આપણા મનમાં એવું હોય કે કાર લઈને ટોલ પ્લાઝા ક્રોસ કરીશું એટલે ફાસ્ટટેગમાંથી ટોલ કપાઈ જશે. પણ હવે ટોલમાંથી પસાર થશો તો કારની નંબર પ્લેટ સ્કેન થઈ જશે ને જરૂરી ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો તોતિંગ ઈ-ચલણ પણ ભરવું પડશે. જી હા, ગુજરાતમાં 21 નવેમ્બરથી પ્રાઈવેટ વ્હીકલ માટે પણ સ્ટેટ હાઈ-વે અને નેશનલ હાઈ-વે પર હવે ઈ-ડિટેક્શન સિસ્ટમ શરૂ થઈ ચૂકી છે. આખરે શું છે આ ઈ-ડિટેક્શન સિસ્ટમ, કેવી રીતે કામ કરે છે? તમારે તમારા વાહનના ક્યા ડોક્યુમેન્ટ પ્રોપર રાખવા પડશે? આ સવાલોના જવાબ જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં… સવાલ-1 : ગુજરાત સરકારે શું નિર્ણય કર્યો?
જવાબ : ગુજરાત સરકારે માર્ચ 2025માં જાહેરાત કરી હતી કે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ટોલ પ્લાઝા પર ઈ-ડિટેક્શન સિસ્ટમ ભારે વાહનો માટે ફીટ કરવામાં આવશે. ટ્રક, બસ, ડમ્પરની નંબર પ્લેટ સ્કેન કરીને તેનો ડેટા મેળવી લેશે અને ડોક્યુમેન્ટ પ્રોપર નહીં હોય તો ઈ-ચલણ જનરેટ થઈ જશે. ગુજરાતમાં કમર્શિયલ વાહનો માટે ગયા વર્ષથી જ ઈ-ચલણ ઈશ્યૂ થવા લાગ્યા હતા. લાખો ઈ-ચલણ નીકળી પણ ગયા. હવે ગુજરાતના ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી છે કે, ગુજરાતના તમામ હાઈવે પરના ટોલ પ્લાઝામાં ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નેશન કેમેરા તમામ સર્વર સાથે કનેક્ટ થઈ ચૂક્યા છે અને 21 નવેમ્બરથી કમર્શિયલ વ્હીકલ સિવાયના ખાનગી વાહનો કાર, મેટાડોર, મારુતિ વાન સહિતના વાહનો માટે આ સિસ્ટમ એક્ટિવ કરી દેવામાં આવી છે. એટલે ગુજરાતના કોઈપણ ટોલ પરથી તમારી કાર પસાર થશે એટલે ફાસ્ટટેગ તો સ્કેન થશે જ, સાથે નંબર પ્લેટ પણ સ્કેન થઈ જશે. હવે યાદ એ રાખવાનું છે કે ટોલ ક્રોસ કરશો એટલે તમારા વાહનનો તમામ ડેટા ઈ-ડિટેક્શન સિસ્ટમ સ્કેન કરી લેશે. સવાલ-2 : કેવી રીતે કામ કરે છે ઈ-ડિટેક્શન સિસ્ટમ?
જવાબ : કેન્દ્ર સરકારની એજન્સી નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)એ ઈ-ડિટેક્શન સિસ્ટમ ડેવલપ કરી છે. આ એવી સિસ્ટમ છે જે ટોલ પ્લાઝામાંથી પસાર થતા વાહનોના તમામ રેકોર્ડ ચેક કરીને ઈ-ચલણ મોકલે છે. વાહનોના ડેટા RTOમાં હોય. ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટમાં હોય. આ તમામ ડેટાને અલગ અલગ સર્વરમાં જઈને ચેક કરે છે. તમારી કારની બધી ડિટેઈલ કાઢી લેશે. જેમ કે વ્હીકલ ટેક્સ, ફિટનેસ સર્ટીફિકેટ, ઈન્સ્યોરન્સ, PUC બધા ડોક્યુમેન્ટ પ્રોપર છે કે નહીં તે ચેક કરી લે છે. આ સિસ્ટમ એવા વાહનોની નંબર પ્લેટ પણ સ્કેન કરીને ડેટા લઈ આવે છે કે 15 વર્ષથી પણ જૂના હોય. આનાથી થશે એવું કે ટોલ પ્લાઝા પાસે RTO, નેશનલ હાઈવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસનો સ્ટાફ વાહન ચેકીંગ માટે ઊભો રહે છે તેમણે ઊભા નહીં રહેવું પડે. આમાં ખાનગી કાર, ટેક્સી-કેબ, રિક્ષા, નાના મોટા તમામ કમર્શિયલ અને નોન-કમર્શિયલ વાહનોની નંબર પ્લેટ સ્કેન થઈ જશે. તમારા નામે કોઈપણ શહેરમાં ઈ-ચલણ નીકળ્યું હશે પણ તમે નહીં ભર્યું હોય તો તેનો ડેટા પણ આવી જશે. આમાંથી કોઈપણ ડોક્યુમેન્ટ પ્રોપર નહીં હોય તો સિસ્ટમ ઓટોમેટિક ઈ-ચલણ જનરેટ કરશે અને વાહન માલિકના મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજ પહોંચી જશે. જેમાં ચલણની રકમ, ઉલ્લંઘનનો પ્રકાર અને પેમેન્ટ કરવાની લિન્ક આવશે. કોઈને લિન્ક પર ભરોસો ન હોય તો ભારત સરકારની વેબસાઈટ https://echallan.parivahan.gov.in પર જઈને ભરી શકશો. ખાસ યાદ રાખો કે તમને ઈ-ચલણ વોટ્સએપમાં નહીં આવે. ટેક્સ્ટ મેસેજથી આવશે. તેમાં પણ લિન્કમાં mParivahan કે echallan લખેલું હોય તો પાછળ gov.in ખાસ હશે એ જ સાચું ગણાશે. બાકી ઘણીવાર ભળતી લિન્ક મોકલીને ફ્રોડ થાય છે તેનાથી ધ્યાન રાખવું. મેસેજમાં લિન્કની સાથે mParivahan.wxxjk.in આવું કાંઈક હોય તો તેના પર ક્લિક ન કરવું ને પેમેન્ટ પણ ન કરવું. gov.in હોય તો જ વિશ્વાસ કરવો. આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે તો જાણી લીધું, પણ કારના ત્રણ ડોક્યુમેન્ટ પ્રોપર હોવા જોઈએ. સવાલ-3 : કયા ત્રણ ડોક્યુમેન્ટ પ્રોપર હોવા જોઈએ?
જવાબ : મોટાભાગના ડોક્યુમેન્ટ ચેક થશે પણ શરૂઆતના તબક્કામાં ત્રણ ડોક્યુમેન્ટ પ્રોપર રાખવા પડશે, કારણ કે તેનું ઈ-ચલણ આવશે. વીમા વગર વાહન ચલાવવાના જોખમો ઘણા છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ વાહન માટે ઓછામાં ઓછો થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે. પછી એ કાર હોય કે સ્કૂટર. વીમો ન હોય તો ક્યા રિસ્ક ફેક્ટર છે તે જાણી લો… PUCને લોકો ગંભીરતાથી લેતા નથી. હકીકતે વ્હીકલ એક્ટ મુજબ પીયુસી (પોલ્યુશન કંટ્રોલ સર્ટીફિકેટ) જરૂરી છે. તમારી કાર કે સ્કૂટરનો ધુમાડો પર્યાવરણને બગાડતો તો નથી ને, તેની ખરાઈ કરવાનું ચોક્કસ માપદંડ છે. પીયુસી સેન્ટરમાં જઈને તમે સર્ટીફિકેટ કઢાવી શકો. પીયુસી માટેના પણ કેટલાક નિયમો છે, નોંધી રાખો. રહી વાત વ્હીકલ રજીસ્ટ્રેશનની, તો ઘણીવાર એવું થાય છે કે વ્હીકલ રજીસ્ટ્રેશન પ્રોપર હોતું નથી. અલબત્ત, ગુજરાત પહેલું રાજ્ય નથી કે જ્યાં ઈ-ડિટેક્શન સિસ્ટમનો અમલ થયો હોય. સવાલ-4 : અત્યાર સુધીમાં કેટલા રાજ્યોમાં અમલ થયો?
જવાબ : અત્યાર સુધીમાં ગુજરાત સહિત 9 રાજ્યોમાં અમલ થઈ ચૂક્યો છે. 5 રાજ્યોમાં પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે અને પંજાબમાં પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે પણ ટ્રાયલ ચાલી રહી છે. મોટાભાગના રાજ્યોમાં 2025માં આ સિસ્ટમ ટોલ પ્લાઝામાં શરૂ થઈ હતી પણ તે ફક્ત ભારે વાહનો માટે જ હતી. હવે 9 રાજ્યોમાં ખાનગી વાહનો માટે પણ અમલમાં મૂકવામાં આવી છે. ભારતમાં ટોપ-5 રાજ્યોમાં ટોલ પ્લાઝા સૌથી વધારે છે. તેમાં રાજસ્થાનમાં 156, ઉત્તરપ્રદેશમાં 97, મધ્યપ્રદેશમાં 90 અને મહારાષ્ટ્રમાં 89 અને તમિલનાડુમાં 78 ટોલ પ્લાઝા છે. વાત રહી ગુજરાતની તો આપણે ત્યાં 58 ટોલ પ્લાઝા છે. હા, એક વાત નોંધવા જેવી છે કે ભારતના ટોપ-5 સૌથી વધારે કમાણી કરતા ટોલ પ્લાઝામાં ગુજરાતના ભરૂચ પાસેનું ભરથાણા ટોલ પ્લાઝા છે. ઓડિશામાં આ સિસ્ટમ 31 નેશનલ ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવી છે, જ્યાં આશરે 2.5 વર્ષમાં હેવી વ્હીકલ માટે 665,000થી વધુ ઈ-ચલણ જારી કરવામાં આવ્યા છે. છત્તીસગઢે 23 નેશનલ ટોલ પ્લાઝા અને 37 ANPR કેમેરા પર આ સિસ્ટમ લાગુ કરી છે, જેના પરિણામે આશરે 1.5 વર્ષમાં 92,000થી વધુ ઈ-ચલણ જારી થયા છે. બિહારમાં 43 નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર તેને લાગુ કરવાથી માત્ર એક મહિનાની અંદર 40,000થી વધુ ઈ-ચલણ જારી કરવામાં આવ્યા હતા. આવા ઈ-ચલણ જારી કરવામાં રાજસ્થાન 13 લાખ ઈ-ચલણ સાથે સૌથી આગળ છે. અલબત્ત, રાજસ્થાનમાં પણ ખાનગી વાહનો માટે આ સિસ્ટમ શરૂ થઈ છે. શહેરમાં પણ ઈ-ચલણ ઈશ્યૂ તો થાય છે પણ મોટાભાગના લોકો ચલણ ભરતા નથી અને પીયુસી કે વાહનના વીમાને લઈને ગંભીર નથી. સવાલ-5 : ગુજરાતમાં વીમા વગરના કેટલા વાહનો ફરે છે?
જવાબ : ચાલુ વર્ષે લોકસભામાં જાહેર કરાયેલા ડેટા પરથી જાણવા મળે છે કે ગુજરાતમાં લગભગ 3 કરોડ નોંધાયેલા વાહનોમાંથી 1.03 કરોડ વાહનોનો વીમો નથી, ઘણા વાહનોના ઈન્સ્યોરન્સ એક્સપાયર થઈ ગયા છે. એટલે દર ત્રણમાંથી લગભગ એક વાહન ઈન્સ્યોરન્સ વગર રસ્તા પર દોડે છે, જ્યારે લાખો વાહનો પીયુસી વગર દોડે છે. વીમા વગરના વાહનોના મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. 2026ની જુલાઈ સુધીમાં ગુજરાતમાં 1,03,36,054 વીમા વિનાના વાહનો હતા, જેની સંખ્યામાં ગુજરાત ફક્ત ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રથી પાછળ છે. સમગ્ર દેશમાં 14.31 કરોડ વાહનો વીમા વિના હોવાનું જાણવા મળ્યું હતું. અલબત્ત, હવે તો ટોલ પ્લાઝામાંથી પસાર થાવ એટલે કોઈપણ ડોક્યુમેન્ટ પ્રોપર નહીં હોય તો ઈ-ચલણ નીકળી જશે. આપણે ત્યાં મોટાભાગના લોકો એવું વિચારે છે કે શહેરમાં ટ્રાફિક સિગ્નલ તોડ્યા પછી જો ઈ-ચલણ નીકળ્યું તે પણ નથી ભરતા તો ટોલ પ્લાઝાથી નીકળેલું ચલણ નહીં ભરીએ તો ચાલશે. તો, આ ગફલતમાં રહેતા નહીં. ટોલ પ્લાઝાથી તમારું ઈ-ચલણ જનરેટ થશે તો ફરજિયાત ભરવાનું છે. જો તમે 45 દિવસમાં એટલે દોઢ મહિનામાં ન ભર્યું તો કોર્ટની નોટિસ મળી શકે છે ને કેસ ચાલી શકે છે. કોર્ટમાં દલીલો ચાલ્યા પછી કોર્ટ ચલણ ભરવા આદેશ આપી શકે અથવા વ્હીકલ એક્ટની જોગવાઈ મુજબ જેલ સજા ફટકારી શકે. ઈન્સ્યોરન્સ ન હોય તો એક વર્ષની જેલની જોગવાઈ છે અને રજીસ્ટ્રેશન પ્રોપર ન હોય તો ત્રણ વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. ઘણીવાર એવું થાય છે કે તમારું પીયુસી અપડેટ છે. ઈન્સ્યોરન્સ રિન્યુ કરાવેલો છે તો પછી ઈ-ચલણ જનરેટ કેવી રીતે થયું? આના માટે તમે પોતે કોર્ટમાં અરજી કરી શકો છો. પ્રોસિક્યુશન પ્રોસેસ ચાલશે ને કોર્ટ નિર્ણય કરે તે મુજબ ચલણ રદ્દ થઈ શકે છે.
હવે ટોલ પરથી જ કારની કુંડળી નીકળી જશે:ગુજરાતના 58 પ્લાઝા પર 'ખાસ કેમેરા'ની બાજ નજર; ઈન્સ્યોરન્સ નહીં હોય તો 15 હજારનું ચલણ ફાટશે
📅 Published: November 25, 2026 |
📂 Category: gujarati-news
