પવિત્ર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની બીજ નિમિત્તે સોમનાથ મહાદેવના પવિત્ર જ્યોતિર્લિંગ પર વિશેષ સૂર્ય દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. આ શૃંગાર સૂર્યદેવની પ્રતિકૃતિ સાથે વિવિધ રંગબેરંગી પુષ્પો અને હારથી સુશોભિત કરાયો હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગને સૂર્યદેવની પ્રતિકૃતિ સાથે ગુલાબ, ગલગોટા સહિતના વિવિધ પુષ્પો અને સુંદર હારોથી વિશેષ રીતે સુશોભિત કરાયું હતું. ભક્તોએ આ દિવ્ય શૃંગારના દર્શન કર્યા હતા. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્યદેવને પ્રકાશ અને ઊર્જાના દેવતા તરીકે પૂજવામાં આવે છે. અથર્વવેદ અને સૂર્યોપનિષદમાં પણ સૂર્યના મહિમાનું વિશેષ વર્ણન છે. ગ્રંથોમાં સૂર્યને પરબ્રહ્મ સ્વરૂપ માનવામાં આવ્યા છે. સૂર્યની ઊર્જા સમગ્ર સૃષ્ટિના જીવનચક્રને ગતિ આપે છે અને જીવનમાં ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન તથા વૈરાગ્ય પ્રદાન કરનાર શક્તિ તરીકે તેમની આરાધના થાય છે. ભગવાન સૂર્ય પંચદેવોમાંના એક દેવ તરીકે વિશેષ સ્થાન ધરાવે છે. ભગવાન શિવને સંહાર, વિસર્જન અને નવસર્જનના દેવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશ અને ઊર્જાનું પ્રતીક સૂર્યદેવ તથા સર્જન-વિસર્જનના ચક્રનું પ્રતિનિધિત્વ કરતા ભગવાન શિવનું આ આધ્યાત્મિક સંયોજન બ્રહ્માંડના સંતુલન અને જીવનના અવિરત ચક્રનો સંદેશ આપે છે. ધાર્મિક અને ઐતિહાસિક સંદર્ભો અનુસાર, પ્રાચીન કાળમાં પવિત્ર પ્રભાસ ક્ષેત્ર સૂર્ય ઉપાસનાનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. પ્રભાસ વિસ્તારમાં બિરાજમાન 12 સૂર્યમંદિરોની સ્મૃતિને ઉજાગર કરતો આ સૂર્ય દર્શન શૃંગાર શ્રાવણ માસ દરમિયાન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શ્રાવણ માસમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવે છે. કૃષ્ણ પક્ષની બીજના પાવન દિવસે કરાયેલા સૂર્ય દર્શન શૃંગારના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દિવ્ય સાનિધ્યનો લાભ લીધો હતો.
સોમનાથ મહાદેવને સૂર્યદર્શન શૃંગાર કરાયો:પ્રાચીન પ્રભાસ ક્ષેત્રના 12 સૂર્યમંદિરોની સ્મૃતિ કરાવતો અલૌકિક શૃંગાર
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
