સ્વર્ગનું સપનું બતાવીને 190 બાળકોને ભૂખે માર્યા:કેન્યામાં ધર્મગુરુ દોષિત જાહેર; જંગલમાંથી 400થી વધુ મૃતદેહો મળ્યા

📅 Published: October 21, 2026 | 📂 Category: International

કેન્યામાં ધર્મના નામે બાળકોને ભૂખ્યાં રાખીને મારી નાખવાના મામલામાં ધર્મગુરુ પૉલ મેકેન્ઝી અને તેના લગભગ 30 સાથીઓને દોષિત ઠેરવ્યા છે. રૉયટર્સના જણાવ્યા અનુસાર, મેકેન્ઝીએ લોકોને કહ્યું હતું કે દુનિયા ખતમ થાય તે પહેલાં ભૂખ્યા રહેવાથી તેઓ સ્વર્ગમાં પહોંચી જશે. આ મામલામાં 190 બાળકો અને એક પુખ્ત વયના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. હવે 6 નવેમ્બરે સજા સંભળાવવામાં આવશે. મેકેન્ઝી જે શાકાહોલા જંગલમાં રહેતો હતો, ત્યાં પોલીસને સામૂહિક કબરોની માહિતી મળી હતી. ત્યાર બાદ મૃતદેહો બહાર કાઢવાનું કામ શરૂ થયું. અત્યાર સુધીમાં અહીં 400થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. સોમવારે અદાલતે 191 મોતના મામલામાં ચુકાદો સંભળાવ્યો, જ્યારે બાકીનાં મોતની તપાસ હજુ ચાલુ છે. ઈસાઈ ધર્મના નામે અલગ જૂથ ચલાવતો હતો મેકેન્ઝી સરકારી વકીલો મુજબ, મેકેન્ઝી ગુડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચ દ્વારા ઈસાઈ ધર્મના નામે એક એવું જૂથ ચલાવતો હતો, જે દુનિયાના અંતની વાત કરતું હતું. રોયટર્સ મુજબ, તેણે લોકોને ભૂખ્યા રાખીને મારવાની યોજના ત્રણ તબક્કામાં બનાવી હતી. આ મામલે મેકેન્ઝીએ હત્યાના આરોપોને નકારી કાઢ્યા. તેણે કહ્યું કે તેણે કોઈને ભૂખ્યા રહેવા માટે મજબૂર કર્યા ન હતા. જોકે, અદાલતે તેની દલીલ સ્વીકારી નહીં. કસ્ટડીમાં રહેતા 52 લોકોના મોતનો આદેશ આપ્યો આ મામલો માર્ચ 2023માં પ્રકાશમાં આવવા લાગ્યો. તે સમયે એક સ્થાનિક વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે તેના ભાઈ અને ભાભીએ મેકેન્ઝીના આદેશ પર જંગલમાં પોતાનાં બાળકોને ભૂખ્યા રાખીને મારી નાખ્યાં હતાં. ત્યારબાદ મેકેન્ઝીની ધરપકડ કરવામાં આવી, પરંતુ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો. તેના સંબંધીઓનું કહેવું છે કે મુક્ત થયા બાદ તેણે દુનિયાના અંતની જે તારીખ જણાવી હતી, તેને વધુ નજીક લાવી દીધી. એપ્રિલ 2023માં પોલીસે તેની ફરી ધરપકડ કરી. ત્યારબાદ અધિકારીઓએ જંગલમાં વધુ વ્યવસ્થિત રીતે તપાસ શરૂ કરી અને સામૂહિક કબરોમાંથી મૃતદેહો બહાર કાઢવા લાગ્યા. જંગલમાં થયેલા મૃત્યુને લઈને મેકેન્ઝી સામે અન્ય કેસો પણ ચાલી રહ્યા છે. તેમાં આતંકવાદ સાથે જોડાયેલા આરોપો પણ સામેલ છે, જેને તેણે નકારી કાઢ્યા છે. સરકારી વકીલોનો આરોપ છે કે કસ્ટડીમાં હોવા છતાં મેકેન્ઝીએ જંગલથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં 52 લોકોનાં મૃત્યુનો આદેશ આપ્યો હતો. આ કેસમાં પણ મેકેન્ઝીએ પોતાને નિર્દોષ ગણાવ્યો છે. કેટલાક બાળકોને માતા-પિતાની સામે ભોજન આપવામાં આવ્યું નહોતું ન્યાયાધીશ ડાયના કાવેડ્ઝા મોચાચેએ આઠ કલાકથી વધુ ચાલેલી સુનાવણી દરમિયાન જણાવ્યું કે કેટલાક કિસ્સાઓમાં બાળકોને તેમના પરિવારોથી અલગ કરી દેવામાં આવ્યા હતા. તેમને ભોજન આપવામાં આવ્યું નહોતું, જ્યારે તેમના માતા-પિતા આ બધું જોતા રહ્યા. ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે મેકેન્ઝી કોર્ટમાં હાજર હતો. તેની પત્ની પણ તેની સાથે બેઠી હતી. તે પણ આ કેસમાં આરોપી છે. 62 વર્ષના ફ્રાન્સિસ વાંજેએ આ ઘટનામાં પોતાના પરિવારના આઠ સભ્યોને ગુમાવ્યા. મૃતકોમાં તેમના બે પૌત્ર-પૌત્રીઓ પણ સામેલ હતા. ચુકાદા પહેલાં તેમણે રોયટર્સને કહ્યું હતું કે આ ઘટનાને કારણે તેમનો પરિવાર લાંબા સમયથી માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. તેઓ આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. બાળકોને શાળા અને હોસ્પિટલ જવાથી પણ રોકતો હતો મેકેન્ઝી લોકોને પોતાના બાળકોને શાળાએ મોકલવાથી રોકતો હતો. જો કોઈ બીમાર પડે, તો તેને હોસ્પિટલ જવાની પણ મંજૂરી નહોતી. મેકેન્ઝી આ સંસ્થાઓને શેતાન સાથે જોડાયેલી ગણાવતો હતો. તેના અનુયાયીઓ પ્લાસ્ટિકની ચાદરો અને સૂકા ઘાસથી બનેલી કામચલાઉ ઝૂંપડીઓમાં રહેતા હતા. મેકેન્ઝીએ જંગલમાં તેમના રહેવાના વિસ્તારોનાં નામ બાઇબલ સાથે જોડાયેલા રાખ્યા હતા. તેમાં યેરુશાલેમ અને યહૂદિયા જેવા નામો સામેલ હતા. મેકેન્ઝી 2017થી પોલીસની નજરમાં હતો આ ઘટનાએ કેન્યામાં પોલીસ અને વહીવટીતંત્રની ભૂમિકા પર સવાલો ઊભા કર્યા. મેકેન્ઝી 2017થી અધિકારીઓની નજરમાં હતો. તે વર્ષે પોલીસે તેના ઠેકાણા પર દરોડો પાડ્યો હતો. તેમ છતાં તે લાંબા સમય સુધી પોતાની પ્રવૃત્તિઓ ચલાવતો રહ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, 2019માં અધિકારીઓએ તેનું ચર્ચ બંધ કરાવી દીધું હતું. ત્યારબાદ તે શાકાહોલા જંગલમાં રહેવા જતો રહ્યો. આ ઘટના બાદ કેન્યામાં ચર્ચ અને અન્ય ધાર્મિક સંગઠનો પર કડક દેખરેખ રાખવાની માગ ઊઠી. દેશમાં સામાન્ય લોકોના જીવનમાં ધર્મની મહત્વપૂર્ણ ભૂમિકા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *