સોના- ચાંદીના દાગીના ચમકાવતી ગેંગથી ચેતી જજો:રાજકોટમાં દાગીના ચમકાવવાનું કહી સોનુ ઓગાળી લેતા 2 શખ્સો ઝડપાયા, પુત્રની સમયસૂચકતાથી વૃદ્ધાનો સોનાનો ચેન બચી ગયો

📅 Published: October 19, 2026 | 📂 Category: gujarati-news

દિવાળીના તહેવારો નજીક છે ત્યારે કોઈ વ્યક્તિ તમારા ઘરે આવે અને કહે કે તમારા સોના – ચાંદીના દાગીના ચમકાવી દઈશું તો તેનાથી ચેતી જજો. કારણ કે રાજકોટ પોલીસે દાગીના ચમકાવવાની લાલચ આપી છેતરપિંડી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.ગત 17 ઓક્ટોબરના ખોખડદડ નદીના કાંઠે આવેલા હરિઓમ પાર્કમાં વયોવૃદ્ધા પોતાના ઘરે એકલા હતા ત્યારે નકુલ પંડિત અને પવન પંડિત નામના બે વ્યક્તિઓ ફિનાઈલ વેચવા માટે આવ્યા હતા અને તેમની પાસે સોનું ઘસી આપવાનું કેમિકલ હોવાની વાત કરી હતી. જોકે વૃદ્ધાએ પોતાના પુત્રને ફોન કરતા તેનો પુત્ર ચેતી ગયો હતો અને બંને વ્યક્તિઓને ત્યાં જ હાજર રાખવાનું કહી પોતે ત્યાં પહોંચી ગયો હતો અને પોલીસને પણ જાણ કરી દેતા બંને શખ્સો આજીડેમ પોલીસના હાથે પકડાઈ ગયા હતા. આ બંને શખ્સો કઈ રીતે લોકોને પોતાની ચુંગાલમાં ફસાવતા હતા તે અંગેનો ડેમો પણ પોલીસે આરોપીઓ પાસે કરાવ્યો હતો. પુત્રની સમયસૂચકતાના કારણે માતાનો સોનાનો ચેન બચી ગયો
ACP ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગૌરવભાઈ જોશીએ ફરિયાદ કરી હતી. જે મુજબ એમના ઘરે એમના માતાને સોનાની ચેઇન ધોઇ આપવાના બહાને આરોપી નકુલ પંડિત તેમજ પવન પંડિત સોનું ઘસી આપવાના નામે લિક્વિડ નાખીને એની સાથે વિશ્વાસઘાત કરવાના હતા પરંતુ પુત્રની સમયસૂચકતાના કારણે વૃદ્ધાનો 8.5 ગામનો સોનાનો ચેન બચી ગયો હતો. આ બાબતે બંને શખસો સામે BNS 318(4) તથા 62 મુજબનો છેતરપિંડીની કોશિશનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. લોકોને એ જ અપીલ છે કે આવી ભ્રામક વાતો કરવાવાળા શખ્સોથી ચેતવું જોઈએ એને પ્રોત્સાહન આપવાને બદલે અવોઈડ કરવા જોઈએ. શું હતી મોડેસ ઓપરેન્ડી?
આજીડેમ પોલીસ મથકના PI એચ. એન. પટેલે જણાવ્યું હતું કે, એક વયોવૃદ્ધ મહિલાના સોના-ચાંદીના દાગીના કેમિકલમાં કેટલોક ભાગ ઓગાળી અને લઈ જવાની મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતા આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે અને તેઓને પકડવામાં આવ્યા છે. નજીકના સમયમાં દિવાળીના તહેવારની સીઝન છે ત્યારે આવી મોડસ ઓપરેન્ડી સાથે સંકળાયેલા આરોપીઓ લોકોને સોના ચાંદીના દાગીના ચમકાવવાની લાલચ આપી અને તેમનું સોનું ઓગાળી છેતરપિંડી કરી રહ્યા છે. આ શખ્સો લોકોના ઘરે જઈને તેમને એવું કહેતા હતા કે તમારા દાગીનાને જો કાટ લાગ્યો હોય અથવા તો કાળા પડી ગયા હોય કે મેલ ચોંટે હોય તો અમે અમારી પાસે જે કેમિકલ છે એમાં ધોઈ અને આ દાગીના તમને ચોખ્ખા કરી આપીશું. જે બાદ તેઓ વ્યક્તિના દાગીના લઈ અને તેમની પાસે રહેલા કેમિકલમાં પ્રોસેસ કરતા એટલે કેમિકલમાં દાગીનાનો કેટલોક ભાગ ઓગળી જતો હતો અને આ રીતે તેઓ લોકો સાથે છેતરપિંડી કરતા હતા. આ પ્રકારના શખ્સો કોઈના ઘરે આવે તો તેમાં લલચાઈ જવાને બદલે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ,રાજકોટના ખોખડદડ નદીના કાંઠે આવેલા હરિઓમ પાર્કમાં સોનાના દાગીના કેમિકલથી ધોઈ આપવાના બહાને ઠગાઈ કરવાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. જોકે, પુત્રની સમયસૂચકતાને કારણે માતાનો આશરે 8.5 ગ્રામનો સોનાનો ચેન બચી ગયો હતો. બનાવ અંગે બે શખ્સોને પોલીસને સોંપવામાં આવતાં પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની વિગતો મુજબ, ગત તા.17 ઓક્ટોબરના સવારે 10 વાગ્યે હરિઓમ પાર્કમાં રહેતા અને ભક્તિનગર જીઆઇડીસીમાં કારખાનામાં મજૂરીકામ કરતા ગૌરવભાઈ જોશીની માતા જયશ્રીબેન ઘરે હતાં ત્યારે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. બંનેએ ફિનાઈલ લેવાનું કહી વાતચીત શરૂ કરી હતી અને તેમની પાસે સોનાના ઘરેણાં સાફ કરી આપવાનું કેમિકલ હોવાનું જણાવી સોનાનો ચેન ધોઈ આપવાની વાત કરી હતી. જેથી જયશ્રીબેને આશરે 8.5 ગ્રામનો સોનાનો ચેન સાફ કરવા માટે આપ્યો હતો. જે દરમિયાન માતાએ પુત્ર ગૌરવભાઈને ફોન કરીને જાણ કરતાં તેમને બંને શખ્સો ઠગાઈ કરવા આવ્યા હોવાની શંકા ગઈ હતી. જેથી તેમણે તાત્કાલિક માતાને ચેન પરત લઈ લેવા જણાવ્યું હતું. માતાએ ચેન પરત મેળવી બંને શખ્સોને ઘર પાસે જ રોકી રાખ્યા હતા. ત્યારબાદ ગૌરવભાઈ ઘરે પહોંચ્યા અને 112ની મદદથી બંનેને પોલીસ સમક્ષ લઈ ગયા હતા. પોલીસ સમક્ષ બંને શખ્સોએ પોતાના નામ નકુલ શશીભૂષણ પંડિત અને પવન ઓનાય પંડિત હોવાનું જણાવ્યું હતું. બંને નડિયાદના સંતરામ મંદિર પાસે રહેતા અને મૂળ બિહારના હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સોનાના દાગીના સાફ કરી આપવાના બહાને કેમિકલમાં ઓગાળી ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *