સો.મીડિયાથી રોજગારી મેળવવા જતાં મહિલાએ ₹5.11 લાખ ગુમાવ્યા:જાણીતી કંપનીની જાહેરત પર ક્લિક કરતા ટેલિગ્રામ ખુલ્યું, નાની રકમનું વળતર આપી ગઠિયાએ રૂપિયા પડાવ્યા

📅 Published: October 24, 2026 | 📂 Category: gujarati-news

જો તમે સોશિયલ મીડિયા મારફત રોજગારી મેળવવા જશો તો રૂપિયા ગુમાવવા પડશે કારણ કે રાજકોટની મહિલાએ જાણીતી કંપનીના લોગા વાળી જાહેરાત પરથી ટાસ્ક પુરા કરવાં જતાં રૂપિયા 5.11 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મહિલાએ ઇન્સ્ટાગ્રામમાં આવેલ જાહેરાત પર ક્લિક કરતાં ટેલિગ્રામમાં લિંક ખુલી હતી, જેમાં શરૂઆતમાં નાની રકમનું વળતર આપી સાયબર ગઠિયાએ લાખો રૂપિયા પડાવી લીધા હતા. ‘વર્ક ફ્રોમ હોમ’થી કમાણી કરવાની જાહેરાત પર ક્લિક કરી
ફરિયાદી પ્રીમાબેન રામાણીએ જણાવ્યું હતું કે, ગત તા. 17 ઓગસ્ટ, 2026ના રોજ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ વાપરી રહ્યા હતા ત્યારે ‘મીંત્રા’ના નામ હેઠળ ઓર્ડરના ટાસ્ક પૂરા કરી ‘વર્ક ફ્રોમ હોમ’થી કમાણી કરવાની એક જાહેરાત જોઈ હતી. તેમણે જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કરતા તે ટેલિગ્રામ ચેનલ પર ખૂલી હતી. ત્યારબાદ તેમને https://mybikt.com લિંક દ્વારા પોતાના મોબાઈલમાં એક અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આઈડી બનાવડાવવામાં આવ્યું હતું. નાની રકમનું વળતર આપી ગઠિયાએ મોટી રકમ પડાવી
શરૂઆતમાં આ એપ્લિકેશનમાં જોડાવા અને પ્રથમ ટાસ્ક માટે રૂ.100 જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું, જેની સામે નફા સાથે રૂ.247 પરત મળ્યા હતા. ત્યારબાદ બીજા ટાસ્કમાં રૂ.2400 જમા કરાવતા રૂ.3863 ખાતામાં ક્રેડિટ થયા હતા. આ રીતે નફો ખાતામાં જમા થતાં મહિલાને એપ્લિકેશન અને સ્કીમ પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો. વિશ્વાસ કેળવ્યા બાદ ત્રીજો ટાસ્ક આપ્યો હતો જેમાં 9 મુખ્ય અને 54 પેટા ટાસ્ક પૂર્ણ કરવાના હતા. દરેક ટાસ્કમાં વધુ અને ડબલ રકમ જમા કરાવવાની લાલચ આપવામાં આવી હતી જેથી મહિલાએ તા.20 ઓગસ્ટ, 2026 થી 22 ઓગસ્ટ, 2026 દરમિયાન એરટેલ પેમેન્ટ્સ બેંક, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, એસબીઆઈ અને અન્ય બેંક ખાતાઓમાં કટકે-કટકે કુલ રૂ.5,11,836 ટ્રાન્સફર કરી દીધા હતા. ‘તમારું એકાઉન્ટ ફ્રીઝ થયું છે’ કહી વધુ રૂપિયા માંગ્યા
​તમામ ટાસ્ક પૂરા થતાં એપ્લિકેશનમાં નફા સાથે કુલ રૂ.13,52,807ની રકમ બતાવતી હતી. જો કે મહિલાએ આ રકમ ઉપાડવા રીક્વેસ્ટ નાખી, ત્યારે ‘તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે’ તેમ કહી રકમના 20% વધુ નાણાં ભરવા જણાવાયું હતું જેના કારણે પોતાને છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે BNSની કલમ 318(4) અને આઇટી એક્ટ 66(ડી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *