સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં અગ્રેસર રહેતા અને ‘સ્માર્ટ સિટી’ તરીકે ઓળખાતા સુરત શહેરના હૃદયસમા ચોક બજાર વિસ્તારમાંથી એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. શહેરની ઐતિહાસિક ઓળખ અને ગૌરવ સમાન સુરતના ઐતિહાસિક કિલ્લા (સુરત ફોર્ટ) પરિસરમાં જ ભારે ગંદકી અને બેદરકારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખોલતી આ સ્થિતિ હાલ સ્થાનિકો અને મુલાકાતીઓમાં ભારે ચર્ચાનો વિષય બની છે. પર્યટન સ્થળ પાસે ગંદકીના પાણીથી તળાવ
કિલ્લાની લગોલગ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ત્યાં પાણી ભરાઈ ગયું છે, જેના લીધે આખો વિસ્તાર જાણે ગંદા પાણીના તળાવમાં ફેરવાઈ ગયો છે. આ ભરાયેલા પાણીમાં લીલ જામી ગઈ છે અને કચરાના ઢગલાને કારણે પારાવાર દુર્ગંધ ફેલાઈ રહી છે. આટલા મહત્વપૂર્ણ પર્યટન સ્થળ પાસે જ સર્જાયેલી આ અસ્વચ્છતા તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે. મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ
સુરતનો આ કિલ્લો ઐતિહાસિક મહત્વ ધરાવતો હોવાથી શહેર તેમજ આસપાસના વિસ્તારોની શાળાઓમાંથી દરરોજ સેંકડો વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અને મુલાકાત અર્થે અહીં આવે છે. ગંદકી અને દૂષિત પાણીના વિશાળ ભરાવાને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. આવી સ્થિતિમાં અહીં આવતા હજારો નિર્દોષ બાળકોના જીવ અને આરોગ્ય જોખમમાં મુકાયા છે. દવાનો છંટકાવ કરીને સફાઈ કરવા માગ
એક તરફ સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, ત્યારે શહેરના મુખ્ય ઐતિહાસિક સ્મારક પાસે જ ફેલાયેલી આ ગંદકી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે. રોગચાળો વકરે તે પહેલાં પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીનો નિકાલ કરે અને વિસ્તારમાં દવાનો છંટકાવ કરી સંપૂર્ણ સફાઈ હાથ ધરે તેવી જાગૃત નાગરિકો અને વાલીઓ તરફથી ઉગ્ર માંગ ઉઠી છે.
સ્વચ્છતામાં નંબર વન સ્માર્ટ સિટીના ઐતિહાસિક કિલ્લા પાસે ગંદકીના ગંજ:લીલવાળા પાણીના ખાબોચિયાથી ડેન્ગ્યુ-મેલેરિયાનો ભય, મુલાકાતે આવતા હજારો શાળાના બાળકોનું આરોગ્ય જોખમમાં
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
