવાબેને કડકાઈ કરી એટલે તેણે શરૂઆતમાં 300 જ સોનાના સિક્કા હોવાની વાત કરી. પોલીસની જેમ હવાબેન પૂછપરછ કરતાં જાય તેમ તેમ સરફરાઝ અલગ-અલગ આંકડો આપતો જાય. સરફરાઝ પાસેથી સાચો જવાબ ના મળતાં અંતે હવાબેને જ 21 ઓક્ટોબર, 2023ના રોજ બિલીમોરા પોલીસની મદદ લીધી. તેમણે સરફરાઝ વિરુદ્ધ ચોરી ને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી. હવે સોનાના સિક્કાની ફરિયાદ મધ્યપ્રદેશ ને ગુજરાત એમ બે રાજ્યમાં દાખલ થઈ. મધ્યપ્રદેશમાં તો પોલીસ ખુદ લૂંટમાં સંડોવાયેલી હતી એટલે આ કેસ વધુ ગંભીર હતો. આ જ કારણે નવસારીના તત્કાલીન પોલીસવડા સુશીલ અગ્રવાલે કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને સોંપી. PI દીપક કોરાટે તપાસ પોતાના હાથમાં લીધી. ફરિયાદ થયાના ગણતરીના કલાકોમાં જ LCBની 6 સભ્યોની એક ટીમ મધ્ય પ્રદેશના અલીરાજપુર જવા રવાના થઇ. આરોપીઓ ગામના ડુંગરાળ વિસ્તારમાં રહેતા હતા. જમીનથી ત્રણ કિલોમીટર ઉપર ચઢાણવાળા વિસ્તારમાં તેમનાં ઘર હતાં. મજૂરોને ખ્યાલ જ હતો કે પોલીસ ગમે ત્યારે તેમના ઘરે આવશે તે નક્કી છે. આ જ કારણે તેમણે પોલીસથી બચવા એક વ્યક્તિને ડુંગર પરથી સતત નજર રાખવાનું કહ્યું હતું. જો પોલીસ કે કોઈ અન્ય આવે તો તે જાણ કરે અને બીજા બધા સાવચેત થઈ જતા. LCBની ટીમે મધ્યપ્રદેશના એક પોલીસ કર્મચારી તેમજ લોકલ માણસને બાતમીદાર બનાવ્યો હતો. આ બંનેએ નવસારી પોલીસને પ્રાથમિક માહિતી આપી દીધી હતી. પોલીસને પણ આ લોકો ડુંગર પરથી દેખરેખ રાખતા હોવાની વાતનો અંદાજો પહેલેથી જ હતો, એટલે ગુજરાતના PSI સહિતના કર્મચારીઓએ સ્થાનિક લોકોનો વેશ ધારણ કર્યો. આ વેશમાં તેઓ મજૂરો પર નજર રાખતા. ગામમાં તે સમયે મોબાઇલ ટાવર હતા નહીં. આ જ કારણે ગુજરાત પોલીસે એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટે વોકી ટોકી રાખી હતી. થોડા દિવસ સુધી પોલીસ મજૂરોની દરેક હરકત પર નજર રાખી અને પછી એક દિવસ પોલીસે ત્રણેય આરોપીઓ સાથે એક સગીરને દબોચવાનો પ્લાન બનાવ્યો. સાંજનો સમય નક્કી કરવામાં આવ્યો. ડુંગરની ચારેય દિશામાંથી અલગ અલગ ટીમ ઉપર ચડી અને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપી રમકુના ઘરમાંથી 24 અને રાજુના ઘરમાંથી બીજા કેટલાક સિક્કાઓ મળી આવ્યા. પોલીસે આરોપીઓને ગુજરાત લાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડમાં ખૂલ્યું કે રાજુનો ભાઇ મુકેશ ભયડિયા સિક્કા મુદ્દે જાણતો હતો અને તેણે મધ્યપ્રદેશના એક સોનીને ત્યાં 41 સિક્કાઓ ગીરવે મૂકીને 5.81 લાખ રૂપિયા લીધા હતા. આ જ કારણે પછી પોલીસે મુકેશની પણ ધરપકડ કરી હતી. સિક્કા ગીરવે મૂકીને જે પૈસા આવ્યા તેમાંથી રાજુએ પાણીનો બોર કરાવ્યો હતો. ઉપરાંત ગર્ભવતી પત્ની બંજારીની વડોદરામાં પ્રસૂતિ કરાવી હતી. આ કેસમાં ગુજરાત પોલીસે મધ્યપ્રદેશના આરોપી પોલીસકર્મીઓ, જેની પાસે સિક્કા ગીરવે