સ્માર્ટ સિટી સુરતની કડવી વાસ્તવિકતા:પાણી સમિતિના ચેરમેનના વિસ્તારમાં જળ સંકટ, રૂંઢના સુમન મલ્હાર-2ના રહીશો 3 વર્ષથી પાણી માટે વલખાં મારવા મજબૂર

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અને વિકાસના બણગાં ભલે ફૂંકવામાં આવતા હોય, પરંતુ વાસ્તવિકતા અત્યંત કડવી અને દયનીય છે. સુરતના રૂંઢ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરાયેલા ‘સુમન મલ્હાર-2’ આવાસમાં રહેતા સેંકડો પરિવારો છેલ્લા ત્રણ વર્ષથી ગંભીર પાણીની તંગી સામે ઝઝૂમી રહ્યા છે. સૌથી શરમજનક અને ચોંકાવનારી બાબત તો એ છે કે જે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર પોતે સુરત મનપાની ‘પાણી સમિતિના ચેરમેન’ છે, એ જ વિસ્તારના લોકો આજે પાણી માટે વલખાં મારી રહ્યા છે. આવાસોમાં પીવાનું કે વાપરવાનું પાણી પૂરતું મળતું નથી
અહીં વર્ષ 2022માં લોકોને સરકારી આવાસના મકાનો ફાળવવામાં આવ્યા હતા. કુલ 560 ફ્લેટ્સ પૈકી ખાસ કરીને C, D અને E વિંગમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. 24 કલાક પાણી આપવાના દાવા અને વચનો સાથે ફાળવાયેલા આ આવાસોમાં આજે પીવાનું કે વાપરવાનું પાણી પણ પૂરતું મળતું નથી. લોકોનો આક્ષેપ છે કે, જ્યારથી તેઓ રહેવા આવ્યા છે, ત્યારથી આ જ યાતના ભોગવી રહ્યા છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર હજુ સુધી સમસ્યાનું સમાધાન થયું નથી. ‘અમારે મોંઘા ભાવના ટેન્કરો મંગાવવા પડે છે’
સ્થાનિક રહીશ કિસને જણાવ્યું હતું કે, સોસાયટીમાં 560 ફ્લેટ છે અને ત્રણ બિલ્ડિંગમાં તો સાવ પાણી જ નથી આવતું. પાલિકા કહે છે કે, 3 કલાક પાણી આપીએ છીએ, પણ એ પાણી તૂટક-તૂટક આવે છે અને પૂરતો જથ્થો મળતો નથી. અમારે મોંઘા ભાવના ટેન્કરો મંગાવવા પડે છે. પાણી ન આવવાને કારણે મોટરો બળી જાય છે અને ખર્ચા વધી ગયા છે. મોટા અધિકારીઓ અને કોર્પોરેટરને વારંવાર લેખિત-મૌખિક રજૂઆતો કરી છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. સોસાયટીમાં અંદરોઅંદર ઝઘડા થાય છે. જો અમને નવી લાઇન નહીં અપાય અને સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો અમે છેક ગાંધીનગર સુધી જઈ આંદોલન કરવા તૈયાર છીએ. ‘અધિકારીઓ જોવા આવે ત્યારે બે દિવસ સરખુ પાણી આવે’
સ્થાનિક રહીશ વિભૂતિ રેડ્ડીએ જણાવ્યું હતું કે, અમને સરકારે મકાન આપ્યા પણ પાણી નથી આપ્યું. 24 કલાક પાણી મળશે એવા વાયદા કર્યા હતા. અમે મધ્યમ વર્ગના માણસો રોજ-રોજ ટેન્કરના રૂપિયા ક્યાંથી લાવીએ? કોઈક વાર આખો દિવસ પાણી નથી હોતું. જ્યારે ફરિયાદ કરીએ ત્યારે અધિકારીઓ જોવા આવે, બે દિવસ ટેન્કર મોકલે કે પાણી સરખું આવે અને પછી ત્રીજા દિવસે પાછી એ જ હાલત! અધિકારીઓ ફક્ત તમાશો જોવા આવે છે, કાયમી ઉકેલ કોઈ લાવતું નથી. ‘અમે નોકરી-ધંધા કરવા જઈએ કે પાણી માટે બેસી રહીએ?’
સ્થાનિક રહીશ ઝંખના મહેતાએ જણાવ્યું હતું કે, અમે ઘરકામ અને નોકરી-ધંધા કરવા જઈએ કે અહીં પાણી માટે બેસી રહીએ? પાણી ન હોવાને કારણે નોકરીએ મોડા પહોંચીએ છીએ કે રજાઓ રાખવી પડે છે, જેનાથી અમારી રોજી કપાય છે. અધિકારીઓ આવે છે, જોઈને ચાલ્યા જાય છે, પણ પાણી પાછું બંધ થઈ જાય છે. જો અમારી 24 કલાક પાણીની માંગણી નહીં સંતોષાય તો અમે ગાંધીનગર સુધી રજૂઆત કરવા જવાના છીએ. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે નવી પાઇપલાઇન નાખી નિયમિત પાણી પુરવઠો શરૂ નહીં કરાય, તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. પાણી સમિતિના ચેરમેન પોતાના જ આંગણે લોકોને પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યા હોવાથી શાસકો સામે પ્રજામાં ભારે ફિટકાર વરસી રહ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *