જૂનાગઢના પ્રવાસે પધારેલા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ તથા સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે શહેરના કાળવા ચોક ખાતે મહિલા પોલીસ ચોકી પાસે સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન તેમણે સક્કરબાગ ઝૂની પણ મુલાકાત લીધી હતી અને રસ્તા પર ચાની ચુસ્કી પણ માણી હતી. આ ઉપરાંત, કડિયાવાડના વેપારીઓ અને મહિલાઓ દ્વારા સ્થાનિક નેતાઓ રજૂઆત ન સાંભળતા વિવિધ પ્રશ્નોને લઈ મંત્રીને રજૂઆત કરાઈ હતી. પેલા ઘણા સમયથી કડિયાવાડ વિસ્તારમાં રોડ રસ્તા ગટરને લઈ અનેક વખત સ્થાનિકોએ જૂનાગઢ મહાનગરપાલિકાના નેતાઓ અને ધારાસભ્યને રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા અંતે રાજ્યના મંત્રીને રજૂઆત કરી હતી.જેને લઈને વનમંત્રીએ સ્થળ પર જ કમિશનરને યોગ્ય સૂચનાઓ આપી હતી. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, દેશભરમાં સ્વચ્છતાના કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં પણ આ કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકાના ચૂંટાયેલા લોકો, વહીવટી તંત્ર તેમજ એનજીઓ અને સફાઈ કામદારોએ ભેગા મળીને સ્વચ્છતાનો કાર્યક્રમ કર્યો છે. આ સ્વચ્છતાનો કાર્યક્રમ માત્ર શ્રમદાન નથી, પરંતુ કાયમ માટે આપણા નગરને સ્વચ્છ રાખનાર સફાઈ કામદારોની કામગીરીને બિરદાવવા લાયક છે. લોકોની રહેણીકરણી સ્વચ્છ બને તે માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને પક્ષ સહયોગ કરી રહ્યા છે અને આવતીકાલે 2 ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ હોય તેની પૂર્વસંધ્યાએ આ કાર્યક્રમ યોજાયો છે. 3 ઓક્ટોબરથી સાસણ સિંહ દર્શન શરૂ થવાની ચર્ચા અંગે મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે, અગાઉ અર્જુન મોઢવાડિયાએ આ અંગે નિવેદન આપ્યું હતું, પરંતુ સિંહ દર્શન શરૂ થવાની વાત હજુ વિચારાધીન છે. આ અંગે હજુ ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવાયો નથી અને રાજ્ય સરકાર દ્વારા નીચેથી રિપોર્ટ આવ્યા બાદ જ યોગ્ય પગલાં લેવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માનવ-પ્રાણી સંઘર્ષ ન થાય તે આપણી જવાબદારી છે, કારણ કે લોકો તેનાથી ટેવાઈ જતા હોય છે અને જંગલ વિસ્તારની આસપાસ સાવચેતી રાખવા માટે વન વિભાગ દ્વારા જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. ગિરનારની અંદર સ્વચ્છતા અભિયાન અંગે વાત કરતા વનમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે આ મુદ્દો વ્યક્તિગત ક્રાંતિ લાવવાનો છે. કચરો કરનાર કોણ અને કચરો સાફ કરનાર કોણ? તે અંગે સફાઈ કામદારોનો આભાર માનવો જોઈએ કે તેઓ રોજેરોજ કચરો વાળીને સફાઈ કરે છે. જો આપણે સ્વચ્છતાને આપણી ટેવ બનાવી દઈએ, તો આપણું સ્વચ્છ નગર બનવાનું સપનું ચોક્કસ સાકાર થશે, અને આ માટે તેમણે મીડિયાના માધ્યમથી લોકોના વ્યવહારમાં બદલાવ લાવવા સહયોગ આપવા ખાસ અનુરોધ કર્યો હતો.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન.:જૂનાગઢ પ્રવાસે આવેલા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ કાળવા ચોક ખાતે શ્રમદાન,સ્થાનિક નેતાઓ રજૂઆત ન સાંભળતા મહિલાઓએ કરી મંત્રીને રજૂઆત.
📅 Published: October 1, 2026 |
📂 Category: gujarati-news
