જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન અપૂરતા અને અનિયમિત વરસાદના કારણે સમગ્ર ખેતી અને પશુપાલન ક્ષેત્ર પર ભારે સંકટ વાદળો ઘેરાયા છે. ઓગસ્ટ માસમાં સતત 28 દિવસ સુધી વરસાદ ન પડવાના કારણે ખેડૂતોએ વાવેલો પાક બળી રહ્યો છે અને ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘ – જૂનાગઢના પ્રમુખ રાજુભાઈ બુહા અને મંત્રી વિનુભાઈ બારિયાની આગેવાની ખેડૂતોએ જૂનાગઢ કલેક્ટરને રાજ્યના કૃષિમંત્રીને સંબોધિત આવેદનપત્ર પાઠવ્યું હતું. આ રજૂઆતમાં જૂનાગઢ જિલ્લાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે સૌની યોજનાનું પાણી જૂનાગઢના ડેમોમાં પહોંચાડવાની પ્રબળ માંગ કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રવક્તા મનસુખ પટોડીયાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ માસમાં 28 દિવસથી વધુ સમયથી વરસાદ ખેંચાતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની આરે પહોંચ્યો છે. ગુજરાત સરકારના 10 ઓગસ્ટ 2020ના ઠરાવ મુજબ જો સીઝનમાં 10 ઇંચથી ઓછો વરસાદ થાય અથવા 31 ઓગસ્ટ સુધીમાં સતત 4 અઠવાડિયા એટલે કે 28 દિવસ વરસાદ ન પડે, તો તેને અનાવૃષ્ટિ કે દુષ્કાળની સ્થિતિ ગણવામાં આવે છે.જૂનાગઢના તમામ તાલુકાઓમાં છેલ્લા એક મહિનાથી શૂન્ય મિલીમીટર વરસાદ નોંધાયો હોવાથી સરકારે તાત્કાલિક દરખાસ્ત કરીને આ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારે ભૂતકાળમાં વાતો કરી હોવા છતાં જૂનાગઢ જિલ્લાના ડેમોમાં સૌની યોજનાનું પાણી હજુ સુધી પહોંચાડવામાં આવ્યું નથી. જો તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો નાછૂટકે ખેડૂતોએ ખેતર છોડી રોડ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ખેતીની સાથે સાથે પશુપાલકોની સ્થિતિ પણ અત્યંત દયનીય બની છે. જામવાડી ગામના ખેડૂત અને પશુપાલક ભગવનજીભાઈ ભૂતે જણાવ્યું હતું કે પાકમાં ઉપરથી લીલોતરી દેખાય છે પણ નીચે જીંડવા કે અન્ય ફળ બેઠા નથી. વરસાદના અભાવે ઘાસચારા અને પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. પશુઓને પૂરતો ચારો ન મળવાને કારણે દૂધ ઉત્પાદનમાં અડધોઅડધ ઘટાડો નોંધાયો છે, જેના કારણે દૈનિક 400 લીટર દૂધ આવતું હતું ત્યાં હવે માત્ર 200 લીટર દૂધ થઈ ગયું છે. આ પરિસ્થિતિમાં પશુધનને બચાવવા માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા સાથે ખાણદાણમાં સબસીડી જાહેર કરવા માંગ કરવામાં આવી છે. કિસાન સંઘ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં મુખ્યમંત્રી સહાય યોજના અને પાક વીમા યોજનાનો તાત્કાલિક લાભ ખેડૂતોને આપવા, વીજળી અને આર્થિક રાહતો પૂરી પાડવા વિનંતી કરાઈ છે. જૂનાગઢ જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર હોવાથી ગ્રામ્ય અર્થતંત્ર ભાંગી ન પડે તે માટે યુદ્ધના ધોરણે અહેવાલ તૈયાર કરી સરકારમાં મોકલવા કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે. આ આવેદનપત્રની નકલ રાજ્યના મુખ્યમંત્રી, જૂનાગઢના પ્રભારી મંત્રી, જૂનાગઢ અને પોરબંદરના સાંસદો તેમજ કેશોદ, માંગરોળ, માણાવદર, જૂનાગઢ અને વિસાવદરના ધારાસભ્યોને પણ જાણ અને તાકીદની કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે.
સૌની યોજનાના પાણી અને દુષ્કાળ જાહેર કરવા ખેડૂતોની માંગ:અભાવે પાક નિષ્ફળ જવાની ભીતિ,સૌની યોજનાનું પાણી નહીં મળે તો ખેડૂતો ખેતર છોડી રોડ પર ઉતરશે,ખેડૂતની વ્યથા,'ઉપર લીલોતરી પણ નીચે જીંડવા નથી'
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