મુકાયા હતા તે સોની વેપારી અને મજૂરો પાસેથી કુલ 240 સિક્કા જપ્ત કર્યા હતા. આ સિક્કાની કિંમત ₹1.11 કરોડ જેટલી હતી. જે મજૂરો પકડાયા હતા તે અભણ હતા. પોલીસે જ્યારે તેમને સાદા સિક્કા ગણવા આપ્યા હતા ત્યારે તેઓ 30થી વધુ સિક્કાઓ ગણી શક્યા નહોતા. સિક્કાઓ વિશે વધુ જાણવા પોલીસે વડોદરા પુરાતત્ત્વ વિભાગને જાણ કરી હતી. પુરાતત્ત્વ વિભાગના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ આર. કે. સિંહની આગેવાનીમાં એક ટીમ બિલીમોરા આવી અને સિક્કાની તપાસ કરી હતી. આ ટીમે સોનાના આ સિક્કાઓ દુર્લભ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. દરમિયાન આ સિક્કા શાપિત હોવાની સ્થાનિકોમાં ચર્ચા ફેલાઇ હતી, કેમ કે સિક્કા મળ્યા બાદ તે જેની-જેની પાસે ગયા તે શાંતિથી રહી શક્યા નહોતા. સ્થાનિકો એવું માનતા કે 100 વર્ષ જૂના મકાનના મોભમાં તંત્ર-મંત્ર સાથે રક્ષાયેલા આ સિક્કાઓ જેણે પણ પચાવવાનો પ્રયાસ કર્યો તેની બરબાદી જ થઇ છે. સૌથી પહેલાં આ સિક્કા મજૂરો પાસે ગયા એટલે મજૂરો જેલની હવા ખાઇ રહ્યા છે. મજૂરો પાસેથી અલીરાજપુરના PI અને બીજા 3 પોલીસકર્મીઓએ સિક્કા લૂંટી લીધા હતા એટલે આ પોલીસકર્મીઓ પણ સસ્પેન્ડ થયા અને જેલમાં ગયા. આટલું જ નહીં, સોનાના આ સિક્કા રિકવર કરવા અલીરાજપુર ગયેલી ગુજરાત પોલીસને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઓપરેશન દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓની તબિયત બગડી હતી. અને એક પોલીસકર્મીને ઘરે પાછા મોકલવા પડ્યા હતા. આરોપી મહિલા રમકુના ઘરે જ્યારે ગુજરાત પોલીસ પહોંચી ત્યારે તેમને સાપનો ભેટો થઇ ગયો હતો. તપાસ દરમિયાન એકવાર પોલીસના વાહનનો અકસ્માત થતાં થતાં પણ રહી ગયો હતો. આ અંધશ્રદ્ધા અને ચર્ચાઓ વચ્ચે નવસારી LCBની ટીમે સાબિત કરી બતાવ્યું કે કાયદાના હાથ હંમેશાં લાંબા જ હોય છે. મજૂરો અને ભ્રષ્ટ પોલીસકર્મીઓની સંડોવણી ધરાવતા આ ગૂંચવણભર્યા કેસને ફક્ત 2 મહિનામાં ઉકેલી લીધો હતો અને ₹1.11 કરોડના સિક્કા રિકવર કર્યા હતા. તત્કાલીન DGPએ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડનારા PI દીપક કોરાટ, PSI વાય.જી.ગઢવી, PSI આર.એસ.ગોહિલ, ASI સુનિલસિંહ, દિગ્વિજયસિંહ, બાધરસિંહ અને LCB ટીમને 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરી હતી. આ સિક્કાઓ હાલમાં કોર્ટ કસ્ટડીમાં છે. હવે જોવાનું એ છે કે હવાબેનના નસીબમાં આ સિક્કા આવે છે કે નહીં!
આ પણ વાંચો
સોનાના શાપિત સિક્કાઓ, જેણે પણ હાથ લગાડ્યો, બરબાદ થઈ ગયા, કરોડોનો ખજાનો લઈ મજૂરો થયાં રફુચક્કર પાર્ટ-1
સોનાના શાપિત સિક્કાઓ, જેણે પણ હાથ લગાડ્યો, બરબાદ થઈ ગયા:ઘરમાં તંત્ર-મંત્ર કરીને છુપાવી દેવાયા હતા? મજૂરો જેલમાં, પોલીસ સસ્પેન્ડ ને મકાનમાલિક હજી પણ ખાલી હાથે
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
