હરાજી વિનાના સ્ટોલ પણ લાગ્યા:લો ગાર્ડન હેપ્પી ફૂડ સ્ટ્રીટમાં 24 ખાણીપીણીના સ્ટોલ માટે જાહેર હરાજી થશે, ગેરકાયદેસર પતરા મામલે નેતાઓ- અધિકારીઓની મૂક સંમતિ

📅 Published: October 7, 2026 | 📂 Category: gujarati-news

શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં હેપ્પી ફૂડ સ્ટ્રીટ બનાવવામાં આવી છે. ફૂડ સ્ટ્રીટમાં 48 જેટલા ખાણીપીણીના વેપારીઓને વેપાર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જોકે, વેપારીઓને મંજૂરી આપ્યા બાદ, હવે બાકી રહેલી જગ્યામાં 24 વેપારીઓને જાહેર હરાજીથી જગ્યા ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે આ અંગેનું ટેન્ડર પણ બહાર પાડ્યું છે. જોકે, ફૂડ સ્ટ્રીટમાં નેતાઓ અને અધિકારીઓની મીઠી નજર હેઠળ થઈ રહેલા ગેરકાયદે બાંધકામો અને નિયમોના ભંગને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. 24 સ્ટોલ માટે જાહેર હરાજી, માસિક ₹15,000થી શરૂઆત
પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર મહેશ તડવીએ દિવ્યભાસ્કરને માહિતી આપતા જણાવ્યું હતું કે, હેપ્પી ફૂડ સ્ટ્રીટમાં બાકી રહેલી જગ્યામાં 24 જેટલા સ્ટોલ લગાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ જગ્યા જાહેર હરાજીથી માસિક 15,000 રૂપિયાના બેઝ પ્રાઈસ લેખે ભાડે આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ જાહેર હરાજીમાં જે ભાડું નક્કી થશે, તે ભવિષ્યમાં હેપી સ્ટ્રીટના તમામ વેપારીઓ માટે લાગુ પડશે. ટેન્ડર ફોર્મ 17 ઓક્ટોબર સુધી જમા કરાવવાના રહેશે અને 23 ઓક્ટોબરના રોજ જાહેર હરાજી પ્રક્રિયા હાથ ધરાશે. આ હરાજીમાં જૂના લો ગાર્ડન ખાણીપીણી બજારના વેપારીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. રાતના 1 વાગ્યા સુધી મંજૂરી પણ જગ્યા બીજાને ભાડે અપાઈ?
હેપ્પી ફૂડ સ્ટ્રીટમાં રાત્રે 1 વાગ્યા સુધી વેપાર કરવા દેવાની મંજૂરી અપાઈ છે અને જે વ્યક્તિના નામે જગ્યા હોય તેણે જ વેપાર કરવાનો નિયમ છે. જગ્યાની હાલની સ્થિતિમાં કોઈપણ બાંધકામ કે ફેરફાર કરવા પર પ્રતિબંધ છે. તેમ છતાં, વાસ્તવિકતા કંઈક અલગ જ છે. 48 વેપારીઓને જગ્યા ફાળવાઈ હોવા છતાં, અન્ય ઘણા લોકો ત્યાં વેપાર કરી રહ્યા છે. જેમને જગ્યા ફાળવવામાં આવી છે, તેમણે પોતાની જગ્યામાં બીજા નાના સ્ટોલવાળાઓને ઘુસાડી દીધા છે. એક ગાળાની મંજૂરી હોય ત્યાં બે થી ત્રણ ગાળામાં વેપાર ચાલી રહ્યો છે અને એસ્ટેટ વિભાગ યોગ્ય ચેકિંગ કરતું ન હોવાથી વેપારીઓ બેફામ બન્યા છે. સામાન્ય માણસનું બાંધકામ તોડતું તંત્ર
હાલમાં હેપ્પી ફૂડ સ્ટ્રીટમાં ભાજપના કેટલાક નેતાઓની આડમાં વેપારીઓએ ગેરકાયદેસર રીતે લોખંડના પતરા અને શેડ બનાવી દીધા છે. કેટલાક નેતાઓની મૌખિક સંમતિને કાયદેસર માનીને આ બાંધકામ ખડકી દેવાયા છે. ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે આ મુદ્દે તપાસ કરી કાર્યવાહી કરવાની ગોળ-ગોળ વાત કરી છે. જ્યારે સામાન્ય વ્યક્તિ થોડું દબાણ કરે તો પણ જે JCB લઈને પહોંચી જતું તંત્ર અહીં મૂકપ્રેક્ષક બની ગયું છે. ચર્ચા છે કે એક મોટા નેતાની મુલાકાત બાદ જ આ શેડ રાતોરાત ઉભા કરી દેવાયા છે અને તેમની છૂટછાટના કારણે જ કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *