પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે યોજાયેલો શ્રાવણ ઉત્સવ માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરતો સીમિત નથી, પરંતુ મહિલા સશક્તિકરણ અને સ્થાનિક કારીગરીને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ મંચ પણ બન્યો છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ મહિલા સ્વસહાય જૂથોની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા આ ઉત્સવનું આયોજન કરાયું છે. આ શ્રાવણ ઉત્સવમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી સખીમંડળની બહેનોને તેમના હસ્તનિર્મિત અને સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે ઉત્તમ તક મળી છે. સોમનાથ દર્શનાર્થે આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પર્યટકો ‘વોકલ ફોર લોકલ’ની ભાવનાને સાકાર કરીને આ ઉત્પાદનોની ખરીદી દ્વારા બહેનોને પ્રોત્સાહન આપી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના રાધે સખીમંડળ સાથે જોડાયેલા દિયાબહેન પટેલ તેમની માતા સુધાબહેન સાથે લિંપણ કળાની આકર્ષક કૃતિઓ તૈયાર કરે છે. તેમના સ્ટોલ પર બહેન-મોર, ગૌપ્રતિકૃતિ, આભલાવર્ક, કાન-ગોપી, કૃષ્ણ-જશોદા, ગણપતિ દાદા સહિતના પૌરાણિક ચિત્રો અને કલાત્મક કૃતિઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત કી-સ્ટેન્ડ, મેગ્નેટ, કિચન ડેકોર, હેંગિંગ ડેકોરેશન અને થ્રી-ડી વર્કની વિવિધ વસ્તુઓ પણ વેચાણ માટે છે. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બેડિયા ગામના ભૂમિકા મિશન મંગલમ સાથે જોડાયેલા જયશ્રીબહેન જાલોંધ્રાએ જણાવ્યું કે, આવા મેળાઓ મહિલાઓ દ્વારા ઉત્પાદિત સ્થાનિક વસ્તુઓને વ્યાપક બજાર પૂરું પાડે છે. તેમના સખીમંડળમાં ૧૦થી વધુ બહેનો કાર્યરત છે, જેમાં વિધવા, દિવ્યાંગ અને બહાર જઈને કામ ન કરી શકતી મહિલાઓને પણ રોજગારી તથા આવકનું સાધન મળ્યું છે. આ મંડળ દ્વારા ભગવાનના વસ્ત્રો, હોમ ડેકોરેશનની વસ્તુઓ અને વિવિધ પ્રદેશોની ઓળખ દર્શાવતા પરંપરાગત પહેરવેશનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ દ્વારા પરંપરાગત કાપડકળા અને ભાતીગળ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. આ ઉત્પાદનોના વેચાણથી બહેનોને દર મહિને રૂ. ૧૦થી ૧૫ હજાર સુધીની આવક પ્રાપ્ત થઈ રહી છે. મહિલા કારીગરોએ માલસામાનની સુરક્ષા, દેખરેખ તેમજ રહેવા-જમવા સહિતની સુવિધાઓ પૂરી પાડવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સોમનાથ ખાતે યોજાયેલો આ શ્રાવણ ઉત્સવ સ્થાનિક કળા, મહિલા ઉદ્યોગસાહસિકતા અને આત્મનિર્ભરતાને નવી દિશા આપતું મંચ સાબિત થયો છે.
સોમનાથના શ્રાવણ ઉત્સવે મહિલાઓના કસબને આપ્યું વ્યાપક બજાર:સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન, સ્વસહાય જૂથની બહેનો બની આત્મનિર્ભર
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
